National

સરકારે સબસિડી ઘટાડતા ઇલેકટ્રિક ટુ-વ્હીલરો મોંઘા

મુંબઇ: દેશમાં ઇલેકટ્રીક વાહનોને (EV) પ્રોત્સાહન આપવા માટેના કાર્યક્રમ ફેમ-ટુ હેઠળની સબસીડી સરકારે ઘટાડી દેતા અને આજથી સબસિડીના નવા દરો અમલમાં આવતા ઇલેકટ્રિક દ્વિચક્રી વાહનોના ઉત્પાદકોએ તેમના વાહનોની કિંમતો વધારવાની જાહેરાત કરી છે. પહેલી જૂનથી ઘટેલી સબસિડી સાથેનું માળખું અસ્તિત્વમાં આવતા ઇલેકટ્રિક ટુ-વ્હીલર નિર્માતાઓ ટીવીએસ મોટર કંપની, એથર એનર્જી અને ઓલા ઇલેકટ્રીકે તેમના ઉત્પાદિત વાહનોના ભાવો વધારવાની જાહેરાત કરી હતી.

ટીવીએસ મોટર કંપનીએ આજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે તેની આઇક્યુબ બાઇકની કિંમત તેના વેરિઅન્ટ અનુસાર રૂ. ૧૭૦૦૦થી રૂ. ૨૨૦૦૦ની વચ્ચે વધારી રહી છે. એથર એનર્જીએ જણાવ્યું હતું કે આજથી ફેમ -ટુ સબસિડી રિવિઝન અમલી બની રહ્યા છે ત્યારે તેણે પણ તેના તેના સ્કૂટરોની કિંમત વધારી છે. બેંગલુરુમાં તેના ૪૫૦એક્સની કિંમત રૂ. ૧૪૫૦૦૦(એક્સ શો-રૂમ)થી શરૂ થાય છે. જયારે પ્રો પેક સાથેના ૪૫૦એક્સની કિંમત બેંગલુરુમાં રૂ. ૧૬પ૪૩૫થી શરૂ થાય છે જે રૂ. ૮૦૦૦નો વધારો દર્શાવે છે. ઓલા ઇલેકટ્રિકે પણ તેના સ્કૂટરોના ભાવ વધારવાની જાહેરાત કરી છે. આ કંપનીએ જણાવ્યું હતું કે ગ્રાહકોના સંતોષ પ્રત્યેની પ્રતિબધ્ધતા સાથે અમે સરકારી સબસિડીમાં નોંધપાત્ર વધારા છતાં અમારા ઉતપાદનોની કિંમતમાં થોડો વધારો કરીએ છીએ. ઓલાએ જણાવ્યું હતું કે તેના એસઆઇ પ્રો સ્કૂટરની કિંમત હવે રૂ. ૧૩૯૯૯૯ રહેશે અને એસઆઇ એરની કિંમત રૂ. ૧૦૯૯૯૯ રહેશે. જ્યારે કે હીરો ઇલેકટ્રિકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેના લોકપ્રિય ઇ-સ્કૂટર મોડેલોની કિંમતમાં કોઇ વધારો તે કરશે નહીં.

અત્રે ઉલ્લેખનીય છે કે ઇલેકટ્રિક દ્વિચક્રી વાહનોની ખરીદી માટે સરકાર તરફથી આપવામાં આવતી સબસીડીમાં પહેલી જૂનથી અમલી બને તે રીતે મોટો ઘટાડો કેન્દ્ર સરકારના ભારે ઉદ્યોગ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યો છે. અગાઉ આ વાહનોની કિંમતના ૪૦ ટકા સબસિડી આપવામાં આવતી હતી તે ઘટાડીને ૧૫ ટા રકરી નાખવાની જાહેરાત કરવામાં આવી હતી અને આ ઘટાડો પહેલી જૂનથી અમલી બની ગયો છે.

ભારત સરકારે દેશમાં ઇલેકટ્રીક વાહનોના વપરાશને વેગ આપવા ફેમ (ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેકચરિંગ ઓફ ઇલેકટ્રિક વેહીકલ્સ)-ટુ કાર્યક્રમ ૨૦૧૯માં લોન્ચ કર્યો હતો. આ કાર્યક્રમનો હેતુ દેશમાં દસ લાખ ઇલેકટ્રિક ટુ-વ્હીલરો, પ લાખ થ્રી-વ્હીલરો, પપ૦૦૦ ફોર વ્હીલરો અને ૭૦૦૦ બસોને ટેકો આપવાનો હતો. આ પ્રોગ્રામનું કદ રૂ. ૧૦૦૦૦ કરોડનું હતું. જો કે શરૂઆતમાં જ જણાયું હતું કે હીરો ઇલેકટ્રિક અને ઓકિનાવા ઓટોટેક કંપનીઓ લઘુતમ સ્થાનિકીકરણના નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે. આ ઉપરાંત ટીવીએસ મોટર, ઓલા ઇલેકટ્રિક, એથર અને હીરો મોટોકોર્પ જેવી કંપનીઓ ફેમ-ટુના સબસિડી લાભો મેળવવા માટે પોતાના વાહનોની કિંમત કૃત્રિમ રીતે નીચે રાખતી હોવાનું કહેવાતું હતું. આના પછી સરકારે બેચક્રી વાહનો માટેની સબસિડી ૪૦ ટકા પરથી ઘટાડીને ૧૫ ટકા કરવાનો નિર્ણય કર્યો હતો.

Most Popular

To Top