ભારતના ન્યાયતંત્ર અને ન્યાયાધીશોની નિમણુક કરતી કોલેજીયમ પદ્ધતિને અનેક વાર જાહેરમાં ભાંડી ચૂકેલા કેબિનેટના કાયદા મંત્રી કિરણ રીજિજુની ગુરુવારના રોજ બદલી કરવામાં આવી હતી અને તેમની જગ્યા ઉપર મોદીના વિશ્વાસુ અને દલિત નેતા અર્જુનરામ મેઘવાલને આ કાર્યભાર સોંપવામાં આવ્યો હતો. રીજિજુને હાલમાં પૃથ્વી વિજ્ઞાન ખાતાનો હવાલો સોંપવામાં આવ્યો છે. એવું લાગે છે કે રીજિજુને ભાજપની અંદરની રમતોનો જાહેરમાં પર્દાફાશ કરવાની સજા મળી છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના નેતા સંજય રાઉતના કહેવા મુજબ કિરણ રીજિજુની બદલી ભારતના ન્યાયતંત્રની જીત છે. ન્યાયતંત્ર અને કાયદામંત્રી વચ્ચે ઘર્ષણ થવું સામાન્ય બાબત છે; કેમકે ન્યાયતંત્રને પોતાની સ્વાયત્તતા જાળવવી હોય છે જ્યારે કાયદામંત્રીને શાસક પક્ષની નીતિઓ મુજબ કામ કરવાનું હોય છે; પરંતુ કિરણ રીજિજુનો વાંક એ હતો કે તેઓ વટાણા વેરી કાઢતા હતા.
કિરણ રીજિજુ પહેલાના કાયદા મંત્રીઓ જેમકે રામ જેઠમલાણી, અરૂણ જેટલી કે પછી રવિશંકર પ્રસાદ સુપ્રિમ કોર્ટના વકીલો રહી ચૂક્યા હતા. આ દરેક વ્યક્તિને ન્યાયતંત્ર પ્રત્યે માન હતું તેમ જ તેઓ ભારતની ન્યાયપ્રણાલિનું મહત્ત્વ જાણતા હતા. જ્યારે પણ સરકાર અને કોલેજીયમ વચ્ચે કોલેજીયમના પ્રસ્તાવને લઈને કોઈ વિવાદ થતો ત્યારે ચીફ જસ્ટિસ દ્વારા રવિશંકર પ્રસાદને ચા પીવા બોલાવવામાં આવતા અને સમસ્યાઓની ઘરમેળે પતાવટ કરવામાં આવતી. કિરણ રીજિજુની સુપ્રિમ કોર્ટના વકીલો કે જજો સાથે ખાસ કોઈ મિત્રતા નહોતી અને તેથી પોતાની વાત જજોના ગળે ઊતારવામાં તેઓ અનેક વાર નિષ્ફળ ગયા હતા. સામસામે બેસીને વાત કરવાને બદલે સોશિયલ મીડિયા અને પ્રેસ કોન્ફરન્સનો સહારો લઈને ન્યાયતંત્ર ઉપર આક્ષેપો કરવા એ રીજિજુને વધુ માફક આવતું હતું. અમુક નિવૃત્ત ન્યાયાધીશોને રીજિજુએ ભારતવિરોધી ગેંગના સદસ્યો કહ્યા હતા તેમ જ સંજય રાઉતના કહેવા મુજબ રીજિજુએ ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડનું પણ અપમાન કર્યું હતું.
ભારતનું ન્યાયતંત્ર રીજિજુનું વિરોધી થઈ ગયું હતું અને તેથી ભાજપે તેમની બદલી કરવાનો નિર્ણય લેવો પડ્યો છે. જો કાયદામંત્રીએ પોતાનું કામ કઢાવવું હોય તો દેશના સર્વોચ્ચ ન્યાયાલયના સર્વોચ્ચ ન્યાયાધીશ સાથે સંબંધો સાચવવા જોઈએ તે સાદી સમજ છે. કિરણ રીજિજુના કાર્યકાળ દરમ્યાનના તેમણે કરેલાં અનેક નિવેદનો તપાસીએ તો એવી છબી ઉપસે છે કે ભાજપ સરકાર અને ન્યાયતંત્ર એકબીજા સામે શીંગડાં ભરાવી રહ્યા હોય.
