SURAT

સુરત: મારી પત્ની મને ગમતી નથી કહી માથામાં સિંદુર ભરી શરીર સંબંધ બાંધ્યા અને પછી…

સુરત: ડિવોર્સી અને બે સંતાનની માતાને લગ્નની લાલચ આપીને તેની સાથે શરીર સંબંધ બાંધનાર પરિણીત યુવકની આગોતરા જામીન અરજી કોર્ટે નામંજૂર કરી હતી. આરોપીએ ભોગ બનનારને કહ્યું હતું કે મારી પત્ની મને ગમતી નથી, તેને છૂટાછેડા આપીને તારી સાથે લગ્ન કરી લઈશ. યુવકે સંબંધ તો બાંધ્યા પરંતુ પાછળથી લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો. આરોપીએ પરિણીત હોવા છતાં ભોગ બનનારના માથામાં સિંદૂર પુર્યું હોવાની દલીલ સાથે ફોટો પણ કોર્ટમાં રજૂ કરાયો હતો.

  • માથામાં સિંદુર પૂર્યું હોવાનો ફોટો કોર્ટમાં રજૂ કરાતા બે સંતાનની માતા સાથે દુષ્કર્મ આચરનારના આગોતરા જામીન કોર્ટે ફગાવ્યા
  • સિંગણપોર ભાગ્યલક્ષ્મીમાં રહેતા વિરાજ પડાયાને જે મહિલાએ નોકરીએ રાખ્યો તેની સાથે જ દગાખોરી કરી
  • મારી પત્ની મને ગમતી નથી કહીને શરીર સંબંધ બાંધ્યા અને પછી ડિવોર્સી મહિલાને લગ્ન માટે નન્નો ભણી દીધો

કેસની વિગત એવી છે કે, વેડરોડ વિસ્તારમાં રહેતી અને રિયલ એસ્ટેટનું કામ કરતી 36 વર્ષિય પ્રિયંકા ( નામ બદલ્યું છે) બે સંતાનની માતા છે અને ડિવોર્સી છે. સપ્ટેમ્બર-૨૦૨૨ આરોપી વિરાજ સુનીલ પડાયા (પંડ્યા) (ઉ.વ.૩૪, રહે ભાગ્યલક્ષ્મી સોસાયટી, સિંગણપોર) નામનો પરણીત યુવાન નોકરીની શોધમાં પ્રિયંકા પાસે આવતા પ્રિયંકાએ તેને નોકરીએ રાખ્યો હતો.

વિરાજે શરુમાં મહિલા સાથે મિત્રતા કેળવી હતી અને બાદમાં મહિલાને જણાવ્યું હતું કે ‘મારી પત્ની મને ગમતી નથી, તેને છુટાછેડા આપીને તારી સાથે લગ્ન કરી લઈશ’. બીજી બાજુ મહિલાએ પણ ત્રણ વર્ષ પહેલા છુટાછેડા થઇ ગયા હોય મિત્રતા જાળવી રાખી હતી.

પોલીસ કેસ મુજબ આ પરણીત યુવકે મહિલા સાથે લગ્નની લાલચ આપી અનેક વખત શારિરીક સંબંધ બાંધી તેણી સાથે દુષ્કર્મ આચાર્યું હતું. છ મહીનાથી વધુ મહિલાનો ઉપભોગ કર્યા બાદ આરોપીએ લગ્નનો ઇનકાર કરી દીધો હતો. જેથી મહિલાને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો અને લગ્નના નામે તે દુષ્કર્મનો ભોગ બનતા તેણીએ વિરાજ પડાયા સામે ચોકબજાર પોલીસ મથકમાં બળાત્કારની ફરીયાદ નોંધાવી હતી. આરોપી નાસતો ફરે છે.

આરોપીએ તેના એડવોકેટ મારફત કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. તે અરજી ગુરુવારે કોર્ટમાં ચાલી ગઈ હતી. જેમાં સરકારી વકીલ તેજસ પંચોલીએ આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર કરવા દલીલ કરી હતી. મૂળ ફરિયાદી તરફે એડવોકેટ અશ્વિન જોગડિયાએ સોગંદનામું રજૂ કર્યું હતું. આરોપીએ પરિણીત હોવા છતાં ભોગ બનનારના માથામાં સિંદૂર પૂર્યું હોવાની દલીલ સાથે ફોટો પણ કોર્ટમાં રજૂ કરાયો હતો. બંને પક્ષકારોને સાંભળ્યા બાદ કોર્ટે આગોતરા જામીન અરજી નામંજૂર કરી હતી.

Most Popular

To Top