મારો દીકરો શું ખાશે ? એવું વિચારનારો વ્યકિત ‘‘એ ખેડૂત’’ ખેડૂતે પકવેલું અનાજ, થાળીમાં આવે અને જમતી વખતે જેને યાદ પણ ના કરે એ કૃતઘ્ની દીકરો. મારો બાપ ભૂંડથી લઈને ચિત્તા, સાપ સુધીનો શિકાર બનતો રહ્યો છે એને શા માટે રાત્રે વીજળી આપું? અંધારામાં પાણી ક્યાં જાય ખબર ના પડે. શું દિવસે જ ખેડૂતને આપીએ એવું આટલા વર્ષ પછી ધ્યાનમાં નથી આવતું? ખેડૂત કહેનારા શું ત્યાં (સાંસદ, વિધાન સભ્ય) જઈ મટી જાય છે ખેડૂત ? ખેડૂતનો પાક તૈયાર થઈને આવે ત્યારે માર્કેટમાં સાચવવાની વ્યવસ્થા નથી. વચગાળાનો નફો દલાલ વગર મહેનતે આટોપી જાય.
શાકભાજી માર્કેટમાં છૂટક દલાલ. (લાયસન્સ નથી તે) સસ્તામાં પડાવી લઈ પોતે નફો ચઢાવી વેચે. નથી ખાનારને ફાયદો નથી ખેડૂતને ફાયદો. ખેડૂત જેટલી મહેનત 3 મહિના કરે અને માલ પકવે, તેટલું દલાલ જ તો 3 કલાકમાં કમાઈ લે છે. માર્કેટના બની બેઠેલા સંચાલકો ટાઈમ ક-ટાઈમે જઈને જુએ છે ખરા? અનાજ ખેતરમાંથી ખળામાં માર્કેટમાં આવે ભાવ ડાઉન … મજબૂર ખેડૂત શું કરે ? સીઝન પતી ભાવ આસમાને ….. બેહાલ ખેડૂત ઢોર ખાય, ચોર ખાય, મોર ખાય અને હવે તો કમોસમી વરસાદ પણ ખાય…. શું રહે જગતના તાત પાસે? બેંકના બાકી હપ્તા. જે વધીને અનેકગણા. ભૂખ્યો રહી આપણા પેટ ભરનારો ખેડૂત કઈ દશામાં છે? ક્યાંક આ ચૂંટાયેલા બધા જ વિચારે છે ખરા? પાંખ આવે ને બચ્ચું ઊડી જાય તેનો રંજ નથી. પણ પાછું આવીને ચાંચ મારે ને ત્યારે વસમું લાગે છે.
અછારણ – ભગવતી છ. પટેલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.