એક ઉદાહરણ સરકાર દ્વારા ઉપયોગ કરવામાં આવેલા રાજદ્રોહના કાયદાનું છે. આ કાયદાની અનેક કલમો સામે વાંધો હોવાને કારણે સુપ્રિમ કોર્ટે તેના ઉપર સ્ટે આપી દીધો હતો. આ ઘટનાના વિરોધમાં કિરણ રીજિજુ દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે ‘દરેક માટે એક લક્ષ્મણરેખા હોય છે અને દેશના હિત માટે તે રેખા ન ઓળંગવી જોઈએ.’ તેમના આ નિવેદનનો વકીલો અને જજો દ્વારા બહોળા પ્રમાણમાં વિરોધ થયો હતો.
વીજળીની ચોરીના એક કિસ્સામાં જ્યારે મામલો સુપ્રિમ કોર્ટ સુધી ગયો હતો ત્યારે કિરણ રીજિજુએ ફરી કોર્ટને સલાહ આપતા કહ્યું હતું કે ‘જો સુપ્રિમ કોર્ટ દરેક જામીન અરજીઓ સાંભળવા લાગશે તો તેના પર બોજો વધી જશે.’ કિરણ રીજિજુના નિવેદનના જવાબમાં તેમનો ઉલ્લેખ કર્યા વગર ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડે એવો જવાબ આપ્યો હતો કે‘જ્યારે અમે આ ખુરસી ઉપર બેઠા હોઈએ છીએ ત્યારે કોઈ કેસ નાનો કે મોટો નથી હોતો.
અમે અહીં નાગરિકોને ન્યાય આપવા અને તેમની સ્વતંત્રતાનું રક્ષણ કરવા બેઠા છીએ.’ તે ઉપરાંત કિરણ રીજિજુએ ન્યાયાધીશોની પસંદગી કરવા માટેની કોલેજીયમની સત્તાનો હંમેશા વિરોધ કર્યો છે. તેમના માનવા મુજબ જજોની નિમણુક કરવાનો અધિકાર સરકારને જ હોવો જોઈએ. જ્યાં સુધી સરકારના હાથમાં કોલેજીયમનો દોરીસંચાર નહીં આવે ત્યાં સુધી સરકાર અને ન્યાયતંત્ર વચ્ચેનો વિખવાદ ચાલુ રહેશે તેવું કિરણ રીજિજુનું કહેવું હતું. હાલમાં સરકારને ન્યાયાધીશોની પસંદગીની કોઈ સત્તા નથી.
આ બાબત દરેક શાસક પક્ષના પેટમાં શૂળની જેમ ખૂંચતી હોય છે. ભાજપે ભૂતકાળમાં કોલેજીયમ તોડવાના કે પછી તેમાં દખલગીરી કરવાના અનેક પ્રયત્નો કર્યા છે; પરંતુ હજુ સુધી તેમાં સફળતા મળી નથી. કોલેજીયમને કારણે સુપ્રિમ કોર્ટના અને હાઈ કોર્ટના જજો ઉપર શાસક પક્ષનો અંકુશ નથી રહેતો અને શાસક પક્ષને પોતાની તરફેણમાં ચુકાદા લાવવામાં અનેક મુશ્કેલી પડતી હોય છે. કોલેજીયમને કારણે ન્યાયતંત્ર પોતાની જાતને શાસક પક્ષથી સ્વતંત્ર રાખી શકે છે અને લોકતંત્રના આત્માને જીવતો રાખે છે; પરંતુ શાસક પક્ષના હિતોમાં તેને કારણે અડચણો પેદા થતી હોય છે.
