ખાનપુરથી બામરોડા સુધીનો માર્ગ બિસમાર બનતાં હાલાકી – Gujaratmitra Daily Newspaper

Madhya Gujarat

ખાનપુરથી બામરોડા સુધીનો માર્ગ બિસમાર બનતાં હાલાકી

ખાનપુર : ખાનપુર તાલુકાની ભાદરોડ ચોકડીથી બામરોડા સુધીનો માર્ગ બિસમાર બની જતાં અહીંથી પસાર થતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. કેટલીક વખત આ ખખડધજ માર્ગના કારણે અકસ્માતનો પણ ભય ઊભો થાય છે. આ અંગે અનેક રજુઆત છતાં પગલાં ન ભરાતા રોષની લાગણી જન્મી છે. ખાનપુર તાલુકાના ભાદરોડ ગામથી બે કિલોમીટર રસ્તો સદંતર ભંગાર હાલતમાં હોઈ વાહનચાલકો અને રાહદારીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સરકારી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી નવીનીકરણ કરવા પ્રબળ લોકમાંગ ઉઠી છે. તાલુકાની ભાદરોડ ચોકડીથી બામરોડા તરફનો અંદાજે બે કિલોમીટરનો રસ્તો તાલુકાના મુખ્ય મથક સાથે અહીંના 20 જેટલા ગામો માટે અતિ મહત્વનો છે.

આ સંજોગોમાં તંત્ર દ્વારા અંદાજે બે વર્ષ પહેલાં ડામર કામ કરવામાં આવ્યું હતું. હાલના સંજોગોમાં રસ્તો ખુબજ બિસ્માર હાલતમાં જોવા મળે છે. રસ્તા ઉપર દબાયેલી મેટલ બહાર નીકળી ઘુંટણ સમા ખાડાઓનુ સામ્રાજ્ય ફેલાયેલું જોવા મળે છે. આ રસ્તા ઉપરની મેટલ બહાર નીકળી રોડ ઉપર પથરાતા ટુ વ્હીલરો સ્લીપ ખાઈને પડવાના બનાવો નિત્યક્રમ બની ચુક્યા છે. અહીંના સ્થાનિક સરપંચોના જણાવ્યા અનુસાર, આ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં ધ્યાને લેવામાં આવતું નથી અને અહીંના વાહન ચાલકો, રાહદારીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.તાત્કાલીક અસરથી રોડનું નવીનીકરણ કામ હાથ ઘરવા લોકમાંગ છે.

Most Popular

To Top