નેત્રંગ: (Netrang) નેત્રંગના કોચબાર ગામે જમીનમાં ભાગ માંગતા કાકાએ (Uncle) અને તેના પુત્રએ (Son) ત્રણ પિતરાઇ ભાઈ-બહેનને મારામારી કરી એકને કુહાડીની મુંદર મારી દેતાં લોહીલુહાણ હાલતમાં નેત્રંગની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. બાદ વધુ સારવાર અર્થે રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં (Hospital) રિફર કરાયો હતો. જ્યારે એક ભાઈ તેમજ બહેનને નેત્રંગ સારવાર આપ્યા બાદ રજા આપવામાં આવી હતી.
- ‘તમે મને જમીનમાં સરખો ભાગ આપ્યો નથી’ કહી કાકાનો ત્રણ ભાઈ-બહેન ઉપર હુમલો
- નેત્રંગના કોચબાર ગામે કાકા અને પિતરાઈ ભાઈએ જમીનના ઝઘડાની અદાવત રાખી ગુસ્સો ઉતાર્યો
- કાકાએ અને તેના પુત્રએ ત્રણ પિતરાઇ ભાઈ-બહેનને મારામારી કરી એકને કુહાડીની મુંદર મારી દીધી
નેત્રંગ તાલુકાના કોચબાર ગામે રહેતા હસમુખ સુકલભાઈ વસાવાએ નેત્રંગ પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદ મુજબ કોચબાર ગામની સીમમા જંગલખાતાની સનદવાળી પાંચ એકર જમીન સુકલ રૂપસીંગ વસાવાના નામે છે. હસમુખભાઈના કાકા વલુસીંગ રૂપસીંગ વસાવા પોતાની સાસરી ખરેઠા ગામે રહેતા હતા. છેલ્લા બે-એક વર્ષથી કોચબાર ગામે રહેવા માટે આવ્યા હતા. જેમને સુકલભાઈએ જમીનનો ભાગ આપી દીધો હતો. છતાં પણ થોડા સમયથી જમીનનો ભાગ માંગી ઝઘડો કરતા રહે છે. ગત રોજ હસમુખ, તેની પત્ની, ભાઈ તેમજ બહેન ઘરે હાજર હતાં. એ વખતે સવારના દસેક વાગ્યે કાકા વલુસીંગે તમે મને જમીનમાં સરખો ભાગ આપ્યો નથી કહી ગાળો આપી હતી. એ સમયે હસમુખના ભાઈ સુરેશે કાકાને કહ્યું કે, તમે બે વર્ષથી ખરેઠા ગામે રહેતા હતા, અને હવે અહીં આવીને મારા પિતાજીની જમીનમાં ભાગ માંગો છો? તેમ કહેતાં જ કાકા વલુસીંગે સુરેશને ઢીકાપાટુનો માર માર્યો હતો.
એ સમયે મારા કાકાનો છોકરો મહેશ વલુસીંગે કુહાડી વડે સુરેશને માથામાં કુહાડીની મુંદર મારી દેતાં સુરેશ જમીન પર પડ્યો હતો. જેને બચાવવા જતાં હસમુખ અને બહેન લીલાને માર માર્યો હતો. આ બનાવમાં સુરેશ તેમજ લીલાને ૧૦૮ એમ્બ્યુલન્સ થકી નેત્રંગ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયાં હતાં. જ્યાં હસમુખ, લીલા તેમજ સુરેશની પ્રાથમિક સારવાર કર્યા બાદ સુરેશને વધુ સારવાર અર્થે રાજપીપળાની સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરાયો હતો. આ બનાવને લઇ નેત્રંગ પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.એન.વાઘેલા વધુ તપાસ ચલાવી રહ્યા છે.