સુરત: (Surat) શહેરમાં મંગળવારે ઝડપી પવનોની સાથે તાપમાનનો પારો યથાવત રહ્યો હતો. જ્યારે હવામાન વિભાગે દરિયામાં (Sea) ગોવાથી દૂર અરબ સાગરમાં આગળ વધતું લો-પ્રેશર ડીપ ડિપ્રેશન બનતાં હવે વાવાઝોડાનું (Cyclone) સ્વરૂપ લઈને આગળ વધતું હોવાની આગાહીને પગલે માછીમારોને (Fishermans) દરિયો નહીં ખેડવા સૂચના આપી હતી.
- લો પ્રેશર સિસ્ટમ ડીપ ડિપ્રેશન બનતાં માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના
- શહેરમાં 12 કિ.મી.ની ઝડપે પવનો ફુંકાતાં તાપમાનનો પારો યથાવત્
હવામાન વિભાગના જણાવ્યા મુજબ અરબ સાગરમાં વાવાઝોડાની અસરને પગલે આગાહી કરવામાં આવી રહી છે. ગોવાથી દૂર અરબ સાગરમાં આ લો પ્રેશર સિસ્ટમ આજે ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થતાં આગામી કલાકોમાં વાવાઝોડું બનીને ત્રાટકશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. જો કે, હજી સુધી તેની દિશા બાબતે હવામાન વિભાગે આગાહી કરી નથી.
સંભવત: વાવાઝોડું સાઉદી અરબ તરફ મૂવ થઈ શકે છે. પરંતુ દક્ષિણ ગુજરાત સહિતના દરિયા કાંઠે માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે અને જે માછીમારો દરિયાની અંદર છે તેમને વહેલી તકે કાંઠે આવી જવા માટે કહેવાયું છે. આગામી ચોવીસ કલાકમાં વાવાઝોડા બાબતે હવામાન વિભાગ સચોટ આગાહી કરશે. મંગળવારે શહેરમાં 12 કિમીની ઝડપે પવન ફુંકાતાં મહત્તમ તાપમાન આંશિક ઘટીને 34.6 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી નોંધાયું હતું.