વડોદરા : વડોદરા શહેરના સ્માર્ટ સિટી બનાવવા તરફ પાલિકા તંત્ર આગળ વધી રહ્યું છે. પરંતુ ડોર ટુ ડોરના કચરા કલેક્શનના વાહન ચાલકો દ્વારા કચરો એકત્ર થયા બાદ ખુલ્લા વાહનોમાં લઈ જવાતા શહેરના રાજમાર્ગો પર કચરો ઠલવાઈ રહ્યો હોય પસાર થતા વાહન ચાલકો હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા છે. અન્ય શહેરોની મુલાકાત લઇ તેમના મુજબ કામ કરવા ટેવાયેલા શહેરના સત્તાધીશો શહેરને સ્માર્ટ સિટી બનાવવાથી વાત તો દૂર પરંતુ મિલી ભગતના કારણે શહેરને સ્વચ્છતા સર્વેક્ષણમાં પાછલા હાંસિયામાં ધકેલી રહ્યા છે.
વડોદરા શહેરને ફ્રી ગાર્બેજ સીટી બનાવવાનું સપનું સાકાર કરવા માટે પાલિકા તંત્રએ કમર કસી હતી.પણ ક્યાંકને ક્યાંક આ કચરા કેન્દ્રો નાબૂદ થતા શહેરના રાજમાર્ગોને જ કચરા કેન્દ્ર બનાવી દેવામાં આવ્યા છે.ડોર ટુ ડોર કલેક્શનની કામગીરી પણ શંકાના દાયરામાં આવવા પામી છે. શહેરના વિવિધ વિસ્તારોમાંથી કચરો એકત્ર થયા બાદ તેને ખુલ્લા વાહનોમાં લઈ જવામાં આવી રહ્યો છે. જેના કારણે આ કચરો જાહેર માર્ગ ઉપર ઠલવાઈ રહ્યો છે અને આ વાહન સાથે જ પસાર થતાં અન્ય વાહન ચાલકોને પણ દૂષિતમય વાતાવરણમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે.