બારડોલી: બારડોલીના (Bardoli) બિલ્ડર (Builder) પાસે લાઈફ ઈન્સ્યોરન્સના નામે કરોડો રૂપિયાના રિફંડની લાલચ આપી ઠગ ટોળકીએ ઓનલાઈન છેતરપિંડી (Online Fraud) કરી 23.16 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ અંગે બિલ્ડરે સાઇબર ક્રાઇમ પોલીસમથકમાં (Police Station) ફરિયાદ નોંધાવી હતી. બારડોલીના શાસ્ત્રી રોડ સ્થિત નિરાલી કોમ્પ્લેક્સના ત્રીજા માળે રહેતા રાજકુમાર દેવામહતો પ્રસાદ (ઉં.વ.51) વ્યારા ખાતે આર.કે.કન્સ્ટ્રક્શનના નામથી બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ મૂળ બિહારના પટનાના રહેવાસી છે અને ઘણા સમયથી પરિવાર સાથે બારડોલી ખાતે રહે છે.
ગત તા.2/12/2021ના રોજ તેમના પર વિજય શર્મા નામની વ્યક્તિનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, તમારા નામે કોટક મહિન્દ્રા લાઈફ ઈન્સ્યોરન્સની પોલિસી વર્ષ-2014માં ઇશ્યુ થઈ હતી. જેમાં એક વર્ષ સુધી પૈસા ભર્યા બાદ પોલિસીની રકમ ભરી નથી. જો ત્રણ વર્ષ સુધી પૈસા ભરશો તો 1,68,293 રૂપિયા ત્રણ મહિનામાં મળી જશે. જો કે, રાજકુમારે આવી કોઈ પોલિસી ન હોવાનું જણાવવા છતાં વારંવાર અલગ અલગ નંબર પરથી ફોન આવ્યા હતા. અને ડોક્યુમેન્ટ મોકલવા માટે જણાવ્યું હતું. જે ડોક્યુમેન્ટ વોટ્સએપ પર મોકલી આપ્યા હતા. ત્યારબાદ 15/12/2021ના રોજ અંકિત મિશ્રા નામના શખ્સે મોબાઇલ પર એક લિન્ક મોકલી હતી અને તે લિન્ક પર ક્લિક કરવાથી નવી પોલિસી ખૂલી જશે એમ જણાવતાં રાજકુમારે ક્લિક કરી હતી, જેમાં તમામ વિગતો ભર્યા બાદ 90 હજાર રૂપિયા નેટ બેંકિંગ મારફતે જમા કરાવતા જ ભારતી એકસા લાઈફ ઇન્સ્યુરન્સના નામે પોલિસી ખૂલી ગઈ હતી.
ત્યારબાદ 27-12-2021ના રોજ ફરીથી અંકિત મિશ્રાનો ફોન આવ્યો અને સ્કીમ વિશે માહિતી આપતાં જણાવ્યું કે જો બીજી બે પોલિસી લેશો તો માર્ચ 2022 સુધીમાં 14 લાખ રૂપિયા મળશે. આથી લાલચમાં આવી રાજકુમારે 99999 રૂપિયાની અને તા.21-1-2022ના રોજ 99000 રૂપિયાની પોલિસી ખોલાવી હતી, જે તમામ પોલિસીના કાગળો કુરિયર મારફતે મળી ગયા હતા. જો કે, આ અંગે કોટક મહિન્દ્રાની વાત કરી ત્યારબાદ ભારતી એકસામાં પોલિસી બનાવતાં રાજકુમારે આઇઆરડીએમાં લેખિત ફરિયાદ કરી હતી.
આ ફરિયાદ બાદ આઇજીએમએસ ડિપાર્ટમેન્ટમાંથી અદિતિ શર્મા નામની યુવતીનો ફોન આવ્યો હતો અને તેમણે ફાઇલ તૈયાર કરવા માટે 6750 રૂપિયા જમા કરાવવાનું કહેતાં રાજકુમારે આ રકમ જમા કરાવી જરૂરી ડોક્યુમેન્ટ પણ મોકલી આપ્યાં હતાં. ત્યારબાદ આ કેસ ફંડ મેનેજર દીપકસિંહ અને વકીલ મનીષ શ્રીવાસ્તવ હેન્ડલ કરશે તેમ જણાવ્યું હતું. દીપકસિંહનો સંપર્ક કરતાં તેને તમારી પોલિસી કેન્સલ થઈ ગઈ છે. જેના બદલામાં તમને 21,68,485 રૂપિયાનું ફંડ રિલીઝ થવાનું છે એમ જણાવી એનઓસી ચાર્જના 2,16,748 રૂપિયા જમા કરવા કહ્યું હતું. જે રકમ ઓનલાઇન ભરી દીધી હતી.
ત્યારબાદ 30-4-2022ના રોજ સેબીના લેટરપેડવાળો પત્ર વોટ્સએપ પર મોકલ્યો હતો અને જણાવ્યું હતું કે, તમારા પૈસા શેરબજારમાં રોકાઈ ગયા છે અને તેની રકમ રૂ.1,56,67,485 રૂપિયા જેટલી થાય છે. જે પેટે તમારે 10 ટકા ફંડ પેટે જમા કરાવવા પડશે. એમ કહેતાં રાજકુમારે 8 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. રકમ જમા થતાં જ મનીષ શ્રીવાસ્તવે તા.6/1/2023 અથવા તા.7/1/2023 સુધીમાં 1,56,67,485 રૂપિયા જમા થઈ જશે તેમ જણાવી આ દરમિયાન જો કાયદાકીય કાર્યવાહી કરશો તો તમારા રૂપિયાની જવાબદારી તમારી રહેશે એવી ધમકી પણ આપી હતી. જો કે, આજદિન સુધી આ રકમ ખાતામાં જમા નહીં થતાં રાજકુમારે પોતે છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું માલૂમ પડતાં સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ કરતાં 8 સામે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.