ખેરગામ : ખેરગામમાં (Khergam) એક યુવતી ડિઝાઇનિંગનું (Designing) કામ કરવા ગયા બાદ પરત નહીં ફરતાં પરિવારે શોધખોળ કરી હતી. બાદમાં બુટલેગર અને આશરે 37 વર્ષીય 3 સંતાનનો પિતા એવા વિધર્મી અસીમ નિઝામ શેખ (રહે.કુંભારવાડ, ખેરગામ) સાથે અગાઉ અફેર હોવાથી તેને ફોન (Call) કર્યો હતો. જોકે, પહેલા તો તેણે આ બાબતે કોઈ સંબંધ નહીં હોવાથી પરિવારની વાત ટાળી દીધી હતી. બાદમાં બીલીમોરાના હત્યાના આરોપી અને નવસારી સબજેલમાંથી જામીન ઉપર છૂટેલા રોનક પટેલ સાથે પ્રેમલગ્ન કરી લીધા હોવાની જાણ થઈ હતી. આ બાબતે પરિવારજનો, હિન્દુ સંગઠનો સહિત લોકોએ પોલીસ મથક (Police Station) માથે લીધું હતું. આ બનાવમાં પોલીસને મામલો થાળે પાડતાં પરસેવો વળી ગયો હતો. અસીમ સાથે અગાઉનું અફેર અને રોનક સાથે પ્રેમલગ્ન સામે પણ અનેક સવાલો ઊભા કરી દીધા છે. વળી, અસીમ અને રોનક બંને ગુનાહિત પ્રવૃત્તિ ધરાવે છે. અસીમ સલવાવથી હાઇવે ઉપર દમણથી ડમ્પરમાં રૂ.8 લાખનો દારૂ લાવવાની ઘટનામાં પણ વોન્ટેડ છે.
ખેરગામની 21 વર્ષીય યુવતી ગત તા.20મીએ બપોરે મોચીવાડમાં ડિઝાઇનિંગનું કામ કરવા ઘરેથી નીકળ્યા બાદ પરત નહીં ફરતાં પરિવાર દોડતો થઈ ગયો હતો. બાદમાં ખેરગામના વિધર્મી બુટલેગર અસીમ નિઝામ શેખ સાથે પુત્રીનું અફેર હોવાની પરિવારને શંકા હોવાથી અસીમને ફોન કરતા અસીમે જણાવ્યું હતું કે, મારે કોઈ સંબંધ નહી હોવાનું કહીને વાતનો વીંટો વાળવાનો પ્રયાસ કર્યો હતો. પરિવારને પુત્રીના મોબાઈલ નંબર પરથી ફોન આવ્યો હતો અને અસીમ બોલું છું કહી પરિવારને તમારી દીકરી મારી સાથે છે એવો ઘટસ્ફોટ કર્યો હતો. જોકે, ચોંકી ગયેલા પરિવારે જો તારી સાથે અમારી દીકરી હોય તો વાત કરાવો એમ કહ્યું હતું. બાદમાં યુવતીએ પરિવાર સાથે વાત કરી કહ્યું કે, મેં રોનક પટેલ સાથે પ્રેમલગ્ન કરી લીધાં છે. રોનક વિશે પૂછપરછ કરતાં તે હત્યાના કેસમાં નવસારી સબજેલમાંથી જામીન ઉપર છૂટ્યો હોવાની વાત સામે આવી હતી.
