બારડોલી: (Bardoli) બારડોલી નજીક બારડોલી-વ્યારા રોડ પર ત્રણ વલ્લા પાસે બે અલગ અલગ અકસ્માતોમાં (Accident) બે યુવકોનાં મોત થયાં હતાં. જે પૈકી બે મોટરસાઇકલ (Motorcycle) સામસામે અથડાતાં એક યુવકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન, જ્યારે અન્ય એક બનાવમાં કાર (Car) અને મોપેડ વચ્ચે થયેલા અકસ્માતમાં મોપેડ સવાર યુવકનું સ્થળ પર જ મોત થયું હતું. બંને અકસ્માત અંગે બારડોલી પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
- બારડોલી પાસે બે અલગ અલગ અકસ્માતમાં બેનાં મોત
- બે મોટરસાઇકલ સામસામે અથડાતાં એક યુવકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન
- કાર અને મોપેડ વચ્ચે થયેલા અકસ્માતમાં મોપેડ સવાર યુવકનું સ્થળ પર જ મોત
પ્રાપ્ત મળતી માહિતી અનુસાર બારડોલીના ત્રણ વલ્લાથી ઇસરોલી જતાં માર્ગ ઉપર શુક્રવારે મોડી રાત્રે બે મોટરસાઇકલ સામસામે અથડાતાં એક મોટરસાઇકલ સવાર આશિષ અશોક ગામીત (ઉં.વ.26) નામના યુવકને ગંભીર ઇજા પહોંચી હતી. જેને તાત્કાલિક સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન આશિષનું મોત થયું હતું. આશિષ વાલોડનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અન્ય મોટરસાઇકલ ચાલક નરોત્તમ હરીશ ગામીતને ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
બીજો અકસ્માત ત્રણવલ્લા પાસે જ આવેલા પેટ્રોલપંપ પાસે બન્યો હતો. જ્યાં માંડવીના કસાલ ગામનો સ્નેહલ દીવાલાભાઈ ચૌધરી (ઉં.વ.31) મોપેડમાં પેટ્રોલ ભરાવવા જતો હતો ત્યારે અચાનક એક ઇકો કાર સામે આવી જતાં તે ગભરાઈ ગયો હતો અને પોતાનું મોપેડ કાર સાથે અથડાવી દીધું હતું. ગંભીર ઇજા થતાં સ્નેહલનું સ્થળ પર જ મોત થયું હતું.