નડિયાદ: ગુજરાત રાજ્યમાં છેલ્લાં 20 વર્ષથી નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજવામાં આવે છે. જેના પગલે અનેક ગરીબ પરિવારો પોતાના બાળકોને શાળાએ મોકલતા થયાં છે. જોકે, બીજી બાજુ કેટલીક સરકારી શાળા અને આંગણવાડીઓના જર્જરિત મકાનો ઉપરાંત બાળકોને સડેલું ભોજન આપવાના કિસ્સા પ્રકાશમાં આવ્યાં હોવાથી કેટલાક વાલીઓ પોતાના બાળકોને આવી શાળા તેમજ આંગણવાડીમાં મુકતા ખચકાઈ રહ્યાં છે. જેની અસર શાળા પ્રવેશોત્સવ દરમિયાન જોવા મળી રહી છે. ચાલુ વર્ષે યોજાયેલાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન નડિયાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતીની ત્રણ શાળાઓમાં પ્રવેશપાત્ર સંખ્યા 0 નોંધાઈ છે. જેને લઈ ધારાસભ્ય ગિન્નાયા હતાં અને શિક્ષકો, શાસનાધિકારી તેમજ સ્કુલબોર્ડના સભ્યોનો ઉધડો લીધો હતો.
ગુજરાત રાજ્યમાં 20 મો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો સોમવારના રોજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત નડિયાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતીની શાળા નં 1, 6, 7, 18 અને 23 નો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં સંતરામ ગર્લ્સ હાઈસ્કુલ ખાતે યોજવામાં આવ્યો હતો. જે દરમિયાન શાળા નં 1, 2 અને 16 માં આંગણવાડીમાં પ્રવેશપાત્રની સંખ્યા 0 હોવાનું ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના ધ્યાને આવ્યું હતું. જેથી ધારાસભ્યએ કાર્યક્રમમાં જ શાળાના શિક્ષકો ઉપરાંત શાસનાધિકારી અને સ્કુલ બોર્ડના સભ્યોનો ઉધડો લીધો હતો.
વાલી બાળકોને સરકારી શાળામાં ભણાવે તેવા પ્રયત્ન કરવા જોઇએ
શાળા પ્રવેશોત્સવ પ્રસંગે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, બાળકોનું ભણતર ભાર વગરનું હોવું જોઈએ. બાળકને શાળામાં આવવાની ઉતાવળ હોય અને જવાની ઉતાવળ ન હોય તે રીતે ગમ્મત સાથે જ્ઞાન વિદ્યાર્થીઓને શિક્ષકોએ આપવું જોઈએ. નડિયાદ પ્રાથમિક શાળામાં વધુ નામાંકન આવે અને નડિયાદના નાગરિકો પોતાના બાળકોને સરકારી શાળામાં ભણાવે એ દિશામાં શિક્ષકોએ પ્રયત્નો કરવા જોઈએ. સાથોસાથ ભણવામાં કમજોર બાળકો કેવી રીતે આગળ વધી પોતાનું અને દેશનું નામ રોશન કરી શકે છે તે માટે શાળાના શિક્ષકો અને આચાર્યોને સૂચનો આપ્યા હતા. આ મામલે ચાલુ ભાષણ દરમિયાન ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ શિક્ષકોને જણાવ્યું હતું કે, તમે બાળકોના પ્રવેશ માટે પ્રયત્ન કે મહેતન કરી જ નથી, એટલે 0 એડમિશન બતાવે છે. જો હું સાથે આવું અને એડમિશન કાઢી બતાવું તો શું કરવાનું…? હું આની ગંભીર નોંધ લઈ, સરકારને જાણ કરીશ.
કઈ શાળામાં કેટલા બાળકોએ પ્રવેશ લીધો ?
નડિયાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળની શાળા નંબર ૨૨ માં આજે આંગણવાડીમાં ૧૮, બાળવાટિકામાં ૯ અને ધો.૧ માં ૨ બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો. જ્યારે શાળા નં.૧, ૧૬ અને ૨૪ માં આંગણવાડીમાં ૨૧ બાળકો, બાલવાટિકામાં ૩૨ બાળકો અને ધો.૧ માં ૧૧ બાળકોએ પ્રવેશ લીધો.
પ્રવેશોત્સવમાં બાળકોને સ્કુલ કીટ આપવામાં આવી
આ કાર્યક્રમ અંતર્ગત જે વિદ્યાર્થીઓ આંગણવાડી, બાળવાટિકા, અને ધોરણ -૧ માં પ્રવેશ મેળવ્યો હોય તેમને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના ડેપ્યુટી સેક્રેટરી સુબોધ.ડી.જોશીએ સ્કૂલ કીટ આપી બાળકોમાં નવી ઉર્જાનો સંચાર કર્યું હતું. તેમજ શાળામાં સો ટકા હાજરી ધરાવતા બાળકોને ઇનામ આપી સન્માન કર્યું હતું.