વર્ષો પહેલાં સુરતની આજુબાજુના ગામના ખેડૂતો સુરતમાં કેરીની સીઝનમાં સુરતના શેરી મહોલ્લામાં ગાડામાં કેરી વેચવા આવતા હતા. મુખ્ય દેશી નાની કેરી અને રાજાપુરી કેરી લઈને વેચાણ કરવા આવતા.દેશી કેરી નાનાં બાળકો ચૂસીને ખાતાં હતાં. બાળપણમાં કેરી ચૂસવાની મજા જ કંઈ વિશેષ હતી. મહોલ્લામાં કેરીનું ગાડું આવે એટલે મહોલ્લાની વડીલ દાદીઓ દ્વારા કેરીની ચકાસણી કરવામાં આવે. કેરી યોગ્ય હોય તો આખા ગાડાનો સોદો નક્કી થાય અને મણનો ભાવતાલ થાય, પછી જ મહોલ્લાવાસીઓ જરૂરિયાત મુજબ ખરીદી કરે. બે કલાકમાં આખા ગાડાની કેરી વેચાઈ જતી. કેરી પાકે એટલે કેરીગાળા ચાલુ થઈ જતા અને ખાજાનું વેચાણ પણ ચાલુ થાય.
કેરીના રસનો ગુણધર્મ શીતળ અને ખાજામાં મરી નાંખવામાં આવતા અને સરસવના તેલમાં બનાવવામાં આવતા હોવાથી સરસિયા ખાજાનો ગુણધર્મ તામસ હોય છે. આથી ખાજા કેરીના રસ સાથે ખાવામાં આવે છે. કેરીના રસનું કોમ્બિનેશન સુરતીઓ જ બનાવી શકે.’કેરીગાળો’શબ્દ સુરતીની ડિક્શનરીનો શબ્દ છે. સુરતીઓ કેરીગાળામાં દીકરી જમાઈને જમવા બોલાવે છે. કુદરતી રીતે પકવેલી કેરીનો રસ કાઢવામાં આવે છે.’ખત્રી’જ્ઞાતિમાં કેરીગાળામાં ખાસ મેનુ હોય છે,જેમાં કેરીનો રસ,સરસિયા ખાજા,’તપેલું’ અને તાડીવાળી પુરીનું ભોજન હોય છે. મૂળ સૂરતી દીકરીઓને ‘ગામમાં પિયરિયું ગામમાં સાસરિયું’હોવાથી વારે તહેવારે દીકરી જમાઈને જમવા બોલાવવાનો રિવાજ છે અને વ્યવહાર પણ છે.
સુરત. -કિરીટ મેઘાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
એવા છૂટાછેડા વિશે વિચારો
સ્ત્રી જાતિના સન્માન ખાતર દરેક વકીલોને અરજ છે કે પરિણીત સ્ત્રી જો માનસિક રોગથી પીડિત હોય તો તેઓના કેસ લેતાં પહેલાં છૂટાછેડા માંગનાર પક્ષને તેની સારવાર કરાવવાની સલાહ આપવી. કેસની વિગતો વકીલ પાસે આવી ગઇ હોય છે તેથી તેઓનો અનુભવ સમાજની સેવામાં કરવો તેવી મારી નમ્ર યાચના છે. છૂટાછેડા માંગનાર પક્ષને જાણકારી હોય છે, પીડિત સ્ત્રી માનસિક રોગી હોવાથી છૂટાછેડા તરત જ મળી જશે. અહીં વધુ લખતો નથી. પરંતુ આ એક ઘણો જ વિચાર માંગી લે તેવો મુદ્દો છે! આ બાબતે ત્વરિત સરકાર પણ દખલગીરી કરે તે સમયની માંગ છે. કડક કાયદો બનાવવો!
સુરત – જવાહર પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.