સુરત: સુરત મનપા દ્વારા હાલ જ શહેરમાં વિવિધ સંસ્થાઓમાંથી પનીરના સેમ્પલો લેવામાં આવ્યા હતાં. જેમાં 10 પનીરના નમુના ફેઈલ આવતાં મનપા દ્વારા તે તમામ સંસ્થાઓ સમક્ષ ફરીયાદ દાખલ કરવામાં આવશે. મનપાના ફુડ વિભાગના ફુડ ઈન્સપેક્ટરો દ્વારા 3 મેના દિવસે શહેરની કુલ 15 સંસ્થાઓમાંથી 15 પનીરના નમુના લેવામાં આવ્યા હતાં, જે પૈકી કુલ 10 નમુના ફેઈલ થયા હોવાનો રિપોર્ટ મનપાને મળ્યો છે.
- બેફામ ભેળસેળ: ક્રીમ-કલર બાદ હવે પનીરના પણ સેમ્પલો ફેઈલ
- અડાજણની સુરભી ડેરી અને વરાછાની કનૈયા ડેરી પણ સાણસામાં
- પાલિકાએ 3જી મેના રોજ સેમ્પલો લીધા હતાં, તે વખતે શંકાસ્પદ 240 કિલો પનીરનો નાશ પણ કર્યો હતો
લોકોએ દાબીને ભેળસેળીયું અખાદ્ય પનીર દાબીને ખાધું, હવે પાલિકા ફરિયાદ સહિતની કાર્યવાહી કરશે
10 નમુનાઓ ધારાધોરણ મુજબના ન હોવાનું માલુમ પડતાં મનપા દ્વારા સંસ્થા સામે ફરીયાદ દાખલ કરાશે અને આ સંસ્થાઓમાંથી મનપાએ 240 કિલો પનીરનો નાશ પણ કર્યો હતો.
કનૈયા ડેરી ફાર્મ એન્ડ સ્વીટ (દુકાન નં 5,6 પ્લેટિનમ પ્લાઝા, સુદામા ચોક, મોટા વરાછા), જય ગાયત્રી ડેરી અને પાર્લર (10, શ્રી રાજ સાગર ફ્લેટ, બોટનિકલ ગાર્ડન રોડ), સુરભી ડેરી સ્વીટ એન્ડ આઈસ્ક્રીમ પાર્લર (7,8 રિયલ પોઈન્ટ એપ્રિલ, હની પાર્ક રોડ, અડાજણ), ભારત ડેરી (રોડ નં 10, ઉધના ઉદ્યોગનગર, ઉધના), સુરભી ડેરી પ્રોડક્ટ્સ (બ્લોક નંબર-એ, 3-4, ડોકોરિયા કેમ્પસ ખટોદરા), લાખાણી ડેરી (83-સી, ગ્રીન પાર્ક ઉન), શ્રીજી ડેરી અને ચોપાટી આઈસ્ક્રીમ (દુકાન નંબર-354, અવિર્ભાવ-1, પાંડેસરા), સુખસાગર ડેરી (125, શિવશંકર સોસાયટી, ભરતનગર, આંજણા), ગોગા માર્કેટિંગ (એ/45, રંગાવધૂત એસઓસી, પર્વત), નુરાની ડેરી ફાર્મ (2-3167-સી, પહાડખાન મોહલ્લો, સગરામપુરા)ના નમુના ફેઈલ આવ્યા છે. આ સંસ્થાઓ સામે મનપાએ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.
અગાઉ આ જાણીતા આઈસ ડીશ અને આઈસ્ક્રીમ પાર્લરમાં ભેળસેળ મળી હતી
ઉનાળાની સિઝનને (Summer) ધ્યાને રાખી ફુડ વિભાગનાં (Food Safety) ફુડ સેફટી ઓફિસરો દ્વારા સુરત (Surat) શહેર વિસ્તારમાંથી ગત માસમાં કેક-પેસ્ટ્રી, મરી–મસાલા, આઈસ્ક્રીમ અને આઈસ ગોળાના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. જે પૈકી 8 નમુના ફેઈલ જણાયા છે. જેથી મનપા દ્વારા સંસ્થાઓના એજ્યુકેટિંગ ઓફિસર સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવશે.
જેમાં પાંડેસરાના શ્રી સાવરિયા આઈસ્ક્રીમની વેનીલા આઈસ્ક્રીમ, પાંડેસરાની ભોલેનાથ આઈસ્ક્રીમની રાજભોગ આઈસ્ક્રીમ, કતારગામની રામ ઔર શ્યામ આઈસ ડિશ અને ગોળા. રાજકોટવાલાની કાજુ અંજીર આઈસક્રીમ, ભટારની પાર્થ આઈસ ગોળાની ઓરેન્જ સિરપ, અડાજણના જય ભવાની ડ્રાય ફ્રુટ ડીશ ગોળાની ક્રીમ, રાંદેરના લક્ષ્મી મસાલા ગૃહ ભંડારના મરચાં પાઉડર, અડાજણના ડેનિશ કેક અને પેસ્ટ્રીની દુકાનની વેનિલા સ્લાઈસ તેમજ ઘોડદોડ રોડના જી બી ફૂડ્સ એન્ડ કન્ફેક્શનરી પ્રાઇવેટ લિ. ના રોયલ ચોકલેટ કેકના નમુના ફેઈલ થયા હોવાનું જાણવામાં આવ્યું છે.