SURAT

પાલ આરટીઓ રોડ પર જીવલેણ અકસ્માતોને ટાળવા હવે આ કામગીરી કરાશે

સુરત: શહેરના પાલ આરટીઓ તેમજ ગૌરવપથ રોડ પર છેલ્લા 15 દિવસમાં બે ગમખ્વાર અકસ્માતની ઘટનાને પગલે તંત્ર દોડતું થયું છે. થોડા દિવસ પૂર્વે જ પાલ આરટીઓ નજીક ધોરણ 11 સાયન્સની એક આશાસ્પદ વિદ્યાર્થીનીને ટ્રકે અડફેટે લઈ કચડી નાંખી હતી, જ્યારે ગૌરવપથ પર મોપેડ પર જઈ રહેલા ભાઈ-બહેનને ડમ્પર ચાલકે અડફેટે લેતા 14 વર્ષનો ભાઈ ડમ્પર નીચે આવી ગયો હતો.

આ સ્થિતિના પગલે સ્થાનિક નગરસેવકોની રજુઆતને પગલે મેયર હેમાલી બોઘાવાલા, સ્થાનિક કોર્પોરેટરો, રાંદેર ઝોનના અધિકારીઓ, ટ્રાફિક-બીઆરટીએસ સેલના અધિકારીઓ તથા ડીસીપી ટ્રાફિક અમિતા વાનાણી સ્થળ પર પહોંચ્યા હતા. તેમજ અકસ્માતો કઈ રીતે રોકી શકાય? શું આયોજનો કરી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.

પાલ ગૌરવપથની આજુબાજુ પાલ અને પાલનપુર વિસ્તાર હાલ ખુબ જ વિકસીત થવાના કારણે ગૌરવપથ પાલ હવેલીથી ભેંસાણ પંમ્પીગ સુધી ખુબ જ સ્પીડમાં મોટા વાહનો જતા હોય છે. જેને કારણે અત્યાર સુધી ગૌરવપથ પર સ્પીડનાં કારણે સામાન્ય નાગરિકો અકસ્માતનો ભોગ બની રહ્યાં છે.

જેના પગલે ગૌરવપથની મુલાકાત લઈ તાત્કાલિક ધોરણે અહીં સ્પીડ કેમેરા અને સ્પીડ બ્રેકર બનાવવા માટે સ્થાનિક નગરસેવક નિલેશ પટેલ દ્વારા રજુઆત કરવામાં આવી હતી. જેને પગલે મેયરે સ્થળ વિઝીટી કરીને તંત્રને જરૂરી સૂચનો તેમજ માર્ગદર્શન આપી કઈ રીતે માર્ગ અકસ્માતોને થતા રોકી શકાય, તે બાબતે ઝડપથી કાર્યવાહી કરવા સુચના આપી હતી.

આ રોડ પર સીસીટીવી કેમેરાથી સઘન મોનિટરીંગ કરવા, ભારે વાહનોની અવરજવરનો સમય નિર્ધારિત કરી, તેમની ગતિમર્યાદાને અંકુશમાં મુકવા, જરૂરી અંતરે સ્પીડબ્રેકરો મુકવા બાબત સૂચનો આપ્યા હતા. તેમજ શહેર પોલીસ અને ટ્રાફિક પોલીસ દ્વારા તત્કાળ અહીં યોગ્ય ટ્રાફિક નિયમન કરવા જરૂરી નિર્દેશો આપ્યા હતા.

પાલ ગૌરવપથથી જ્યારે બે પોઇન્ટ વચ્ચે અંતર પાંચ કિલોમીટર કરતાં વધારે હોય ત્યારે ઓછામાં ઓછા રોડની પહોંળાઈ 45 મીટર હોવી જોઈએ, પરંતુ માત્ર 30 મીટર જ છે. જે પણ એક અકસ્માત થવા પાછળનું કારણ છે. નવી ટીપી જાહેર થઈ ગયા બાદ અહીં વાહનોની અવરજવર પણ ખૂબ મોટા પ્રમાણમાં વધી ગઈ છે. તેમજ અહીં બમ્પરો પણ ખુબ ઓછા છે. જેથી બમ્પરો મુકવા સુચના અપાઈ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, સ્થળ વિઝીટ દરમિયાન જ પાલ ગૌરવપથ રોડ પર હેવી વાહનો પસાર થયા હતા ત્યારે આ વાહનોને રોકી સ્થાનિક કોર્પોરેટરોએ ડ્રાયવર ચાલકોને પુછપરછ પણ કરી હતી.

Most Popular

To Top