National

અયોધ્યામાં રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવા પીએમ મોદીને આપવામાં આવશે ખાસ આમંત્રણ

અયોધ્યા: અયોધ્યાની (Ayodhya) પાવન ભૂમિ પર રામલલાનાં (Ramlala) મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. મંદિરના ગ્રાઉન્ડ ફ્લોર પર 85 ટકાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. ઉપરાંત ગર્ભગૃહની કામગીરી પણ લગભગ ડિસેમ્બરની 15 તારીખ સુધી પૂર્ણ કરવામાં આવશે. ત્યારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું છે કે રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા દેશના વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. અયોધ્યાના રામમંદિરમાં રામ ભગવાનના બાળ સ્વરૂપની પૂજા કરવામાં આવશે. અયોધ્યામાં રામલલાની 3 મૂર્તિની સ્થાપના કરવામાં આવશે જેનાં માટે 2 કર્ણાટકના તો 1 રાજસ્થાનના જયપુરના મૂર્તિકારો કામ કરી રહ્યાં છે. ઉપરાંત પથ્થરો પર અવનવી કોતરણી કરવામાં આવી રહી છે. નીચેનાં વીડિયોમાં આ મંદિરની કામગીરી ક્યાં સુધી પહોંચી છે અને આ મંદિરમાં કેવી રીતે કામગીરી કરવામાં આવી રહી છે તેની જાણકારી આપવામાં આવી છે.

રામલલાની મૂર્તિમાટેનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ 7 દિવસનો રાખવામાં આવશે: ચંપત રાય
ચંપત રાયે કહ્યું કે રામલલાની મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા માટે કોઈ તારીખ હાલ નક્કી કરવામાં આવી નથી. મંદિરનું નિર્માણ કાર્યપૂર્ણ થતાં જ તારીખ નક્કી કરવામાં આવશે. ઉપરાંત તેઓએ કહ્યું કે ડિસેમ્બરથી 26 જાન્યુઆરી 2024ની વચ્ચે વચ્ચે તેઓ આ કાર્યક્રમની તારીખ નક્કી કરીને દેશના વડાપ્રધાનને આ અંગેની જાણ કરી દેશે. તેમણે કહ્યું ટ્રસ્ટના ખજાનચી ગોવિંદદેવ ગિરિ આમંત્રણ પત્રિકાઓ તૈયાર કરશે જ્યારે મહંત નૃત્યગોપાલદાસ આ પત્રિકા ઉપર મોહર લગાવશે એટલે કે પોતાના હસ્તાક્ષર કરશે. આ પત્રિકા આપીને દેશના વડાપ્રધાનને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવશે.

ચંપત રાયે કહ્યું કે રામલલાની મૂર્તિમાટેનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ 7 દિવસનો રાખવામાં આવશે, સમગ્ર દેશના 7 દિવસ સુધી આ ઉત્સવને માણશે. દેશભરના સંતો અને પૂજારીઓને તેઓ જ્યાં હોય તે જ સ્થળેથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવા વિનંતી કરવામાં આવી છે. ચંપત રાયે કહ્યું રામ મંદિરના ગ્રાઉન્ડ ફ્લોરને રાજસ્થાનના મકરાણાના માર્બલથી શણગારવામાં આવશે.

Most Popular

To Top