વડોદરા : વડોદરા મહાનગરપાલિકામાં અનેક શાસકો બદલાયા છતાં વર્ષો જૂની પાણીની સમસ્યાનો વિકટ પ્રશ્ન યથાવત જોવા મળ્યો છે. શહેરના વાઘોડિયા રોડ વૈકુંઠ વિભાગ એકમાં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યાને લઇ રહીશો ત્રાહિમામ પોકાર ઉઠ્યા છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ સમસ્યાનો નિરાકરણ નહીં થતાં સ્થાનિક રહીશોએ માટલા ફોડીને ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો.
સ્માર્ટ સિટી વડોદરા ની ગુલબાંગો મારતા શહેરના સત્તાધીશો નગરજનોને પીવાનું પાણી પૂરું પાડવા તદ્દન નિષ્ફળ નીકળ્યા છે દરરોજ શહેરમાં એક નવા વિસ્તારનો પાણીની સમસ્યામાં ઉમેરો થઈ રહ્યો છે કાળજાળ ગરમી વચ્ચે પીવાના પાણીને લઈ લોકો હેરાન પરેશાન થયું છે.ટેન્કર મંગાવીને લોકોને જીવન નિર્વાહ કરવાની ફરજ પડી રહી છે તો બીજી તરફ સ્થાનિક કોર્પોરેટરો પણ રહીશોની રજૂઆત નહીં સાંભળતા હોવાનું અનેક વખત સામે આવ્યું છે.ત્યારે વધુ એક વખત પાણીની સમસ્યાથી ત્રસ્ત લોકોએ તંત્ર સામે નારાજગી દર્શાવી હતી.વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં પાણીની સમસ્યાને લઈને રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
શહેરના પૂર્વ વિસ્તાર વાઘોડિયા રોડ વૈકુંઠ વિભાગ 1 માં પાણીની સમસ્યાને લઈને રહીશોએ માટલા ફોડીને વિરોધ નોંધાવ્યો હતો.લાખો કરોડોના વેરાની પઠાણી ઉઘરાણી કરતુ વડોદરા મહાનગર પાલિકા લોકોને સુવિધા આપવાની વાત હોય તો પાણીમાં બેસી જાય છે.સ્પષ્ટ બહુમતી થી સત્તા પર બેસાડ્યા બાદ જીવનનિર્વાહ માટે જરૂરી પાણી પણ મળતું નથી.શહેરના વાઘોડિયા રોડ વૈકુંઠ સોસાયટી વિભાગ 1માં લોકોને પીવાનું પાણી મળતું નથી.
રહીશોએ ખાનગી ટેન્કર મંગાવીને કામ કરવાની ફરજ પડી છે.હજારો રૂપિયાના વેરા ભર્યા બાદ પણ ટેન્કર પાછળ હજારોનો ખર્ચ હવે દર મહીને થઇ રહ્યો છે.પાણી માટે વારંવાર કોર્પોરેટરો વોર્ડ કચેરી તેમજ પાલિકાના અધિકારીઓને રજૂઆત કરવા છતાં અધિકારીઓ રહીશોની રજૂઆત સાંભળતા નથી.રહીશો રોજ પાણીની ટાંકીએ રજૂઆત કરવા જાય છે.પણ પાણી આવતું નથી.સમસ્યાથી ત્રસ્ત રહીશોએ માટલા ફોડીને પાલિકા તંત્ર સામે ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો.
4 મહિનાથી પીવાનું પાણી ગંદુ આવતાં રહીશોમાં રોષ
શહેરના ગોત્રી વિસ્તારની અંબિકા નગરમાં 4 મહિનાથી ગંદુ પાણી આવતું હોવાની રજૂઆત સ્થાનિકોએ કોંગ્રેસના કાર્યકરોને રજૂઆત કરી હતી.અને સ્થાનિકોની રજૂઆતના પગલે કોંગી કાર્યકરોએ વિસ્તારની મુલાકાત લીધી હતી.અને તેની સાથે સ્થાનિકોના પ્રશ્નોને સાંભળી અને તેના નિરાકરણ માટેની પણ રજૂઆત કરી હતી.સ્થાનિકોએ રજૂઆત કરી હતી કે છેલ્લા 4 મહિનાથી પીવાનું પાણી વેચાતું લાવવું પડી રહ્યું છે અને તેના લીધે નાણાં નો પણ વ્યય થઈ રહ્યો છે.અનેક વખત કાઉન્સિલરો અને અધિકારીઓને રજૂઆત કરી હોવા છતાં કોઈપણ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી.પીવાનું પાણી ઓછાની સાથે ગંદુ પણ આવે છે.જેના કારણે નાગરીકોને બિમારીનો ભોગ બની રહ્યા છે સાથે જ સ્થાનિકોએ એવા આક્ષેપ પણ કર્યા હતા કે કાઉન્સિલરો અને નેતાઓ ખાલી ચુંટણી વખતે જ દેખાય છે.ત્યારબાદ દેખાતા નથી.ત્યારે આ કામગીરીને લઈ પાલિકાના સત્તાધિશો અને અધિકારીઓ યોગ્ય કામગીરી કરે તેવી માંગ પણ કરી હતી.
બગીખાનામાં જીવાત વાળું પાણી આવતા અનેક લોકો બીમાર પડ્યા
વડોદરા મહાનગર પાલિકાના વોર્ડ નંબર 13 માં સમાવિષ્ટ બગીખાના વિસ્તારમાં આવેલા સાંઈરાજ એપાર્ટમેન્ટમાં છેલ્લા ઘણાં દિવસોથી પીવાનું પાણી જીવાત વાળું દુર્ગંધયુક્ત આવી રહ્યું છે.આ પ્રકારનું પીવાનું પાણી આવતું હોવાના કારણે અનેક રહીશો ઝાડા ઉલ્ટીમાં સપડાયા હોવાની ફરિયાદ કરી રહ્યા છે. વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો નથી.આ ઉપરાંત આસપાસ આવેલી ઢાયબર સહિતની સોસાયટીઓમાં પણ આ જ સમસ્યા છે.ત્યારે વહેલી તકે આ પ્રશ્નનો ઉકેલ આવે તેવી માંગ સ્થાનિકોએ કરી હતી.