કોલેજીયમ પદ્ધતિમાં સુપ્રિમ કોર્ટના જજોની બેઠક મળે છે જેના અધ્યક્ષ ચીફ જસ્ટિસ પોતે હોય છે. આ બેઠકમાં નવા જજોની નિમણુક કરવાની દરખાસ્ત કરવામાં આવે છે. સરકાર દ્વારા બહાલી અપાયા બાદ આ દરખાસ્તને અમલમાં મૂકવામાં આવે છે. એક બાજુ કિરણ રીજિજુ કોલેજીયમને બરખાસ્ત કરવાનું સૂચન કરી રહ્યા હતા અને બીજી બાજુ કોલેજીયમે તેના ઈતિહાસમાં પ્રથમ વખત સરકાર વિરૂદ્ધ જાહેર નિવેદનો કર્યાં હતાં. કોલેજીયમના આક્ષેપો હતા કે તેમના દ્વારા કરવામાં આવેલી જજોની નિમણુકની દરખાસ્તને સરકાર બહાલી નથી આપી રહી. કોલેજીયમ દ્વારા નક્કી કરાયેલા પાંચ ઉમેદવારોની વિગતો અને સરકારે દરખાસ્ત કબૂલ ન કરવા માટે આપેલા કારણો જાહેર કરાયાં હતાં. સરકારે આ ઉમેદવારોના જાતીયતા ઉપરના વિચારો અને ભૂતકાળમાં વ્યક્ત કરેલા સરકારની અમુક નીતિઓ વિરૂદ્ધના વિચારો માટે તેમનો સ્વીકાર નહોતો કર્યો.
સુપ્રિમ કોર્ટે સરકારને પોતાની દરખાસ્ત ન સ્વીકારવા સામે ચેતવણી આપી હતી, જેના પ્રતિકારમાં કિરણ રીજિજુએ કહ્યું હતું કે ‘આપણે સહુ જનતાના સેવક છીએ અને તેમની ઈચ્છા અને બંધારણ મુજબ દેશ ચાલશે. કોઈએ બીજાને ચેતવણી આપવાની જરૂર નથી.’ કિરણ રીજિજુએ પોતાના અન્ય એક વાર્તાલાપમાં એવું પણ કહ્યું હતું કે ‘ત્રણથી ચાર નિવૃત્ત ન્યાયાધીશો ભારતવિરોધી ગેંગનો ભાગ છે અને ભારતીય ન્યાયતંત્રનો ઉપયોગ વિપક્ષની જેમ કરે છે. તેઓ વારંવાર કોર્ટમાં જઈને સરકારને પોતાની નીતિઓ બદલવા અપીલ કરે છે.’ કિરણ રીજિજુ કદાચ ભૂલી ગયા હશે કે ભારતના દરેક નાગરિકને સરકારની નીતિઓનો વિરોધ કરવાનો બંધારણીય અધિકાર છે. વરિષ્ઠ વકીલ સંજય હેગડેના કહેવા મુજબ સંસદીય બહુમતી અને સોશિયલ મીડિયાના બળ ઉપર વણચૂંટાયેલા ન્યાયાધીશોને હેરાન કરવા એ કિરણ રીજિજુની કામ કરવાની પદ્ધતિ હતી.
સંસદ અને ન્યાયાલય તે લોકશાહીના બે અગત્યના અંગો છે. આ બંને અંગો વચ્ચે સુમેળ હોય તે જ ઈચ્છનીય છે. ભાજપને અંદરખાને ન્યાયતંત્રની સ્વતંત્રતા ખૂંચતી હોઈ શકે છે પણ મોંઢા ઉપર મિત્રભાવ દર્શાવવો તે સાચી રાજનીતિ છે. લાગે છે કે કિરણ રીજિજુ આ રાજનીતિ સમજવામાં નિષ્ફળ ગયા છે, જેની તેમને સજા આપવામાં આવી છે. કોલેજીયમનો જાહેરમાં અને સતત વિરોધ કરવો, સુપ્રિમ કોર્ટને કામ કેવી રીતે થાય તેની સલાહ આપવી, સુપ્રિમ કોર્ટના વરિષ્ઠ અને નિવૃત્ત જજોનું અપમાન કરવું વગેરે બાબતો ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ કેટલો સમય ચલાવી લે તે પણ એક સવાલ હતો. કર્ણાટકના પરાજય બાદ હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ બાબતમાં સજાગ બની ગયા છે.