બારડોલી: (Bardoli) બારડોલીના જલારામ મંદિરની (Tample) સામે ખાઉધર ગલીમાં સામાન્ય બાબતમાં યુવકને માર મારતા હોઠ ફાટી ગયો હતો. યુવકને જાનથી મારી નાંખવાની ધમકી (Threat) પણ આપવામાં આવી હતી. આ ઘટના અંગે બારડોલી ટાઉન પોલીસ મથકમાં (Police Station) ગુનો નોંધાયો છે.
આ અંગે મળતી માહિતી અનુસાર બારડોલીના નવદુર્ગા સોસાયટીમાં રહેતા વિરલ દીપકકુમાર ખત્રી (ઉં.વ.31) બારડોલી-સુરત રોડ પર દીપક ઓટો ગેરેજના નામથી ગેરેજ ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તા.3/6/2023ની સાંજે વિરલ પોતાના મિત્ર જેનિત અશોકભાઈ ભાવસાર (રહે., સુથાર ફળિયા, બારડોલી) સાથે મોટરસાઇકલ પર સ્ટેશન તરફ ફરવા માટે ગયો હતો. બારડોલી ખાઉધર ગલીમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે હિતેશ અશોક પાટીલ (રહે., સિદ્ધિ વિનાયક સોસાયટી, બાબેન, તા.બારડોલી) ચાલતો ચાલતો વિરલની મોટરસાઇકલ સામે આવી ગયો હતો અને ગાળાગાળી કરી હતી.
વિરલે મોટરસાઇકલ ઊભી રાખતાં જ હિતેશ ઉશ્કેરાઈ ગયો હતો અને વિરલને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. હિતેશે હાથમાં પહેરેલ કોઈ વસ્તુ વિરલના હોઠ પર મારી દેતાં તેને હોઠ પર ઇજા પહોંચી હતી. આજુબાજુના લોકો ભેગા થઈ જતાં હિતેશ જતો રહ્યો હતો. ઇજાગ્રસ્ત વિરલને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવતાં હોઠ પર ત્રણ ટાંકા આવ્યા હતા. આ ઘટના અંગે વિરલની ફરિયાદના આધારે પોલીસે હિતેશ પાટીલ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
કડોદરા નગરમાં ઉછીનાં નાણાં પરત માંગતાં બે ઇસમને માર મરાયો
પલસાણા: કડોદરા નગરમાં રહેતા એક ઇસમે તેના મિત્રને ૧૫ હજાર રૂપિયા હાથ ઉછીના આપ્યા બાદ તે પરત લેવા માટે માંગણી કરતાં બે ઇસમે ઉશ્કેરાઇ જઇ ઉછીના આપનાર ઇસમ તથા તેના મિત્રને માર મારી રૂપિયા નહીં આપવાનું કહી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં કડોદરા પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર કડોદરા ખાતે રહેતા સંદીપ કસવા જાટે તેના મિત્ર સરજીત બેનીવાલને તેના વતન જવાનું હોવાથી તેને ૧પ હજાર રૂપિયા હાથ ઉછીના આપ્યા હતા. ત્યારબાદ સંદીપ જાટ તથા તેનો મિત્ર સંદીપ સીંધુ ગત ૩૧ મેના રોજ કડોદરા ચાર રસ્તા પર આવેલી ચામુંડા હોટલ પર હાજર હતા. ત્યારે ત્યાં સરજીત બેનીવાલ તથા તેનો મિત્ર સુનીલ ફગેડિયા આવ્યા હતા. ત્યારે સંદીપે ઉછીના આપેલા ૧૫ હજાર રૂપિયાની માંગણી કરતાં સરજીત અને તેના મિત્ર સુનીલે બોલાચાલી કરી તેમને અરિહંત પાર્કમાં બોલાવ્યા હતા. જેને લઇ સંદીપ જાટ તથા તેના મિત્ર સંદીપ સીંધુ કડોદરા અરિહંત પાર્કમાં ગયા હતા. જ્યાં અગાઉથી ઉભેલ સરજીતે અને તેના મિત્ર સુનીલે ઉશ્કેરાઇ જઇ લાકડાના ફટકા તેમજ ઢીકામુક્કીનો માર માર્યો હતો. આસપાસના રહીશોએ બંનેને વધુ માર ખાતા બચાવ્યા હતા. ત્યારે સરજીતે તથા સુનીલે રૂપિયા નહીં આપવાનું કહી જાનથી મારી નાંખવાની પણ ધમકી આપી હતી. જેને લઇ તેમણે આ અંગે કડોદરા પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી.