બાલાસોરઃ ઓડિશાના (Odisha) બાલાસોર જિલ્લાના બહાનાગા રેલવે સ્ટેશન પાસે એક્સપ્રેસ ટ્રેનને અકસ્માત (Train Accident) નડ્યો હતો. મળતી માહિતી મુજબ હાવડાથી ચેન્નાઈ જઈ રહેલી આ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં 150 મુસાફરોને ગંભીર ઈજા થવાના સમાચાર છે. શોધ અને બચાવ કામગીરી માટે ટીમો ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે. કલેક્ટર, બાલાસોરને પણ તમામ જરૂરી વ્યવસ્થા કરવા માટે સ્થળ પર પહોંચવા અને રાજ્ય સ્તરેથી કોઈ વધારાની મદદની જરૂર હોય તો એસઆરસીને જાણ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ આજે સાંજે બાલાસોરના બહાનાગા વિસ્તારમાં કોરોમંડલ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન એક માલગાડી સાથે અથડાઈ હતી. આ પછી કોરોમંડલ એક્સપ્રેસના ઓછામાં ઓછા 8 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. આ દુર્ઘટના બાદ અનેક મુસાફરોને ઈજા થવાની આશંકા છે. સ્થાનિક સત્તાવાળાઓ, પોલીસ અને રેલવે દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.
જણાવવામાં આવ્યું છે કે કોરોમંડલ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન હાવડાથી ચેન્નાઈ જઈ રહી હતી. આ ટ્રેન સાંજે 6.32 કલાકે બલેશ્વરથી નીકળી હતી. તે 07:32 વાગ્યે ભદ્રક રેલ્વે સ્ટેશન પહોંચવાની હતી પરંતુ રસ્તામાં જ ટ્રેનનો અકસ્માત થયો હતો.
NDRFના ત્રણ યુનિટ, ADIRFના ચાર યુનિટ અને 60 એમ્બ્યુલન્સને રાહત કામગીરી માટે સ્થળ પર રવાના કરવામાં આવી છે. ઓરિસ્સા સરકાર વતી 15 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. અકસ્માતમાં ઘાયલોને સોરો આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી રહ્યા છે. બાલાસોરમાં ઈમરજન્સી કંટ્રોલ રૂમ નંબર પણ જારી કરવામાં આવ્યો છે. આ નંબર છે-06782262286. આ નંબર પર ડાયલ કરીને પીડિતો વિશે માહિતી મેળવી શકાય છે.
દરમ્યાન ઓડિશા ટ્રેન દુર્ઘટના પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળથી મુસાફરોને લઈ જતી શાલીમાર-કોરોમંડલ એક્સપ્રેસ આજે સાંજે બાલાસોર નજીક માલગાડી સાથે અથડાઈ હતી અને બંગાળની બહાર જતા કેટલાક મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે તે જાણીને આઘાત લાગ્યો.