SURAT

117 વર્ષની મે. ચુનીલાલ અંબારામ ગાંધી પેઢીનાં ચાના મસાલા અને ગરમ મસાલા છે પ્રખ્યાત

1905માં સુરત શહેરની વસ્તી એક લાખ 19 હજાર જેટલી જ હતી. ત્યારે સુરત સિટીનો વિસ્તાર પણ ખૂબ નાનો હતો. એ સમયે ચોકથી લઈને સ્ટેશન સુધીમાં દુકાનોની સંખ્યા પણ ઓછી હતી. જોકે, એ સમય ગાળામાં સ્થપાયેલી કેટલીક પેઢીઓ એ સમયના સુરતની જાહોજલાલીની યાદોને વાગોળતી આજે પણ અડીખમ ઉભી છે. એમાંની જ એક પેઢી છે ગોપીપુરા મોટી છીપવાડમાં સ્થિત મે. ચુનીલાલ અંબારામ ગાંધી. ગોપીપુરા છીપવાડમાં જો તમે જાઓ તો હજી પણ ત્યાં જૂજ એવા મકાન જોવા મળશે જેમના દરવાજા નકશીકામ કોતરણી કરેલા છે તેમાં સમુદ્રમાં હોડી તરતી દેખાય છે જે સુરત બંદરેથી થતા વેપાર તરફ પણ ઈશારો કરે છે.

આ મોટી છીપવાડમાં 117 વર્ષ પહેલાં આ પેઢી દ્વારા અહીં મરી-મસાલા, કરિયાણુ, અનાજ-કઠોળ, સૂકો મેવો અને ઔષધીનું વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું. પછીથી અનાજ-કઠોળ, કરિયાણુ વેચતી બીજી દુકાનો શરૂ તો થઈ હતી પણ તે દુકાનોનું હવે અસ્તિત્વ નથી રહ્યું પણ આ પેઢી આજે પણ આ વિસ્તાર ઉપરાંત શહેરના બીજા વિસ્તારના લોકોને ખાતરીના મરી મસાલા, સૂકો મેવો ઉપરાંત જામખંભાળિયાનું ઘી વ્યાજબી ભાવે પૂરું પાડે છે. આ પેઢી દ્વારા વેચવામાં આવતી ડાયાબિટીઝની ફાંકી લેવા લોકો દૂર દૂરથી ઠેઠ અહીં સુધી કેમ આવે છે? કેરીના અથાણા બનાવવાની સિઝનમાં લોકો અહીંનો મસાલો લેવા નવસારી, બીલીમોરથી કેમ આવે છે? આ પેઢીનાં ચાનો મસાલો અને ગરમ મસાલો કેમ વખણાય છે ?તે આપણે આ પેઢીનાં ત્રીજી અને ચોથી પેઢીનાં સંચાલકો પાસેથી જાણીએ.

વંશવેલો
ચુનીલાલ અંબારામ ગાંધી
ચંપકલાલ ચુનીલાલ ગાંધી
નિર્મળાબેન ચંપકલાલ ગાંધી
વિનોદચંદ્ર ચંપકલાલ ગાંધી
સતીશચંદ્ર ચમપકલાલ ગાંધી
સમીરભાઈ વિનોદચંદ્ર ગાંધી
પરિમલ વિનોદચંદ્ર ગાંધી

કેતન વિનોદચંદ્ર ગાંધી જાદુગર કે.લાલ મારા મિત્ર હતા, હું પોતે પણ જાદુના શૉ કરું છું: વિનોદચંદ્ર ગાંધી
આ દુકાનના ત્રીજી પેઢીનાં સંચાલક વિનોદચંદ્ર ચંપકલાલ ગાંધીએ જણાવ્યું કે, મેં મારા આ ધંધાની ઉત્તરોતર પ્રગતિ માટે કઠોર મહેનત કરી છે. આ દુકાનની પ્રગતિમાંથી જ મેં કાપડની મશીનરીના ધંધામાં પણ ઝંપલાવ્યું. હું મારી આ દુકાનમાં પણ બેસું છું. જાદુગર કે. લાલ મારા પરમ મિત્ર હતાં. 2008માં કે. લાલ સુરતમાં આવ્યા હતા ત્યારે મેં અને કે.લાલે સુરતમાં કઈ-કઈ જગ્યાએ જાદુના શૉ કરવા તેની ચર્ચા પણ કરી હતી. હું પોતે અચ્છો જાદુગર છું. જોકે, હું મારા શોખને પોષવા જાદુના ખેલ કરું છું. હું સુરતની આજુ-બાજુના વિસ્તારમાં જાદુના શૉ કરતો હતો.. મેં જામખંભાળિયાનું ઘી મારી દુકાન સુધી આવે તે માટે 1975માં જામખંભાળિયાના એક વેપારીને પત્ર લખી ઘીની શરૂઆત કરી હતી.

