Sports

એશિયા કપ મામલે દાદાગીરી કરવા માગતા પાકિસ્તાનની બધી હોશિયારીની હવા નીકળી ગઇ

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને હવે તેના હાથના કર્યા હૈયે વાગી રહ્યા છે. એશિયા કપના આયોજનથી પોતાની કથળેલી કંગાળ સ્થિતિને સુધારવાનો ઇરાદો ધરાવતા પાકિસ્તાને પોતાના દેશમાં જ કેટલીક મેચો રમાડવાની પકડેલી જીદે હવે તેને મોટું નુકસાન કરાવી દીધું છે અને ભારત સિવાયના બાકીના દેશો શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાને પ્રસ્તાવિત ‘હાઇબ્રિડ મોડલ’ને નકારી કાઢ્યા બાદ યજમાન પાકિસ્તાન પાસે કોઇ વિકલ્પ ન બચતા તે હવે સપ્ટેમ્બરમાં રમાનારી એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાંથી બહાર નીકળી શકે છે.

પીસીબીના વડા નજમ સેઠી દ્વારા સૂચવવામાં આવેલા હાઇબ્રિડ મોડલ અનુસાર પાકિસ્તાને એશિયા કપની ત્રણ કે ચાર મેચ ઘરઆંગણે રમવી હતી, જ્યારે ભારતની મેચો તટસ્થ સ્થળોએ રમાડવાની યોજના હતી. સુરક્ષાની ચિંતાઓને કારણે ભારતે પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો ઇનકાર કર્યા પછી આ યોજના રજૂ કરવામાં આવી હતી. જો કે, હવે તે સ્પષ્ટ થઈ ગયું છે કે શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન તમામે ટૂર્નામેન્ટને પાકિસ્તાનની બહાર ખસેડવા માટે બીસીસીઆઇને સમર્થન આપ્યું છે. માહિતગાર સૂત્રોએ કહ્યું હતું કે પીસીબી હવે જાણે છે કે શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન એશિયા કપ માટે તેના હાઇબ્રિડ મોડલના પ્રસ્તાવનું સમર્થન નથી કરી રહ્યા. સૂત્રએ જણાવ્યું હતું કે સેઠી પહેલેથી જ તેની ક્રિકેટ મેનેજમેન્ટ ટીમના સભ્યો અને સંબંધિત સરકારી અધિકારીઓ સાથે સંપર્કમાં છે જેથી પાકિસ્તાનના સ્ટેન્ડ અંગે ચર્ચા કરી શકાય. સેઠીએ વારંવાર કહ્યું છે કે જો ટૂર્નામેન્ટ પાકિસ્તાનને બદલે તટસ્થ દેશમાં યોજાય તો તે ટૂર્નામેન્ટમાં ભાગ નહીં લે અને પીસીબી એશિયા કપનો બહિષ્કાર કરી શકે છે.

શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને ભારત બધાએ એવું વલણ અપનાવ્યું છે કે એશિયા કપની યજમાની પાકિસ્તાન તેમજ અન્ય કોઈ દેશમાં કરવી તે તાર્કિક અથવા નાણાકીય રીતે શક્ય નથી અને તે એક જ દેશમાં, શ્રીલંકામાં યોજવામાં આવે કારણ કે ભારત પાકિસ્તાનો પ્રવાસ કરવાનું નથી. આ સ્થિતિમા એવી સંભાવના છે કે આ વર્ષે એશિયા કપ સંપૂર્ણપણે રદ થઈ શકે છે અને ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વર્લ્ડકપ પહેલા 50-ઓવરના ફોર્મેટમાં ચાર દેશોની કે એવી કોઇ ટૂર્નામેન્ટ રમી શકે છે.

આ વર્ષે એશિયા કપ યોજાશે નહીં તેવી દરેક શક્યતા છે કારણ કે પાકિસ્તાન અને ભારતની મેચો ન રમાવાની હોય તો, બ્રોડકાસ્ટર તેટલી જ રકમ ઓફર કરે તેવી શક્યતા નથી જેટલી તેઓ ભારત-પાકિસ્તાન મેચ સહિતની ટૂર્નામેન્ટ માટે ઓફર કરી રહ્યા છે. એશિયા કપ ન યોજાય તો ભારત એક જ સમયે ઘરઆંગણે ચાર-પાંચ દેશોની ટુર્નામેન્ટનું આયોજન કરવાની પણ તૈયારી કરી રહ્યું છે. શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના નિર્ણયો પીસીબી સાથેના આ બોર્ડના સંબંધોને કેવી અસર કરે છે તે જોવાનું બાકી છે.

પાકિસ્તાન પહેલાથી જ શ્રીલંકાના બે ટેસ્ટ મેચના પ્રવાસ દરમિયાન ત્યાં કેટલીક વનડે રમવાની ઓફરને ફગાવી ચૂક્યું છે. શ્રીલંકાએ એશિયા કપની તમામ મેચોની યજમાનીની ઓફર કર્યા બાદ પાકિસ્તાને આ પગલું ભર્યું હતું. તાજેતરની ઘટનાઓ પાકિસ્તાનને વન ડે વર્લ્ડકપ માટે તેની ટીમને ભારત ન મોકલવા માટે દબાણ કરી શકે છે, જો કે પાકિસ્તાન જો એવો નિર્ણય લેશે તો તે તેના માટે બીજી મોટી ભુલ બની શકે છે. કારણકે એશિયા કપ ઉપખંડીય ટૂર્નામેન્ટ છે જ્યારે વન ડે વર્લ્ડકપ ક્રિકેટની વૈશ્વિક બોડી આઇસીસીની વૈશ્વિક ટૂર્નામેન્ટ છે, જેમાં ન રમવાથી પાકિસ્તાનને મોટો ફટકો પડી શકે છે.

Most Popular

To Top