SURAT

મોટા વરાછા વ્રજ ચોકમાં ગેરકાયદે ધમધમતાં રાત્રી ફૂડ બજારનું ડિમોલીશન

સુરત : સુરત મનપાના નવા ઝોન વરાછા-બીમાં સમાવિષ્ટ સીમાડા વિસ્તારમાં વ્રજ ચોકથી ઓળખાતા વિસ્તારના એક ખાનગી પ્લોટમાં ગેરકાયદેસર રીતે વાણીજય હેતુ માટે ફાયર સેફટીની સુવિધા વિના ટેમ્પરરી સ્ટ્રકચરો ઉભા કરી બુધવારી બજાર ભરાતી હોવાથી ટ્રાફિક, ગંદકી સહિતનું ન્યુસન્સ હદ વટાવી રહ્યું હતું.

  • ફાયર સેફ્ટી સહિતની સલામતી વિના 250 જેટલા કાચા શેડમાં બુધવારી બજારમાં પણ ભીડ ઉમટતી હતી
  • ખાનગી પ્લોટમાં મંજૂરી વિના શરૂ કરાયેલા બજારનું ડિમોલીશન રોકવા ધારાસભ્ય, પૂર્વ મંત્રીના ધમપછાડા એળે ગયા

આ બાબતે સરથાણા ઝોન દ્વારા વારંવાર લેખિત તથા મૌખિક સુચના આપવા છતાં દર બુધવારે બજાર અને રાત્રે ખાણીપીણીની બજાર ભરવાનું ચાલુ રખાયું હોય ઝોન દ્વારા આજે ઓપરેશન હાથ ધરી બુધવારી બજારમાં આશરે ર૦૦થી રપ૦ જેટલી દુકાનો (ટેમ્પરરી શેડ)નું ડિમોલીશન હાથ ધરાયું હતું.

અહીં ઈમરજન્સીના કિસ્સામાં ફાયર, સીકયુરીટી, પાર્કિગની કોઈ પણ પ્રકારની સુવિધાનો પણ અભાવ હોય ખુબ જ ભયજનક પરિસ્થિતિનું નિર્માણ થયું હોવા છતાં આ ડિમોલીશનની કાર્યવાહી રોકવા અહીંના પુર્વ ધારાસભ્ય દ્વારા રાજકીય દબાણ લાવવા પ્રયાસ કરાયો હતો. તો વરાછા વિસ્તારના એક ધારાસભ્ય દ્વારા પણ આવો જ પ્રયાસ કરાયો હતો.

જો કે અધિકારીઓએ કોઇ શેહ-શરમ રાખ્યા વગર ડિમોલીશન ચાલું રાખ્યુ હતું ઉપરાંત આજ ઝોનમાં પાસોદરાના બ્લોક નં. ૧૩૪ના મિલ્કતદાર ધ્વારા કેનાલ /સુચિત રસ્તાની જગ્યામાં બનાવેલ આશરે ૧૭૦.૦૦ મી. લંબાઈની દિવાલ તોડીને દબાણ ખુલ્લુ કરાવવામાં આવ્યુ હતું.

300 પોલીસકર્મી ગોઠવી, તમામ રસ્તા બ્લોક કરી મોડી રાત્રે વેડ રોડ પર રસ્તાનાં દબાણો હટાવાયાં
સુરત: સુરત મહાનગર પાલિકા દ્વારા વરિયાવ વેડ બ્રિજ તૈયાર કરી દેવામાં આવ્યો છે અને આજે ગુરુવારે આ બ્રિજનું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વર્ચ્યુઅલી ઉદઘાટન કરી શહેરીજનો માટે ખુલ્લો મૂકવામાં આવનાર છે. ત્યારે અગાઉ રિંગ રોડની વચ્ચે ટ્રાફિકને નડતરરૂપ ધાર્મિક સ્થાનોને રાતોરાત ગુપ્ત ઓપરેશન દ્વારા કુનેહપૂર્વક દૂર કરનાર મનપા કમિશનર શાલિની અગ્રવાલે આ બ્રિજના રસ્તામાં લાઇનદોરીમાં આવતી દરગાહ અને કબ્રસ્તાનને અમુક લોકોના વિરોધ વચ્ચે પણ રાતોરાત ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સિક્યુરિટીને સાથે રાખી મેગા ઓપરેશન કરી દૂર કરાયાં હતાં.

કતારગામ ઝોનના અધિકારીઓ દ્વારા મોડી રાત્રે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં કાર્યપાલક ઇજનેર રાકેશ મોદી અને બ્રિજ વિભાગના વડા સિટી ઇજનેર અક્ષય પંડ્યા, અઠવા ઝોનના વડા દિનેશ જરીવાલા અને સેન્ટ્રલ ઝોનના વડા જતીન દેસાઇ પણ સવારે આઠ વાગ્યા સુધી સ્થળ પર હાજર રહ્યા હતા. એ માટે ત્રણ ઝોનનો સ્ટાફ તૈનાત કરાયો હતો અને સવારે આઠ વાગ્યા સુધીમાં તો રસ્તો પણ બનાવી દેવાયો હતો.

અત્રે ઉલ્લખનીય છે કે, અગાઉથી આ ડિમોલિશનની નોટિસ અપાયેલી હતી અને રાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાઇ જતાં દરગાહ સાથે સંકળાયેલા લોકો સમજી ગયા હતા કે ઓપરેશન હાથ ધરાવાનું છે. આથી દરગાહ સાથે સંકળાયેલા લોકોનું ટોળું આવી ગયું હતું. જો કે, પોલીસે તમામને ડિટેઇન કરી લીધા હતા.

આ ઓપરેશન દરમિયાન ૧૭૦થી ૧૮૦ જેટલા પોલીસ કર્મચારીઓ તથા એસઆરપી જવાનોની ટીમ માર્શલ સહિતનો સિક્યુરિટી સ્ટાફ મળી કુલ ૩૦૦ જણાના સ્ટાફને તૈનાત કરાયો હતો. તેમજ તમામ રસ્તા તથા શેરીનાં નાકાં બ્લોક કરી દેવામાં આવ્યાં હતાં. જેથી કોઈ વ્યક્તિ ડિમોલિશન સ્થળ સુધી ન પહોંચે.

Most Popular

To Top