નડિયાદ: માતર તાલુકાના નધાનપુર ગામમાં પરમાર અને ડાભી જુથ વચ્ચે નજીવી બાબતે થયેલી તકરારમાં ઝઘડો થયો હતો. જે ઉગ્ર બનતાં ઉશ્કેરાયેલાં બંને જુથે લાકડીઓ તેમજ ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારો વડે સામસામે હુમલો કર્યો હતો. જેમાં બંને પક્ષના મળીને કુલ ૮ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. આ મામલે પોલીસે બંને પક્ષોની ફરીયાદને આધારે સામસામે ગુનો નોંધી, કાર્યવાહી હાથ ધરી છે.
માતર તાલુકાના નધાનપુર ગામમાં આવેલ ડાભી ફળીયામાં રહેતાં અતુલભાઈ શકરાભાઈ ડાભીએ સોમવારના રોજ સવારના સમયે પોતાના પુત્ર ચિરાગને ગામમાં આવેલ કરીયાણાની દુકાને વસ્તુઓ લેવા મોકલ્યો હતો. ચિરાગ વસ્તુઓ ખરીદીને પરત ઘરે જઈ રહ્યો હતો તે વખતે ગામમાં જ રહેતાં નિખીલભાઈ બળદેવભાઈ પરમારે રસ્તામાં ચિરાગને રોક્યો હતો અને તું અહીં કેમ આવ્યો છું, તમારે અમારા ફળીયામાં પગ મુકવાનો નહીં તેમ કહી ધમકાવવા લાગ્યો હતો. જેથી ચિરાગ ડરી ગયો હતો અને રડતો-રડતો ઘરે પહોંચ્યો હતો અને પોતાના પિતાને સઘળી હકીકત જણાવી હતી.
જેથી અતુલભાઈ આ મુદ્દે નિખીલભાઈને ઠપકો આપવા માટે ગામની ભાગોળે ગયાં હતાં. તે વખતે ત્યાં નિખીલ, જીગર બુધાભાઈ પરમાર, રમણ ઉર્ફે હકાભાઈ કાંતિભાઈ પરમાર, અજય ભુરાભાઈ પરમાર, નટુભાઈ મગનભાઈ પરમાર, બુધાભાઈ મગનભાઈ પરમાર, ભુરાભાઈ કાંતિભાઈ પરમાર, નિકુલ બળદેવભાઈ પરમાર, સુમેશ કાંતિભાઈ પરમાર, ભરત ઉર્ફે ભકાભાઈ કાંતિભાઈ પરમાર, કાળુભાઈ મંગળભાઈ પરમાર, મેલાભાઈ મહોબતસંગ પરમાર, બળદેવભાઈ રમણભાઈ પરમાર, બળદેવભાઈ શાંતિલાલ પરમાર અને અનિલ બળદેવભાઈ પરમાર હાથમાં લાકડી-ડંડા તેમજ ધારીયાં જેવા હથિયારો લઈને ઉભાં હતાં.
અતુલભાઈએ જેવો નિખીલભાઈને ઠપકો આપ્યો કે તરત જ આ ટુકડી એકસંપ થઈ અતુલભાઈ ઉપર તુટી પડી હતી. આ અંગેની જાણ થતાં અતુલભાઈના પરિવારજનો તુરંત જ સ્થળ પર દોડી આવી, ઝઘડામાં વચ્ચે પડ્યાં હતાં. દરમિયાન ટોળકીએ અતુલભાઈના પિતા શકરાભાઈ, કાકા જશવંતભાઈ, કાકી ધર્મિષ્ઠાબેન, પિતરાઈભાઈ દિનેશભાઈ તેમજ કુટુંબી રણછોડભાઈ ઉપર લાકડીઓ તેમજ ધારીયાં વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી.
જ્યારે સામેપક્ષે રાકેશ ભુપતભાઈ ડાભી, જશવંત ભલાભાઈ ડાભી, કિરણ જશવંતભાઈ ડાભી, પ્રતાપ કાભઈભાઈ ડાભી, અતુલ શકરાભાઈ ડાભી, દિનેશ જશવંતભાઈ ડાભી અને અશોક મંગળભાઈ ડાભીએ ભેગાં મળીને ધારીયાં તેમજ લાકડીઓ વડે હુમલો કરીને જીગર બુધાભાઈ પરમાર અને તેના પિતા બુધાભાઈ મંગળભાઈ પરમારને ઈજા પહોંચાડી હતી.
આ મામલે લિંબાસી પોલીસે અતુલ ડાભીની ફરીયાદને આધારે ૧૫ વ્યક્તિઓ સામે તેમજ જીગર પરમારની ફરીયાદને આધારે ૭ વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.