નવી દિલ્હી: અરબી સમુદ્રમાં (ArebianSea) તા. 6 જૂને ઉદ્દભવેલું બિપોરજોય વાવાઝોડું (BiporjoyCyclone) ગઈકાલે ગુરુવારે સાંજે કચ્છના (Kutch) જખૌ બંદર (Jakhau) ખાતે ટકરાયું હતું. રાત્રે 12 કલાકે વાવાઝોડાની આંખ જખૌ પરથી પસાર થઈ હતી. રાતભર કચ્છ, સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના મોટા ભાગના વિસ્તારોને ધમરોળી તારાજી સર્જ્યા બાદ હવે વાવાઝોડું ગુજરાત છોડી રાજસ્થાનમાં પ્રવેશ્યું છે.
રાજસ્થાનના બાડમેર અને જાલોરમાં વાવાઝોડાના પગલે રેડ એલર્ટ કરી દેવાયું છે. વાવાઝોડાના આગમન પહેલાં જ અહીં તોફાની પવનો ફૂંકાવા સાથે વરસાદ વરસવા લાગ્યો હતો. જેસલમેરમાં પણ વાવાઝોડાનીઅસર દેખાઈ રહી છે. બાડમેર અને સિરોહીમાં અનેક વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા છે.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા રાજસ્થાનના 5 જિલ્લામાં બે દિવસ માટે અતિ ભારે વરસાદની આગાહી કરવા સાથે રેડ એલર્ટ જારી કરાયું છે. અહીં 13 જિલ્લામાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે. હવામાન વિભાગ અનુસાર આગામી 24 કલાકમાં રાજસ્થાનમાં 8 ઈંચથી વધુ વરસાદ વરસી શકે છે. તેમજ તા. 18 જૂન સુધી વાવાઝોડું રાજસ્થાનમાં સક્રિય રહેશે.
બાડમેરમાં 5 હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા
વાવાઝોડાના પગલે રાજસ્થાન સરકારે સાવચેતીના પગલાં લેતા પાકિસ્તાન સરહદ પર આવેલા ગામડાંઓમાંથી 5 હજાર લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કર્યું છે. બખાસર, સેડવા ચૌહાણ, રામસર, ધોરીમ્ના ગામોના લોકોને અન્યત્ર ખસેડાયા છે. જેસલમેરના ડબલા ગામમાંથી 100 પરિવારના 450 લોકોને ખસેડાયા છે.
રાજસ્થાનમાં સ્કૂલો બંધ, ટ્રેનો રદ
વાવાઝોડું ત્રણ દિવસ સુધી રાજસ્થાનમાં સક્રિય રહેવાનું હોય રાજ્ય સરકાર દ્વારા આગોતરા પગલાં લેતા સ્કૂલો, કોલેજો ત્રણ દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ સાથે જ ટ્રેનો પણ રદ કરી દેવામાં આવી છે, પરીક્ષા સ્થગિત કરી દેવાઈ છે.