સુરત: શહેરમાંથી અંગદાનની વધુ એક ઘટના સામે આવી છે. વલસાડના (Valsad) બ્રેઇન ડેડ (Brain dead) યુવકના ફેંફસા, હ્દય, લીવર, કિડની અને આંખોનું દાન આપવામાં આવ્યું છે. જેનાથી કુલ 7 વ્યક્તિને નવજીવન મળ્યું છે ડોનેટ (Donate) લાઇફના પ્રમુખ નીલેશભાઈ માંડલેવાએ જણાવ્યું હતું કે વલસાડના ધરમપુર તાલુકાના બોપી ગામના વતની ઝવેરભાઈ કાકડભાઈ કુંવર( 29 વર્ષ) વાપીમાં બાયર કંપનીમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતા હતા. 12 મી તારીખે તેઓ એક લગ્નપ્રસંગમાં હાજરી આપીને પરત થતા હતા ત્યારે રાત્રે દોઢેક વાગે તેમની બાઇકનું પેટ્રોલ પુરૂ થઈ ગયું હતું. તેઓ બાઇક પાર્ક કરીને રસ્તા પર ઉભા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં તેમને ગંભીર ઇજા થતા સારવાર માટે સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. તેમને બ્રેઈન હેમરેજ જણાતા વધુ સારવાર માટે કિરણ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ત્યાં 15 મી તારીખે તેમને બ્રેઈન ડેડ જાહેર કરાયા હતા.
- હ્રદય અને ફેફ્સાં એર એમ્બ્યુલન્સમાં અમદાવાદ મોકલવામાં આવ્યા
- બોપી ગામના યુવાનને અકસ્માત નડ્યા બાદ બ્રેઇનડેડ જાહેર કરાયાં હતાં
- ડોનેટ લાઇફની ટીમે ઝવેરભાઈના પરિવારને અંગદાનનું મહત્વ સમજાવતા તેઓએ અંગદાનની સંમતિ આપી હતી
ડોનેટ લાઇફની ટીમે ઝવેરભાઈના પરિવારને અંગદાનનું મહત્વ સમજાવતા તેઓએ અંગદાનની સંમતિ આપી હતી. તેમનું હ્દય, ફેફસા, લીવર, કિડની અને આંખોનું દાન કરાયું હતું. તેમના અંગદાનથી સાત વ્યક્તિઓને નવજીવન મળ્યું હતું. તેમનું હ્દય અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલમાં સાબરકાંઠાના 28 વર્ષિય યુવકમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. ફેફસા અમદાવાદની કે.ડી.હોસ્પિટલમાં રાજસ્થાનના 59 વર્ષિય વ્યકિતમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા. લીવર અને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતની કિડની હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. હ્દય અને ફેફસા એર એમ્બ્યુલન્સમાં અમદાવાદ મોકલવામાં આવ્યા હતા. ઝવેરભાઈના પરિવારમાં માતા-પિતા ઉપરાંત પત્ની, એક દીકરો અક્ષય અને બે દીકરીઓ નિકિતા અને વિભુતી છે.