ઓરિસ્સાના બાલાસોર નજીક બે પેસેન્જર ટ્રેન અને એક ગુડઝ ટ્રેન આ ત્રણ ટ્રેનો એક બીજા સાથે ભયંકર રીતે અથડાઇ જેમાં લગભગ 300થી વધુ નિર્દોષ લોકોએ જાન ગુમાવ્યા. ઘરડા મા-બાપોએ પોતાનો આધાર ગુમાવ્યો. તેમના બાળકો બિચારા નિરાધાર બન્યા… તેમની અખંડ સૌભાગ્યવતી ધર્મપત્નીઓના કપાળનું સિંદુર ભૂંસાયુ… તેઓ અકાળે વિધવા થઇ… આ મૃતક પરિવારના લોકોને સરકાર તરફથી રૂપિયા દસ દસ લાખ આપવાની જાહેરાત થઇ. પરંતુ તે કોઇ ઉકેલ નથી. તમે દસ લાખ આપો કે વીસ લાખ આપો. પરંતુ જે મૃત્યુ પામ્યા છે તે કાંઇ ફરી સજીવન થઇ પાછા આવવાના નથી.
આ મહાભયંકર દુર્ઘટનામાં જે લોકો જવાબદાર છે તેને કડકમાં કડક સજા થવી જ જોઇએ. અહીં મને એક પ્રસંગ યાદ આવે છે. ઇ.સ. 1956માં તત્કાલીન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના પ્રધાનમંડળમાં લાલ બહાદુર શાસ્ત્રી રેલવે પ્રધાન હતા. ત્યારે મહારાષ્ટ્રના ઇગતપુરી પાસે એક માલગાડીના ત્રણ ચાર ડબા પાટા પરથી ખડી પડેલા. કોઇ જાનહાની કે બીજુ કોઇ નુકશાન નહીં.
આ અકસ્માતની જાણ જયારે રેલવે મંત્રી લાલ બહાદુર શાસ્ત્રીને થઇ ત્યારે તેમણે તરત જ રેલવે મંત્રી તરીકે પોતે નિષ્ફળ ગયા છે તેની નૈતિક જવાબદારી સ્વીકારી રેલમંત્રી પદેથી તરત જ રાજીનામું આપી દીધેલું? આવા નિષ્ઠાવાન અને પ્રમાણિક પ્રધાનો આજે શોધ્યા જડે તેમ નથી…! જયારે આવા મહાભયંકર અકસ્માતો થાય અને ત્રણસો ત્રણસો જેટલા નિર્દોષ લોકો જાન ગુમાવે, આખો દેશ હચમચી ઉઠે છતાં કોઇના પેટનું પાણી સુધ્ધા હાલતું નથી એ કેવી કરૂણતા!! આવા અકસ્માતો ફરી ન થાય તેની પૂરેપૂરી કાળજી અને સભાનતા લેવાવી જોઇએ.
બીલીમોરા – પ્રોફેસર રમેશભાઇ એસ. ગાંધી – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
ચોમાસું અને શહેરના રસ્તાઓની હાલત
મેટ્રો રેલને કારણે આખા શહેરમાં ઠેકઠેકાણે રસ્તાઓનું ખોદાણ થયેલું છે. આ સંજોગોમાં ચોમાસાની સીઝનમાં વરસાદ પડી ગયા પછી રસ્તાઓની શું હાલત થશે તે કલ્પી શકાય તેમ નથી. આ ચોમાસા પૂરતું તો શહેરીજનોએ તમામ પ્રકારની સાવચેતી રાખીને બહાર નીકળવું પડશે અને શકય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું જ ટાળવું પડશે. જેમણે ફરજીયાત બહાર નીકળવું પડે તેમણે તો નીકળવું જ પડે, જેમ કે નોકરી – ધંધા કરવાવાળા. પણ તે સિવાયનાઓએ વણજોઈતું બહાર નીકળવાનું ટાળવું જોઈએ. વળી રસ્તાઓમાં કાદવ કીચડને લીધે ઠેરઠેર ટ્રાફિક જામના પ્રશ્નો પણ માથાના દુઃખાવા સમાન હશે.
સુરત – સુરેન્દ્ર દલાલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.