સુરત : સલાબતપુરા ગોલ્ડન આવાસમાં લગ્નની (Marriage) નાની બબાલ લોહિયાળ બની હતી. લગ્નમાં તલવારબાજી નહીં કરવા કહેનારને સંખ્યાબંધ ઘા મરાતા ગંભીર અવસ્થામાં હોસ્પિટલમાં (Hospital) સારવાર માટે ખસેડવો પડ્યો હતો. આ મામલે પાંડેસરા પોલીસ (Police) દ્વારા હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
- ચાર ઇસમોએ મુબિન નામના ઇસમને તલવારના સંખ્યાબંધ ઘા મારીને લોહીલુહાણ કર્યો
- હોસ્પિટલમાં સારવાર માટે લઇ જતી વખતે રિક્ષાના કાચ પણ તોડી નંખાયા
મુબિન ઉર્ફે ભૂરિયા મોઇશ શેખની પત્ની આયેશા (ઉ. વર્ષ 30, ધંધો નોકરી રહેવાસી ગોલ્ડન આવાસ, સુરત, સલાબતપુરા) દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેણે ફરિયાદમાં જણાવ્યું કે ગઇ તા. 25 મેના રોજ આફતાબ શેખની બહેન તૈયબનાનુ લગ્ન હતા. દરમિયાન તેઓને લગ્નમાં આમંત્રણ હોવાથી તેઓ લગ્નમાં ગયા હતા. રાત્રિના સમયે ડીજેમાં પ્રદીપ અને આફતાબ દ્વારા તલવારબાજી કરવામાં આવી રહી હતી. તે વખતે તેમના પતિ મુબિને અહી બાળકો અને સ્ત્રીઓ બેઠા છે કોઇને વાગી જશે તેમ કહીને તલવારબાજી નહી કરવા જણાવ્યું હતું.
દરમિયાન તે વખતે પ્રદીપ અને આફતાબ ઉશ્કેરાઇ ગયા હતા. તેઓએ મુબિનને મારી નાંખવાની ધમકી આપી હતી. પોતે લગ્નપ્રસંગ બગડે નહીં તે માટે તેમના પતિને બહાર ફરવા જવા જણાવ્યુ હતુ. ત્યારબાદ તેઓ મધ્યરાત્રિએ લગ્નમાં જોડાયા હતા. તેમના પતિને તેમણે સ્થળ પર રોકાવાની ના પાડી દીધી હતી. બાદમાં તેઓ ઘરે જતા તા. 26ની મધ્યરાત્રિએ બૂમાબૂમ થઇ હતી. જેમાં તેમના પતિને બાબા મહમદ હુસેન અને ગુડિયા જેના વધારે નામઠામની ખબર નથી આ ઉપરાંત તેઓ સાથે એહમદઅલી આલતાફ શેખ અને સેબાજઅલી આલતાફ શેખ તેમના પતિને તલવારથી ઘા મારી રહ્યા હતાં. તેઓ બચાવવા જતા તેમની પર પણ આ લોકોએ હુમલો કર્યો હતો.
આ ઉપરાંત તેમની નણંદ અને તેમની શૌતનને પણ તલવારના ઘા માર્યા હતા. દરમિયાન આયેશા તેના લોહીલૂહાણ પતિ મુબિનને રિક્ષામાં બેસાડીને લઇને જઇ રહી હતી. તે દરમિયાન અલતાફે રિક્ષા પર પણ હુમલો કરી રિક્ષાના કાચ તોડી નાંખ્યા હતા. ત્યારબાદ તેમના પતિને ગંભીર અવસ્થામાં તેઓએ 108 બોલાવીને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.