ભરૂચ: શનિ જયંતિ અને અમાસની મોટી ભરતીએ (Hightide) જ ભરૂચ (Bharuch) જિલ્લાના વાગરા તાલુકાના મુલેર (Muler) નજીક ગંધાર પાસે દરિયા કાંઠે (Sea Beach) ફરવા ગયેલા એક જ પરિવારના (Family) બાળકો, મહિલા સહિત 8 લોકો દરિયામાં ડૂબવા (Downing) લાગ્યા હતા. જે પૈકી 6 હતભાગીઓને દરિયો ભરખી જતા આખા ગામમાં માતમ છવાઈ ગયો છે.
- દરિયા કાંઠે ફરવા ગયેલા એક જ પરિવારના મોટેરા સહિત બાળકો અમાસની ભરતીમાં 3 કિમી સુધી દરિયો ખેંચી ગયો
- વાગરા ધારાસભ્ય, જિલ્લા પોલીસ વડા, RDC સહિત પોલીસ કાફલો હોસ્પિટલ પહોંચ્યો
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના મુલેર ગામના ગંધાર તરફ દરિયા કાંઠે ગામમાં રહેતા બાળકો સાથે એક પરિવાર ફરવા ગયો હતો. અમાસની દરિયાની મોટી ભરતી અચાનક આવી જતા પાણીમાં બાળકો તણાતા જોઇને પરિવારજનો એકબીજાને બચાવવાના પ્રયાસ કર્યા હતા. આખરે ભરતીના પાણીમાં 6 જણા ડૂબી જતા મોત થયું હતું. જયારે 2 જણા સારવાર હેઠળ છે.
સમગ્ર ઘટનામાં દરિયાકાંઠે પરિવાર બેઠા હોવાથી બાળકો રમત રમી રહ્યા હતા. જેમાં દરિયામાં મોટી ભરતી આવતા પાણી પાસે રમતા ગોહિલ પરિવારનો નાનો બાળક પાણીમાં તણાવા લાગ્યો હતો. આ દ્રશ્ય જોઇને પરિવારજનોએ તથા અન્ય લોકોએ બાળકોને બચાવવા પ્રયાસ કર્યા હતા.
બાળકોને બચાવવાના પ્રયાસમાં દરિયામાં એક બાદ એક 8 જણા 3 કિ.મી. સુધી ખેંચાઈ ગયા હતા. આ ઘટનામાં બચી ગયેલી દીકરીએ પિતાને મોબાઈલ ઉપર લોકેશન મોકલ્યું હતું જેને લઈને બીજી દીકરીએ ફોન કરી ઘટનાની જાણ કરતા પરિવારજનો અને ગ્રામજનો ઘટનાસ્થળે દોડી ગયા હતા.
નાવડીની મદદથી બાળકો અને મોટેરાઓને બહાર કાઢીને ભરૂચ હોસ્પિટલ ખાતે ખસેડીને સારવાર માટે ખસેડાયા હતા, જેમાં ભરૂચની ખાનગી હોસ્પિટલમાં 5 ને તબીબે મૃત જાહેર કર્યા હતા અને એક વ્યકિતનું વાગરામાં જ મૃત્યુ થયું હતું. આ ગોઝારી ઘટનામાં બે દીકરીઓ બચી જતા હાલ સઘન સારવાર ચાલી રહી છે.
એક જ પરિવારના 6 લોકોના મોતથી ગમગીની ફેલાઈ ગઈ છે. હોસ્પિટલ ખાતે મૃતકના સ્વજનોના આક્રંદથી વાતાવરણ શોકમય થઈ ગયું હતું. વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ, RDC એન.આર.ધાંધલ સહિતનો કાફલો દોડી ગયો હતો.
હતભાગી મૃતકો
- દશરથ ગોહિલ (ઉ.વ.૧૯)
- તુલસીબેન બળવંતભાઈ (ઉ.વ.૨૦)
- જાનવીબેન હેમંતભાઈ (ઉ.વ.૦૫)
- આર્યાબેન રાજેશભાઇ
- રીંકલબેન બળવંતભાઈ (ઉ.વ.૧૫)
- રાજેશ છત્રસિંહ ગોહિલ (ઉ.વ ૩૮)
સારવાર હેઠળ
- કિંજલબેન બળવતભાઈ ગોહિલ (ઉ.વ.૧૯)
- અંકિતાબેન બળવતભાઈ ગોહિલ (ઉ.વ.૧૭)
મુલેરના મુસ્લિમ યુવાનોએ બાળકોને બચાવવા જીવ જોખમમાં મુક્યો
ડૂબતા બાળકોની બુમરાણનો અવાજ સાંભળીને નજીકમાં આવેલા મુલેર ગામના મુસ્લિમ યુવાનો સમુદ્ર કિનારે દોડી ગયા હતા.પોતાનો જીવ જોખમમાં મૂકી બાળકોને દરિયામાંથી ભાર કાઢીને તાબડતોબ હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. મુલેર ગામના સરપંચ અશરફ પટેલે જણાવ્યું હતું કે બાળકોને બચાવવા મુલેર ગામના લોકોએ શક્ય તેટલા પ્રયાસ કર્યા હતા. બાળકોને જીવના જોખમે બહાર કાઢી ૧૦૮ તેમજ અન્ય એમ્બ્યુલન્સનો રાહ જોયા વગર ગામના લોકોએ પોતાના વાહનો સમુદ્ર કિનારેથી હોસ્પિટલમાં પહોંચાડવા એજ પ્રાથમિકતા હતી.