ગાંધીનગર: રાજયમાં આગામી ત્રણ દિવસ દરમ્યાન માવઠુ (Mavthu) થશે, ઉપરાંત રાજયમાં પ્રતિ કલાકના 40 કિમીની ઝડપે પવન (Wind) ફૂંકાય તેવી સંભાવના છે. બીજી તરફ રાજયમાં ગરમીનો પારો ઊંચો જઈ રહ્યો છે. ખાસ કરીને મધ્ય ગુજરાતમાં વલ્લભ વિદ્યાનગરમાં ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચતાં કાળઝાળ ગરમી અનુભવાઈ હતી.
એક ચક્રવાતી હવાના દબાણની સિસ્ટમ પાકિસ્તાન તથા પંજાબ પર સ્થિર છે, બીજી એક ટ્રફ રેખા હરિયાણાથી હિમાલય થઈને પ.બંગાળ સુધી દેખાઈ રહી છે. એક ટ્રફ રેખા દક્ષિણ – પૂર્વ મધ્ય પ્રદેશથી દક્ષિણ કર્ણાટક સુધી જોવા મળી રહી છે. આ ઉપરાંત એક ટ્રફ રેખા બિહારથી ઉત્તરીય ઓડિસ્સા તરફ જોવા મળી રહી છે. જેના પગલે આ બધીજ સિસ્ટમ વરસાદી માહોલ પેદા કરી રહી છે. જેને પગલે આગામી 28થી 30 દરમિયાન રાજ્યમાં અનેક વિસ્તારોમાં માવઠુ થઈ શકે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.
રાજયમાં આગામી ત્રણ દિવસ દરમ્યાન બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, પાટણ, મહેસાણા, રાજકોટ, અમરેલી, ભાવનગર સહિતના જિલ્લાઓમાં માવઠુ થશે તેવી આગાહી હવામાન વિભાગના વૈજ્ઞાનિકો દ્વારા ઈશ્યુ કરાઈ છે. આ ઉપરાંત રાજયમાં 24 કલાક પછી 3 ડિગ્રી જેટલો ગરમીમાં વધારો થશે. રાજયમાં સતત છેલ્લા 48 કલાકથી તેજ ગતિએ પવન ફૂંકાઈ રહયો છે, આ ઉપરાંત કયાંક છૂટો છવાયો વરસાદ પણ થઈ રહયો છે.
અમદાવાદ એરપોર્ટ પર આવેલા હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે આજે રાજ્યના શહેરો પૈકી અમદાવાદમાં 41 ડિ.સે., ડીસામાં 38 ડિ.સે., ગાંધીનગરમાં 41 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 42 ડિ.સે., વડોદરામાં 38 ડિ.સે., સુરતમાં 34 ડિ.સે., વલસાડમાં 35 ડિ.સે., ભૂજમાં 36 ડિ.સે., નલિયામાં 35 ડિ.સે., કંડલા એરપોર્ટ 37 ડિ.સે., ભાવનગરમાં 41 ડિ.સે., રાજકોટમાં 38 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 40 ડિ,સે. અને કેશોદમાં 35 ડિ.સે. જેટલું મહત્તમ તાપમાન નોંધાયુ હતું.