Gujarat

વાવાઝોડા બાદ હવે મેઘતાંડવ: નડાબેટના રણમાં પાણી ભરાયા

ગાંધીનગર: છેલ્લાં કેટલાંય દિવસથી ગાજી રહેલું બિપોરજોય વાવાઝોડું (BiporjoyCyclone) આખરે ગુરુવારે રાત્રે કચ્છના (Kutch) જખૌ (Jakhau) બંદર પર ટકરાયું. 125 કિ.મી.ની સ્પીડ ધરાવતા તોફાની પવનો સાથે આ વાવાઝોડું જમીન પર લેન્ડફોલ થયું તે સાથે જ કચ્છ સહિત ગુજરાતના મોટા ભાગના જિલ્લાના વાતાવરણમાં ધરખમ ફેરફારો જોવા મળ્યા હતા. ઠેરઠેર પૂરઝડપે પવનો ફૂંકાતા વૃક્ષો, વીજપોલ ધરાશાયી થયા. છાપરા ઉડ્યા. વાવાઝોડા સાથે વરસાદ (HeavyRain) વરસવાના લીધે ઠેરઠેર પાણી ભરાયા હતા.

હવે વાવાઝોડું કચ્છમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે બિપોરજોયની આફટર ઈફેક્ટને પગલે મેઘરાજાએ તાંડવ શરૂ કર્યો છે. કચ્છ, જામનગર, રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં રાત્રિથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે નડાબેટના રણ જાણે દરિયો બની ગયો હોય તેમ પાણી ભરાયા છે. આ ઉપરાંત પાટણ, બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વાવ તાલુકામાં વરસાદી પાણી ઘરોમાં ઘુસી જતા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. રાજકોટ અને જામનગરમાં તોફાની પવનો સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બિપોરજોય અને વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારના લોકોએ આખી રાત ડરમાં વિતાવી છે.

ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી બે દિવસ અતિભારે વરસાદની આગાહી
બિપોરજોયની આફટર ઈફેક્ટરના પગલે રાજ્યના અનેક જિલ્લામાં આગામી બે દિવસ તા. 16 અને 17 જૂન ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગ અને નિષ્ણાતોએ આગાહી કરી છે. ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા, પાટણ અને દ્વારકામાં અતિ ભારે વરસાદ પડી શકે છે. ભારે પવન અને વરસાદના લીધે રાજ્યના અનેક જિલ્લામાં વીજપોલ પડી જતા વીજળી ડૂલ થઈ છે. પાલનપુરના 25 ગામોમાં રાત્રિથી જ લાઈટ નથી.

પાટણમાં ધોધમાર વરસાદને પગલે ઠેરઠેર પાણી ભરાયા
રાત્રિના સમયે બિપોરજોય વાવાઝોડું જખૌ બંદર પર ટકરાયું ત્યાર બાદથી જ પાટણમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે સમગ્ર પંથકમાં વિઝિબિલિટી ઘટી ગઈ છે. સાંતલપુરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. કાચા મકાનો અને વૃક્ષો જમીનદોસ્ત થઈ ગયા છે.

રાજકોટમાં સવારથી ભારે પવન સાથે વરસાદ
રાજકોટમાં પણ બિપોરજોયની અસર જોવા મળી છે. અહીં ગોંડલ, જેતપુર, ઉપલેટા સહિતના પંથકમાં રાત્રિથી જ તોફાની પવન સાથે વરસાદ પડી રહ્યો છે. ઉપલેટમાં 6 ઈંચ, ધોરાજીમાં 4 ઈંચ, જામકંડોરણામાં 3.5 ઈંચ અને જેતપુરમાં 2 ઈંચ વરસાદ પડ્યો છે. નદી નાળા છલકાયા છે. શકુરા નદી બે કાંઠે થતા પંચનાથ મહાદેવ મંદિરનો મુખ્ય માર્ગ બંધ કરી દેવાયો છે.

Most Popular

To Top