વડોદરા: ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ ધપી રહેલા બિપોરજોય ચક્રવાતની અસર વડોદરામાં પણ શરૂ થઇ ગઇ છે. આજે સવારથી વડોદરાના કેટલાંક તાલુકાઓમાં પવનના સુસવાટા સાથે મધ્યમથી ભારે વરસાદી ઝાંપટા પડવાની શરૂઆત થઇ ગઇ છે. ભારે પવનના કારણે શહેર મા થોડો સમય માટે ઠંડક પ્રસરી ગઈ હતી પરંતુ ત્યાર બાદ દિવસ ભર બફારો જોવા મળ્યો હતો.
બિપોરજોય ચક્રવાતની અસરના કારણે શહેરના વાતાવરણમાં આજે સવારથી પલટો આવ્યો હતો. શહેરમાં વરસાદી વાદળોની સતત અવરજવર રહી હતી. આ સાથે જ સુસવાટા મારતો પવન પણ સતત ચાલુ રહ્યો હતો. જુદા-જુદા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદી ઝાંપટાનો દોર પણ ચાલુ રહ્યો હતો. સુસવાટા મારતો પવન અને વાદળછાયું વાતાવરણ રહેવાના કારણે શહેરીજનોએ અસહ્ય ઉકળાટનો પણ સામનો કરવાની ફરજ પડી હતી. બિપોરજોય ચક્રવાતને લઇ નગરજનોમાં ભારે દહેશત જોવા મળી હતી.
કીર્તિસ્થભ નજીક ભારે પવન ના કારણે ઝાડ પડ્યું એક ને ઇજા
સવારથી જ વડોદરાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. પવન ફુંકાવવાની સાથે વરસાદી માહોલ જામ્યો હતો. તેવામાં આજે સવારે ડભોઇના નરિયા ગામથી રસીદ વિનોદભાઇ પટેલ (ઉં. 23) વડોદરા આવ્યો હતો. તે સવારે 9-15 કલાકની આસપાસ કિર્તિ સ્થંભ પાસે આવેલા બસ સ્ટેશન પાસે ઉભો હતો ત્યારે તેના પર લીમડાનું ઝાડ પડ્યું હતું. ઝાડ પગ પર પડવાને કારણે તે બચી ગયો હતો. પરંતુ પગમાં ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત ને એસએસજી લાવવામાં આવ્યો હતો.
ભારે પવનના કારણે અંધારપટ થઇ શકે છે
બીપર જોય વાવાઝોડાના કારણે વડોદરા શહેર – જિલ્લામાં પણ ભારે પવન ફૂંકાઈ શકે છે. અંદાજે 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે ત્યારે શહેરમાં અંધારપટ છવાઈ શકે તેવી પણ શક્યતા છે. MGVCL દ્વારા પ્રિ મોન્સૂન કામગીરી તો કરવામાં આવી છે છતાં ભારે પવનમાં વીજ વાયરો તેમજ વીજ ઉપકરણો ખોટકાઈ શકે છે અને તેના કારણે અથવા તો સુરક્ષાના ભાગરૂપે પણ વીજકાપ આવી શકે છે જેથી શહેરીજનોએ તેની સામે પહોંચી વળવા પણ તૈયાર રહેવું પડશે.