SURAT

વાવાઝોડાની અસર: સુરતના રાણીતળાવ વિસ્તારમાં દીવાલ પડતાં એક યુવક દબાયો

સુરત: બિપરજોય વાવાઝોડું (Biporjoy Strom) પ્રચંડ ગતિએ ગઈકાલે સાંજથી સૌરાષ્ટ્ર- કચ્છને ઘમરોળીને રાતભર વિનાશ વેરીને રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે ગઈકાલે ગુરુવાર બપોરથી આજે શુક્રવારની સવાર સુધી સુરત સહિતના દરિયા તટીય વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાની અસર વર્તાઈ હતી.

દરિયા તટીય વિસ્તારોમાં ગઈકાલે ગુરુવારે 68 કિમીની ઝડપે પવન ફૂંકાયા બાદ આજે શુક્રવારે પવનની ગતિ ઘટીને 40થી 45 કિમીની નોંધાઈ છે અને સુરત સહિત વિવિધ જિલ્લાઓમાં હળવો વરસાદ નોંધાયો છે. વાવાઝોડું ગઈકાલે મોડીસાંજે કચ્છના દરિયાતટે ત્રાટક્યું હતું. તેના કારણે અરબી સમુદ્ર (ArebianSea) તોફાની બન્યો હતો.

સુરત સહિતના દરિયાતટે ગઈકાલે સાંજે 68 કિમીની ઝડપે પવન ફુંકાયા બાદ આજે સવારે મગદલ્લા પોર્ટ પર પવનની ઝડપ 40થી 45 કિમીની થઈ ગઈ છે. જ્યારે સુરત શહેરના વિસ્તારોમાં પવનની ગતિ 22 કિમીની નોંધાઈ છે. દરમિયાન ગઈકાલે રાતથી જ શહેરમાં ઠેરઠેર વૃક્ષો, વીજપોલ અને દીવાલ પડવાના તેમજ છાપરાં ઉડવાના બનાવો બન્યા છે. આજે સવારે શહેરના રાણીતળાવ વિસ્તારમાં ભક્કા દવાખાના પાસે દીવાલ પડતાં એક યુવક દબાયો હતો.

દમણ, વલસાડ, નવસારી, સુરત અને ભરૂચ જિલ્લાના દરિયા તટે વાવાઝોડાની અસર વર્તાઈ હતી અને આજે શુક્રવાર સવારે પણ તેજ ગતિએ પવન ફુંકાઈ રહ્યો છે. વાવાઝોડાની અસરને પગલે આજે પણ સુરત, નવસારી, વલસાડ, ડાંગ ઉપરાંત ભરૂચ જિલ્લામાં પણ હળવો વરસાદ થવાની સંભાવના સુરત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

સુરતમાં 9 વૃક્ષ પડ્યાં
બિપરજોય સાયક્લોનને કારણે આજે પણ શહેરના વિવિધ ઝોનોમાં તોતિંગ ઝાડ પડવાના કિસ્સાઓ યથાવત રહેવા પામ્યા હોવાનો બનાવ ફાયર બ્રિગેડ દફ્તરે નોંધાયો હતો. ફાયર બ્રિગેડ સૂત્રોના જણાવ્યા અનુસાર બિપરોય ચક્રવાત ભરે માંડવી-કચ્છ ખાતે લેન્ડ ફોલ થઈ ગયુ હોય પરંતુ તેની પાછળની અસરો હજુ આજે પણ ચાલુ જ છે. આજે શહેરના રાંદેર, કતારગામ અને વરાછા ઝોનમાં મળી કુલ 9 તોતિંગ વૃક્ષો પવનની ગતિને કારણે તૂટી પડ્યા હતા. જેમાં રાંદેર ઝોનમાં 4, કતારગામમાં 2 અને વરાછામાં 2 મળી કુલ 9 વૃક્ષો તૂટી પડતા ફાયર બ્રિગેડના અધિકારીઓ ઘટના સ્થળે જઈ વૃક્ષોની ડાળીઓ તોડી રસ્તા પરથી હટાવી લીધા હતા. એલપી સવાણી પાસે રોડ પર પાર્ક કરેલી કાર પર વીજપોલ પડ્યો હતો.

વાવાઝોડાના પગલે ગરમીમાં ઘટાડો
વાવાઝોડાની અસરને પગલે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જોરદાર પવન ફૂંકાવા સાથે હળવો વરસાદ થતાં તાપમાનમાં થોડો ઘટાડો થયો છે. હવામાન વિભાગે જણાવ્યા મુજબ, સુરતમાં આજે સવારે લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી નોંધાયું છે અને પવનની ગતિ 22 કિમી નોંધાઈ છે તથા મહત્તમ તાપમાન 33.6 ડિગ્રી જળવાયેલું છે અને ભેજનું પ્રમાણ 77 ટકા ઊંચું નોંધાયું છે. બિપરોય વાવાઝોડાની અસર છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાતમાં વર્તાઈ રહી છે. તેથી તાપમાનમાં થોડી ઘટાડો થયો છે. પરંતુ ભેજનું પ્રમાણ ઉંચુ નોંધાતા લોકો બફારાના કારણે અકળામણ અનુભવી રહ્યા છે.

Most Popular

To Top