ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (Gujarat CM Bhupendra Patel Son Anuj Patel) પુત્ર અનુજ પટેલની તબિયતમાં સુધારો થયો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. છેલ્લાં એક અઠવાડિયાથી મુંબઈની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલાં અનુજ પટેલ કોમાંથી બહાર આવ્યા હોવાના અને વેન્ટીલેટર સપોર્ટ હટાવી લેવાયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. હવે અનુજ પટેલને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવશે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દીકરા અનુજ પટેલ છેલ્લાં એક અઠવાડિયા કરતા વધુ સમયથી બિમાર છે. તેઓની મુંબઈના હિન્દુજા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હોસ્પિટલ દ્વારા આજે અનુજ પટેલના હેલ્થનું બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં એવી માહિતી જાહેર કરાઈ છે કે અનુજની તબિયત ધીમે ધીમે સુધરી રહી છે. તેઓ કોમાંથી બહાર આવી ગયા અને તમામ વેન્ટીલેટર સપોર્ટ હટાવી દેવાયા છે. તેમની રિક્વરીમાં હજુ થોડો સમય લાગશે. ટૂંક સમયમાં તેને કોકિલાબેન હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દીકરા અનુજ પટેલને ગઈ તા. 30મી એપ્રિલના રોજ બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. તેના લીધે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવા પડ્યા હતા. જ્યાં તેમની સર્જરી કરાઈ હતી.
હિન્દુજા હોસ્પિટલે જાહેર કર્યું છે કે અનુજ પટેલને 30 એપ્રિલે બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. પહેલાં તેઓને અમદાવાદની કે.ડી. હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યાંના ન્યૂરોસર્જન દ્વારા ઈમરજન્સી સારવાર કરાઈ હતી, જેથી અનુજની સ્થિતિ સ્થિર થઈ હતી ત્યાર બાદ એર એમ્બ્યુલન્સ મારફતે અનુજ પટેલને અમદાવાદથી મુંબઈની પી.ડી. હિન્દુજા હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સર્જરી કરાઈ હતી. સર્જરી બાદ અનુજ પટેલની સ્થિતિ સુધરી છે.
ઉલ્લેખનીય છે કે અનુજ પટેલ એન્જિનિયર છે. તેઓ રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે સકળાયેલા છે. તેઓએ પિતાની જેમ જ ડિપ્લોમા એન્જિનિયરિંગ કર્યું છે.