બારડોલી: (Bardoli) કરોડો રૂપિયાના ચોરીના લેપટોપ (Laptop) ભરેલું કન્ટેનર બારડોલીમાંથી ઝડપાયું છે. ચોરીના (Thief) લેપટોપ સાથે પોલીસે (Police) ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. લેપટોપ ભરેલું કન્ટેનર લઇને ડ્રાઇવર અને ક્લિનર બેંગ્લોરથી દિલ્હી જવા માટે નીકળ્યા હતાં પરંતુ આ બંનેની નિયત ખરાબ થઇ જતાં તેમણે કરોડો રૂપિયાના લેપટોપ અન્ય કન્ટેનરમાં શિફ્ટ કરી દીધા હતાં.
- કરોડો રૂપિયાના ચોરીના લેપટોપ ભરેલું કન્ટેનર બારડોલીમાંથી ઝડપાયું
- નાગપુર પોલીસે બારડોલી ટાઉન પોલીસ સાથે મળી ચાર આરોપી ઝડપી પાડ્યા
આ ઘટનાની મળતી માહિતી અનુસાર 26મી મેના રોજ બેંગ્લોર સ્થિત એક્સપેડી રસ ઇન્ટરનેશનલ કંપનીમાંથી લીનોવા કંપનીના લેપટોપ અને મોનીટર ભરેલું કન્ટેનર લઇને ચાલક આસિફ અને ક્લિનર શાહિદ દિલ્હી જવા માટે નીકળ્યા હતાં. આ બંને કન્ટેનર લઇને તારીખ 30 મેના રોજ નાગપુર પહોંચ્યા હતાં. ત્યાં કરોડો રૂપિયાના લેપટોપ જોઇને બંનેની નિયત ખરાબ થઇ ગઇ હતી. જેથી તેમણે બીજુ કન્ટેનર મંગાવી તેમાં 685 જેટલા લેપટોપ અને મોનિટર શિફ્ટ કરી દીધા હતાં. આ બંનેએ મુસ્તફા તેમજ હાજીક નામના ઇસમનો સંપર્ક કરી ચોરીનો માલ બારોબાર વેચી મારવાનું ષડયંત્ર રચ્યું હતું. મુસ્તુફાએ બારડોલીના કોબા પાર્કમાં રહેતા ઇરફાન અબ્બાસ પટેલનો સંપર્ક કરી ચોરીનો માલ વેચવાનું જણાવતા તેણે કન્ટેરન બારડોલી મંગાવ્યું હતું અને બારડોલી કડોદરા રોડ ઉપર આવેલી બ્લુ ડાયમંડ હોટલમાં ચારેય આરોપીની રોકાણની વ્યવસ્થા કરી આપી હતી.
તો બીજી તરફ કન્ટેનર દિલ્હી નહીં પહોંચતા કન્ટેનરના માલિકે તપાસ કરતાં તે નાગપુરમાંથી મળી આવ્યું હતું પરંતુ તેમાંથી લેપટોપ ગાયબ હતા એટલે તેમણે નાગપુર પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. તેમની ફરિયાદના આધારે નાગપુર પોલીસે ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરતાં કન્ટેનર બારડોલી તરફ હોવાનું જાણવા મળતાં બારડોલી પોલીસની મદદથી ચારેય આરોપીઓને ઝડપી લીધા હતાં. એટલું જ નહીં ઈરફાનના ઘરે છાપો મારી તેના ઘરેથી 253 જેટલા લેપટોપ કબજે લીધા હતાં. આ પ્રકરણમાં પોલીસે એક કન્ટેનર, કાર, લેપટોપ અને મોનીટર મળી નવ કરોડ નો મુદ્દામાલ કબજે કરી મુસ્તફા , હાજીક , આસિફ અને શહીદ નામના ઈસમની નાગપુર પોલીસના અધિકારી સાથે રાખી ધરપકડ કરવામાં આવી હતી.
ચોરીના લેપટોપ ઇરફાન અબ્બાસ પટેલે પોતાના ઘરે ઉતાર્યા બાદ ચોરીનો માલ તરત જ વેચી દેવા માટે એક સેમ્પલ લેપટોપ લઈને હાલ મુંબઈ ગયો છે. જેથી તે પોલીસની પકડમાં હજુ સુધી આવી શક્યો નથી. હાલ પોલીસે તેને પકડી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.