વાપી: (Vapi) વાપી નજીકના કરવડ ગામ, નૂરકાંટાની સામે માર્ગ પરથી પસાર થઈ રહેલા ટેમ્પાની (Tempo) પાછળ કાર (Car) અથડાઈ હતી. જે અકસ્માતને (Accident) લઈ કારચાલક ગુસ્સે થયો અને કારમાંથી લાકડાનો દંડો કાઢી ટેમ્પા ચાલકને ફટકારવા લાગ્યો હતો. નશામાં ધૂત કાર ચાલકે ટેમ્પાની હેડલાઈટ સહિત કાચની તોડફોડ કરી નાંખી હતી. જે બનાવ અંગેની ફરિયાદ ટેમ્પાચાલકે વાપી ડુંગરા પોલીસ (Police) મથકમાં નોંધાવી હતી.
- કરવડમાં ટેમ્પા પાછળ કાર અથડાઈ, કારચાલકે દંડો લઈ ટેમ્પાચાલકને ફટકાર્યો
- નશામાં ધૂત કાર ચાલકે ટેમ્પાના હેડલાઈટ, કાચ વગેરેની તોડફોક કરી
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર, મૂળ યુપીનો વતની અને હાલ વાપી કોળીવાડ, ચાર રસ્તા પાસે આવેલી બિલ્ડીંગમાં ભાડેથી સુનિલકુમાર જયનાથ રહીજન (ઉં.22) રહે છે. વ્યવસાયે ડ્રાઈવર સુનિલકુમાર ટેમ્પો નં. (એમએચ-20-ઈએલ-9126)ને લઈ કેરીનો માલ ભરવા માટે જઈ રહ્યો હતો. તેઓ કરવડ નુરકાંટાની સામે વાપીથી દેગામ તરફના માર્ગથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે દોડી રહેલી કાર અથડાઈ હતી.
જે અકસ્માત થતાં ટેમ્પો માર્ગની સાઈડમાં ઉભો રાખ્યો હતો ત્યારે અકસ્માત સર્જનાર કારચાલક ગુસ્સામાં ઉતરી લાકડાનો દંડો લઈ ટેમ્પાચાલકને ફટકાર્યો હતો અને ટેમ્પાની હેડલાઈટ, કાચ વગેરેની તોડફોડ કરી નાંખી હતી. આસપાસના લોકો દોડી આવતાં મામલો થાળે પાડયો હતો અને તે બાદ ટેમ્પાચાલકે પોલીસને ફોન કર્યો હતો. પોલીસની ટીમે આવી અકસ્માત સર્જનાર કાર ચાલકનું નામઠામ પૂછતાં અનિલ રાકેશ પટેલ (ઉં.31, રહે. કરવડ, વડ ફળિયા, વાપી) હોવાનું જણાવ્યું હતું. તે નશો કરી વાહન હંકારતા હોવાનું પણ સામે આવ્યું હતું.