પહેલા દૂરદર્શન પર રવિવારે કઈ ફિલ્મ આવશે તેનું બોર્ડ અમારી દુકાન પર લગાવતા: સતીશચંદ્ર ગાંધી
આ દુકાનના ત્રીજી પેઢીનાં સંચાલક સતીશભાઈએ જણાવ્યું કે 1980-85માં દૂરદર્શન પર ફિલ્મ જોવાનો લોકોને ક્રેઝ હતો. દર શનિ-રવિવારે દૂરદર્શન પર ફિલ્મ બતાવવામાં આવતી. મારી બેન પુષ્પાબેનને મુંબઈ પરણાવેલી હતી. તે ત્યાંથી પત્ર લખી અમને દૂરદર્શન પર કઈ ફિલ્મ બતાવવામાં આવશે તે જણાવતી. એટલે હું અને મારા ભાઈ વિનોદચંદ્ર દુકાન ઉપર શનિ-રવિવારે દૂરદર્શન પર કઈ ફિલ્મ બતાવવામાં આવશે તેના નામનું બોર્ડ મુકતા. લોકો અમારી દુકાને ખાસ ફિલ્મનું બોર્ડ જોવા આવતા. લોકો દુકાને ખરીદી કરવા આવતા ત્યારે પણ અમને દૂરદર્શન પરની ફિલ્મો વિશે પૂછપરછ કરતા. એટલે અમારી દુકાન આ અનોખી પહેલને કારણે પણ ખૂબ જાણીતી થઈ હતી.

પોલેન્ડ, દુબઈમાં વસતા સુરતના લોકોને મસાલા પાર્સલ કરીને મોકલીએ છીએ: પરિમલ ગાંધી
આ દુકાનના ચોથી પેઢીનાં સંચાલક પરિમલભાઈ ગાંધીએ જણાવ્યું કે, અમારી દુકાનમાં વેચાતા મસાલા કેનેડા, ઓસ્ટ્રીલિયા, અમેરિકા, પોલેન્ડ, દુબઈમાં વસેલા સુરતના ગુજરાતી ડિસેમ્બર, જાન્યુઆરીમાં સુરત આવે ત્યારે અમારી પોતાની સ્પેશ્યલ પ્રોડક્શન એવા મસાલા લેવા ખાસ દુકાન સુધી આવે છે. ઇમરજન્સીમાં મસાલા આ ગ્રાહકો મંગાવે તો અમે મસાલા પાર્સલ કરીને મોકલી આપીએ છીએ. N.R.I. ગરમ મસાલો, ચાનો મસાલો, પાત્રાનો મસાલો, પાંઉંભાજીનો મસાલો જે અમે જાતે જ બનાવીએ છીએ તે લઈ જતા હોય છે. એક જ વખતમાં તેઓ 6-6 મહિના ચાલે તેટલો મસાલો લઈ જતા હોય છે. અમારો મસાલો ગગરો મસાલો હોય છે એટલે લોકોને પસંદ પડે છે.

ચંપકલાલ ગાંધીએ વેપારનો વિસ્તાર વધારી 10 ગણો કર્યો હતો
આ પેઢીનો પાયો 1905માં ચુનીલાલ અંબારામ ગાંધીએ નાખ્યો હતો. અનાજ-કરીયાણા-કઠોળ-તેજાના-મસાલાની મોટી છીપવાડમાં આ પહેલી દુકાન હતી. તેમના સમયે કચ્છ બંદરથી તેજાના-મસાલા આવતા હતા. તેમના પુત્ર ચંપકલાલે દુકાનની બાગડોર 15 વર્ષની ઉંમરે હાથમાં લીધી હતી. ચંપકલાલ ગાંધીએ 1945થી લઈને 1996 સુધીમાં વેપારનો વિસ્તાર કરી 10 ગણો કર્યો હતો. તેમના સમયથી જ સુરતની આસપાસના વિસ્તારો જેવાકે, બારડોલી, નવસારી, બીલીમોરાથી લોકો અથાણાનો મસાલો, ચાનો મસાલો અને ગરમ મસાલો લેવા આવતા. તેઓ 8માં ધોરણ સુધી ભણ્યા હતાં પણ વેપારની કોઠાસૂઝ ખૂબ સારી ધરાવતા હતા.

