કપડવંજ: કપડવંજ તાલુકાના 102 ગ્રામ પંચાયત વચ્ચે ફક્ત 35 જેટલા જ તલાટી કમ મંત્રી હોવાના કારણે સમગ્ર વહીવટી તંત્ર ખોડકાયું છે. હાલ સરકારની વિવિધ યોજનામાં સીધું ગ્રામ પંચાયત સુધી લાભો આપવામાં આવી રહ્યા છે. આવા સમયે સૌથી મહત્વની એવી પોસ્ટ તલાટીની જ ખાલી રહેવાના કારણે ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
કપડવંજ તાલુકો ચરોતરમાં સૌથી મોટા તાલુકામાંનો એક છે.
તેમાં 102 ગ્રામ પંચાયતો આવેલી છે. આમ છતાં તેને ગંભીરતાથી લેવામાં આવી રહ્યો નથી. સમગ્ર તાલુકામાં ફક્ત 35 જ તલાટી હોવાથી ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ગ્રામ પંચાયતોમાં તલાટીઓ ચાર્જમાં હોવાથી મુખ્ય સેજામાં તલાટીઓની કામગીરી પડતર રહે છે. ચાર્જવાળા સેજાના ગામોમાં પુરતુ ધ્યાન આપી શકાતાં નથી. એટલે સુધી કે કેટલાક તલાટી પાસે બે કે તેથી વધુ ગામોનો ચાર્જ છે. આશ્ચર્યજનક બાબત એ છે કે, વધુ વસતીવાળા ગામડામાં પણ રેગ્યુલર તલાટીનો અભાવ જોવા મળે છે.
તલાટીઓને ચાર્જ હોવાથી ગ્રામજનોને જન્મ મરણની નોંધણી, પંચકેસ, ઠરાવો, વિકાસના કામો, મંજુર કામોની અમલવારી, કામોના નકશા બનાવવાની કામગીરી, કામ પૂર્ણ થતાં આપવાના પ્રમાણપત્રો, કરેલા કામોના નાણા ચુકવણીમાં વિલંબ થવા, અન્ય નવા કામો શરૂ નહીં થઇ શકતા હોવાથી ગ્રામ્ય વિસ્તારનો વિકાસ અટકી ગયો છે. ગ્રામ્ય વિસ્તારમાં તલાટી કમ મંત્રીઓને ગ્રામ પંચાયતના વેરા ઉઘરાવવાના હોય છે. જેની આવકમાંથી પણ વિકાસના કામો કરવા જેવા કે ઓપરેટરનો પગાર, સફાઇ કર્મચારીનો પગાર, વિજળી માટે સાધનો લાવવા અનેક પરચુરણ કામો માટે નાણા ચુકવણીમાં વિલંબ થાય છે.
સરકારની આરોગ્ય સુવિધા આપવા માટેના કાર્ડ કઢાવવા માટે આવકના દાખલાઓ કાઢવા તેમજ શાળાઓના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ માટે આવકના દાખલા કાઢવા, જન્મ – મરણ નોંધણી અરજીમાં તલાટીઓની સહી માટે અરજદારોને રાહ જોવી પડે છે. સૌથી મહત્વની બાબત એ છે કે, તલાટીના અભાવે સમયસર વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ પણ મળી શકતી નથી. આથી, સરપંચ અને ગ્રામજનો વચ્ચે પણ વિવાદ થતાં રહે છે. આથી, સત્વરે તલાટી કમ મંત્રીની ઘટ પુરી કરવા માગણી ઉઠી છે.