અસીમે જે રીતે વર્ણન કર્યુ હતું એ જોતાં પરિવારને વિશ્વાસ બેઠો ન હતો. અને દીકરીને બ્લેકમેઇલ કરાઈ હોવાની શંકા જતાં વધુ પૂછપરછ કરી હતી. આથી રોનકે યુવતી સાથે નવસારીના જૂનાથાણામાં બલાલેશ્વર મહાદેવ મંદિર ખાતે લગ્ન કર્યાના ફોટોગ્રાફ્સ રજૂ કર્યા હતા. આથી પરિવારને આ શું થઈ રહ્યું છે એ સમજાતું ન હતું. અસીમ સાથે બ્રેકઅપ કે અસીમે જ જામીન ઉપર છૂટેલા રોનક સાથે ડમી પ્રેમલગ્ન કરાવ્યા? યુવતી કોની સાથે ગઈ? અસીમ અને રોનક સાથે કોઈ સાઠગાંઠ ખરી? રોનક 22 માસથી જેલમાં હતો તો તે યુવતી સાથે ક્યાં અને કેવી રીતે સંપર્કમાં આવ્યો? કે પછી લવજેહાદમાં ફસાઈ જવાના ડરથી અસીમે જ રોનકને ડમી પતિ બનાવી ખેલ ખેલ્યો ? આવા અનેક પ્રશ્નો સાથે ખેરગામ પોલીસ મથકે લોકોના ટોળેટોળાં વળી ગયાં હતાં. લોકો એટલે હદે ગુસ્સે હતા કે પોલીસે ગેટ બંધ કરી દીધો હતો. દરમિયાન પોલીસે રવિવારે અસીમના ઘરે ગાડી દોડાવી હતી. પોલીસ અસીમ જે જગ્યાએ રહે છે એ ‘માયાજાળ’ જેવા ઘરને ચોતરફ ફંફોસી વળી હતી. છતાં અસીમનો કોઈ પત્તો લાગ્યો ન હતો. અસીમ દારૂના ધંધામાં મોટું સામ્રાજ્ય ફેલાવી બેઠો છે. અસીમ સલવાવથી હાઇવે ઉપર દમણથી ડમ્પરમાં 8 લાખનો દારૂ લાવવાની ઘટનામાં પણ વોન્ટેડ છે. તો રોનક પણ 22 મહિના પહેલાં આંતલિયા ગામના સરપંચના ભાઈની હત્યાના ગુનામાં 13 આરોપી પૈકી એક છે. જો પોલીસ દ્વારા અસીમ અને રોનકની કડકાઈથી પૂછપરછ કરવામાં આવે તો નવો ઘટસ્ફોટ થઈ શકે છે.
રોનક પાસે પોલીસે શું નિવેદન લીધું
રોનક માત્ર 22 વર્ષનો છે, પરંતુ નાની વયે અપરાધની દુનિયામાં પગ મૂકી ચૂક્યો છે. હત્યા જેવા સંગીન ગુના બાદ આસપાસના વિસ્તારોમાં પણ દહેશત છે. ત્યારે રોનકના તેમજ તેની સાથે સંકળાયેલા લોકોની કોલ ડિટેઇલ મેળવવામાં આવે તો અનેક રહસ્ય પરથી પડદો ઊઠી શકે છે. આ ઘટનામાં પોલીસે રોનકનું શું નિવેદન લીધું એ મુદ્દે પણ કોઈ પ્રકાશ પાડ્યો નથી.
યુવતીનું મૌન તૂટે તો પોલીસ તપાસમાં મદદ મળે
એક ભણેલાગણેલા પરિવારની યુવતી ગુનાહિત માનસિકતા ધરાવતાં તત્ત્વો સાથે કઈ રીતે સંપર્કમાં આવી? એવો સવાલ ખેરગામના નગરજનોમાં થઈ રહ્યો છે. એવું કહેવાય છે કે, યુવતીને પ્રેમજાળમાં ફસાવી વિડીયો ક્લીપ બનાવી મજબૂર કરાઈ છે. યુવતીનું વિદેશમાં સગપણ પણ થઈ ચૂક્યું હતું. જે વિડીયો ક્લીપ મોકલી તોડાવી નાંખ્યું હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. આ કિસ્સામાં યુવતીનું મૌન તૂટે તો પોલીસની તપાસમાં મદદ મળી શકે છે. પરિવારે સમાજમાં દાખલો બેસે એ માટે આગળ આવવું જોઈએ.