દુકાન સંભાળવામાં નિર્મળાબેનનો પણ ફાળો, લોકો તેમને નિરુબાથી સંબોધતા
ચંપકલાલ ગાંધીના પત્ની નિર્મળાબેને પણ દુકાનનું સંચાલન કર્યું હતું. તે સમયે બહુ જૂજ મહિલાઓ દુકાનમાં બેસતી. નિર્મળાબેન 1960થી 1995 સુધી દુકાનમાં બેઠા હતાં. તેમને લોકો નિરુબાના હુલામણા નામથી સંબોધતા હતાં. તેઓ ગૃહિણીઓને અથાણા કેવી રીતે બનાવવા જેથી તે વર્ષ-બે વર્ષ સુધી ખરાબ નહીં થાય તેની સમજ આપતા. આ ઉપરાંત તેમના દુકાનની ચીજ-વસ્તુઓ સિવાય પણ ઘરેલુ બાબતોની સલાહ લેવા પણ મહિલાઓ તેમની પાસે આવતી હતી.

ડાયાબિટીઝની ફાંકી 117 વર્ષથી વેચીએ છીએ, તે શરૂઆતમાં 25 પૈસામાં વેચાતી
પરિમલ ગાંધીએ જણાવ્યું કે, અમારી આ પેઢીની સ્થાપના થઇ ત્યારથી એટલેકે, 117 વર્ષથી ડાયાબિટીઝની ફાંકી વેચવામાં આવે છે. જેની શોધ ચુનીલાલ ગાંધીએ કરી હતી. આ ફાંકી આયુર્વેદ પદ્ધતિથી બનાવાય છે. શરૂઆતમાં તે 25 પૈસામાં વેચાતી. જ્યારે અત્યારે તે 70 રૂપિયામાં વેચાય છે. તેમાં લીંબોડી, મામેજવ, કુટકી, ઇન્દ્રજવ, કોલમ, કાચકા, ગિલોજ, કારેલાના બારીક પાઉડરનું મિશ્રણ હોય છે. તે ડાયાબિટીઝને કાબુમાં રાખે છે. કડવું કરિયાતું હોવાથી શરીરમાં તાવ આવતો નથી અને સાંધાના દુખાવામાં રાહત આપે છે.

કાચુ કાટલું, લસણનું કાચ બનાવવા જામખંભાળિયાનું ઘી લઈ જાય છે
પરિમલભાઈએ જણાવ્યું કે, સાલમપાક, ઘારી, મોહનથાળ, ચોખ્ખા ઘીના લાડુ, સત્યારાયનની કથાનો પ્રસાદ બનાવવા જામખંભાળીયાનું ઘી વપરાય છે. રાણા સમાજના લોકો કાચુ કાટલું બનાવવા, ક્ષત્રિય સમાજના લોકો લસણનું કાચું બનાવવા અમારે ત્યાંથી જામખંભાળિયાનું ઘી લઈ જાય છે.

1950થી 1980 સુધી દુકાનની બહાર જ મસાલા ખાંડવામાં આવતા
પરિમલભાઈ ગાંધીએ જણાવ્યું કે, 1950થી 1980 સુધીના ગાળામાં માણસો રોકીને મસાલા ખાંડવામાં આવતો. ત્યારે અમારી દુકાનમાં આ રિતના ખાંડવામાં આવેલા મસાલાની ડીમાંડ રહેતી. જોકે, હવે તો અમે ઘંટીમાં મસાલો દળીએ છીએ અને એ મસાલા જે અમારી સ્પેશ્યલ પ્રોડક્ટ છે તે વેચીએ છીએ. જોકે, ઘંટીમાં પણ ગગરો મસાલો જ દળીએ છીએ. આવા મસાલાની ખરીદી કરવા ગોપીપુરા, મહિધરપુરા, સલાબતપુરા, સગરામપુરા, કૈલાશનગર, ભટાર, ન્યુ સિટીલાઈટ રોડ, અડાજણ, રાંદેરના લોકો આવે છે.

ગ્રામ્યવિસ્તારના લોકો સૌથી પહેલા અથાણાના મસાલા ખરીદે છે
સતીશભાઈ ગાંધીએ જણાવ્યું કે, અમારા ત્યાંના મેથીયા કેરીનો મસાલો, ચમચમનો મસાલો જે આમ ચસકા, ચટાકા પટાકા તરીકે પણ ઓળખાય છે. તે ઉપરાંત રજવાડી ગોળ કેરીનો મસાલો, લીંબુના અથાણાનો મસાલો. દેશીગોળ કેરીનો મસાલો વખણાય છે. એપ્રિલથી જૂન સુધી અથાણાની સીઝન હોય ત્યારે સૌથી પહેલા ગ્રામ્ય વિસ્તારના લોકો અથાણાના મસાલા અમારે ત્યાંથી લઈ જાય છે. અમે અથાણા બનાવવાની કીટ જ આપી દેતા હોય છે. લોકોએ માત્ર કેરી જ બહારથી લેવાની જરૂર પડે. ગણદેવી, કામરેજ, કઠોર, ઓલપાડ, મોટાગામ, બારડોલી, ગડત અહીંથી અથાણાનો મસાલો ખરીદવા આવે છે.

Most Popular

To Top