કડાણા: કડાણા તાલુકાના ડીટવાસમાં નવીન આરોગ્ય કેન્દ્ર બનાવવા જગ્યા ફાળવવામાં આવી હતી. પરંતુ આ જમીન પર ખેડૂતોનો કબજો હોવાથી કામ આગળ વધતું નહતું. આથી, આરોગ્ય વિભાગ દ્વારા ગુરૂવારના રોજ પોલીસ કાફલા સાથે ડીટવાસ પહોંચ્યા હતા અને ખેડૂતોને જમીન ખાલી કરાવતા જામી પડી હતી. જેમાં કેટલાક મહિલા ખેડૂતો દાતરડા અને લાકડી લઇ સામે થતાં અફડા તફડી મચી ગઈ હતી. આખરે પોલીસે બળપ્રયોગ કર્યો હતો અને તમામ ખેડૂતોને બહાર કાઢ્યાં હતાં. જ્યારે આ ઘટનાથી ભારે રોષની લાગણી જન્મી હતી.
કડાણા તાલુકાના ડીટવાસ ગામ ગુરૂવારના રોજ પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું હતું. આશરે 100થી વધુ પોલીસનો કાફલો વ્હેલી સવારે એકાએક ગામમાં પહોંચી નવીન આરોગ્ય કેન્દ્રના બાંધકામ માટે ફાળવેલી જગ્યા ખાલી કરાવવા ચક્રોગતિમાન કર્યાં હતાં. આશરે 100 વરસથી જમીનનો ભોગવટો કરતા ખેડૂતોની જમીન બારબાર ફાળવી દેવા સામે આમ પણ પહેલેથી વિરોધ હતો. તેમાં પણ આરોગ્ય વિભાગ દ્વારા જમીન પર કબજો મેળવવા જિલ્લા પોલીસની મદદ લીધી હતી. જેથી નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક સહિત 15થી વધુ વાહનો સાથે 100થી વધુ પોલીસ ડીટવાસ પહોંચી હતી અને જમીન પર કબજો જમાવનાર ખેડૂતોને હટાવવાની કામગીરી શરૂ કરી હતી. જેના કારણે ભારે રોષની લાગણી જન્મી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા સો વરસથી ભોગવટો ધરાવતા આદિવાસી ખેડૂતોની જમીનમાં નવીન આરોગ્ય કેન્દ્ર બાંધવાની મંજુરીને લઇ વિવાદ ઉભો થયો હતો. ખેડૂતો કોઇ પણ ભોગે જમીન છોડવા તૈયાર નથી. બીજી તરફ આરોગ્ય વિભાગે પોલીસની મદદ લઇ ખેડૂતોને જમીનમાં પ્રવેશતા અટકાવતાં મામલો વણસ્યો હતો. તેમાંય જમીન બચાવવા 10 જેટલી મહિલા રણચંડી બની ગઇ હતી અને લાકડી – દાતરડાં લઇ ખેતરમાં ઉતરી સામે થઇ જતાં મામલો ગરમ થઇ ગયો હતો. આશરે બે કલાકની સમજાવટ બાદ પણ મામલો થાળે ન પડતાં આખરે પોલીસ એકશન મોડમાં આવી હતી અને મહિલાઓની ટીંગાટોળી કરી તેમને વાનમાં બેસાડી અટક કરી હતી. આખરે બપોર સુધીમાં મામલો કાબુમાં લાગતા આરોગ્ય વિભાગ દ્વારા પાયાનું ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું. આમ છતાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.