Charchapatra

રાજદંડ

પ્રતીકાત્મક વ્યવહાર માટે યોગ્ય પ્રતીક પ્રસ્તુત થાય છે, જેમ કે અદાલતોમાં ન્યાયની દેવીના પ્રતીકમાં તેના હાથમાં તુલનાદર્શક ત્રાજવું અને આંખ પર પાટો બાંધેલો દેખાય છે જે તટસ્થ અને સાચા ન્યાયનું પ્રતીક બની જાય છે. એ જ રીતે રાજાઓના રાજમાં શાસકીય ધાર્મિક પ્રતીકને પ્રસ્તુત કરવામાં આવતું હતું. અંગ્રેજીનું શાસન ભારતમાં દોઢ સદીથી વધુ ચાલ્યું અને દેશપ્રેમીઓ દ્વારા આઝાદીની લડત સતત ચાલતી રહી. ઇસ્વીસન ઓગણીસસો સુડતાળીસમાં જયારે અંગ્રેજોએ સત્તા છોડી ત્યારે પ્રતીકાત્મક રાજદંડ ‘સેંગોલ’ આઝાદ ભારતની સરકારના વરાયેલા પ્રધાનમંત્રી શ્રી જવાહરલાલ નહેરુજીને સુપ્રત કર્યો. પણ નહેરૂજી રાજાશાહીની વિચારધારાની વિરુદ્ધ હોવાથી તેમણે રાષ્ટ્રને સમર્પિત કરેલા પોતાના આનંદભવનમાં સ્થપાયેલા સંગ્રહાલયમાં તેનો સુરક્ષિત સંગ્રહ કરાવ્યો.

એ રાજદંડમાં સંકેતાત્મક ધાર્મિક દર્શન અને રાજાશાહીનું પ્રતીક લાગતું હતું જે પ્રજાસત્તાક લોકશાહી અને બિનસાંપ્રદાયિકતાની વિરુદ્ધ ભાસતું હતું. હવે જયારે નવું સંસદભવન બન્યું છે અને વર્તમાન શાસનમાં ધાર્મિક માન્યતાઓ અને રીતરિવાજો પ્રવેશી ચૂકયા છે ત્યારે આ રાજદંડ સમક્ષ પ્રધાનમંત્રી સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરી તેને સ્પીકરની બેઠક પાસે સ્થાપિત કરી ચૂકયા છે અને લોકશાહીના સર્વોચ્ચ ભવન,ભારતીય સંસદભવનમાં એ રાજદંડને મહત્ત્વ આપવામાં આવ્યું છે. પ્રજાસત્તાક રાષ્ટ્રમાં પ્રજા જ રાજાના સ્થાન પર હોવાથી તેમનો બુલંદ અવાજ અને પ્રચંડ મત જ રાજદંડ બની જાય છે. ચૂંટણીઓ દ્વારા પ્રજા જ તેમના પ્રતિનિધિઓને નિયત મુદ્દત માટે શાસન વ્યવસ્થામાં મોકલે છે, પ્રધાન પ્રજાસેવક તરીકે ત્યાં નિયત અધિકાર સાથેની સત્તા ભોગવે છે, પણ મુદ્દત પૂરી થતાં શાસક સેવકોને લાગે છે જનમતના અદૃશ્ય એવા રાજદંડનો ભય.
સુરત     – યુસુફ એમ. ગુજરાતી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

બોગસ કંપનીઓનું કરોડોનું કૌભાંડ
નવી દિલ્હીમાં નોઈડાની એક કંપનીએ આર્થિક ભાગેડુ એવા વિજય માલ્યા અને નિરવ મોદીને પણ કૌભાંડની હરીફાઈમાં ઓવરટેક કરી દીધા છે. નોઈડાની આ ભાગેડુ કંપનીએ હજ્જારો લોકોનાં ડેટા અને બનાવટી દસ્તાવેજો બનાવી નિદોર્ષ પ્રજાના કરોડો રૂપિયા સેરવી લીધા હતા. આ ટાઈટેનીક કૌભાંડની રકમ પંદર હજાર કરોડની આસપાસ આંકવામાં આવી છે. આ કૌભાંડકર્તા ટોળકીએ કંપનીના નામે જી.એસ.ટી. નંબર લઈને G.S.T. નું રિફંડની વસુલાત કરતી હતી. નોઈડા પોલીસ દ્વારા મુખ્ય સૂત્રધારોની ધરપકડ કરી લીધી છે ! પણ અહીં ગંભીર અને ચિંતાજનક બનાવટી ચલણી નોટો અને બનાવટી દસ્તાવેજો દ્વારા કરોડોનું કૌભાંડ આચરવામાં આવે છે તેની સામે સરકારી વિવિધ તંત્રો એટલાં એલર્ટ હજુ થયાં નથી કે આવા કૌભાંડની દુઘર્ટના થાય તે પહેલાં સમયસૂચકતાથી તેને રોકી શકે.
સુરત     – રાજુ રાવલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top