મહુધા: મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહિડા દ્વારા ફેબ્રુઆરી-માર્ચ માસમાં જિલ્લા સંકલનમાં મહુધાના મુખ્ય માર્ગ પરના દબાણ હટાવવા પોતાની સત્તા હોવા છતાં સબંધિત કચેરીઓમાં રજૂઆતો કરાઈ છે. આ રજૂઆતો બાદ આજે એક માત્ર પાકુ દબાણ હટાવાયુ છે. જ્યારે ધારાસભ્યએ જાહેર માર્ગો પરની લારીઓ હટાવવાનું જણાવ્યુ હતુ, પરંતુ તે મામલે અધિકારીઓ નક્કર કાર્યવાહી ન કરી શકતા હોવાનું સામે આવ્યુ છે. જેથી ધારાસભ્ય પોતાના જ મતવિસ્તારમાં કાર્યવાહી કરવામાં અસક્ષમ હોય તેવી વાતો વહેતી થઈ છે.
મહેમદાવાદથી મહુધા તરફના આવતા રોડના વળાંક અને નડિયાદથી મહુધા રોડ પર ચોકડી નજીક અનેક નોનવેજના વેચાણ માટે તંબુઓ બાંધેલા છે. વર્ષોથી આ તંબુઓ અને નોનવેજ વિક્રેતાઓ વ્યવસાય કરી રહ્યા છે. પરંતુ આ તરફ નવા ચૂંટાયેલા ધારાસભ્યને આ વ્યવસાયકારો સામે વાંધો ઉઠ્યો છે. પરીણામે આ દબાણો હટાવવા તેમણે સંકલન સમિતિમાં સબંધિત વિભાગોને વારંવાર રજૂઆતો કરી જવાબો માંગ્યા છે. માર્ગ અને મકાન વિભાગ રાજ્યના અંતર્ગત આવતા રોડ પરના દબાણો હટાવવા માટે ધારાસભ્યનું દબાણ વધતા અંતે આજે એક બબલી ટ્રાવેલ્સ નામનું પાકુ દબાણ આજે હટાવાયુ છે.
જોકે, ધારાસભ્યનો જે મુખ્ય ટાર્ગેટ છે, તે નોનવેજની લારીઓ અને દબાણો હટાવાયા નથી. જેના કારણે તેમના સમર્થકોમાં રોષ ફેલાયો છે. ઉપરાંત પોતાની જ સરકાર રાજ્યમાં છે અને તમામ કચેરીઓ પણ સરકારી આદેશો મુજબ કામ કરતા હોય છે, તેવા સંજોગોમાં દબાણો હટાવવા માટે ધારાસભ્યએ સંકલનમાં જાણ કરવી પડે તે નવાઈની વાત છે. એટલુ જ નહીં, તેમની રજૂઆતો બાદ પણ તેની પર અમલવારી ન થતા ધારાસભ્યનું અધિકારીઓ સામે ઉપજતુ ન હોય તેવી ચર્ચાઓએ જોર પકડ્યુ છે.