ભરૂચ: (Bharuch) ભરૂચ જીલ્લા જેલમાં (Jail) હવાલદારને કાચા કામના કેદી સાથે હાજરી પુરવાની સુચના બાબતે રકઝક થઇ હતી. જેમાં કેદીએ હવાલદારને અપશબ્દો બોલી હુમલો કરીને જાનથી મારી નાંખવાની ધમકી (Threat) આપતાં બી-ડીવીઝનમાં કેદી વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો.
- ભરૂચની જેલમાં કેદીનો હવાલદાર પર હુમલો, જાનથી મારવા ધમકી આપી
- હવાલદારે બધાં કેદીઓને બેસી જવા કહ્યું તો કાચા કામનો એક કેદી ઉશ્કેરાયો: નિયમો નહીં પાળું, થાય તે કરી લે કહી અપશબ્દો બોલ્યા
ભરૂચના કંથારિયા રોડ પર મુન રેસીડેન્સી ૩૯ વર્ષીય સંજયકુમાર નટવરલાલ વાઘેલા છેલ્લા અઢી વર્ષથી ભરૂચ જીલ્લા જેલમાં હવાલદાર તરીકે નોકરી કરે છે. રવિવારે મળસ્કે હવાલદાર સંજયકુમારે કેદીની ગણતરી કરવા માટે બુમો પડતા બેસી જવાની સુચના આપી હતી. જો કે કાચા કામના કેદી ચિરાગ અશોકભાઈ પંડ્યા બેઠા ન હતા. એ વખતે બેસવાનું જણાવતાં આખરે ઉશ્કેરાઈ જઈને અન્ય કેદીઓની હાજરીમાં અપશબ્દો બોલીને કહેવા લાગ્યા કે નહિ બેસું તારાથી થાય તે કરી લે. આ મુદ્દે શાંતિથી સમજાવવા છતાં કાચા કામના કેદી ચિરાગ પંડ્યાએ હવાલદારનો કોલર પકડીને કહ્યું કે તમારૂં ભરૂચ હોય તો ભલે હોય પણ હું જેલ બહાર નીકળીશ તો તને જાનથી મારી નાંખીશ, એવી ધમકી આપી હતી.
વધુમાં ઉંચા અવાજે કહ્યું કે હું આજ સુધી ગુજરાતની કોઈ જેલના નિયમો પાળતો નથી. ત્યારબાદ હવાલદાર પર હુમલો કરીને ફરજમાં રૂકાવટ ઉભી કરી હતી. વચ્ચે અન્ય કર્મીઓએ દરમ્યાનગીરી કરી હતી. તેમ છતાં કેદી ચિરાગ પંડ્યાએ કહ્યું કે હું તારા વિરુદ્ધમાં કોર્ટમાં ફરિયાદ આપી તને નોકરીમાંથી કઢાવી મુકીશ. આ મુદ્દે ઉચ્ચસ્તરે અધિકારીને જાણ કરાઈ હતી. તેઓની સુચનાથી ભરૂચ-બી ડીવીઝન પોલીસમાં ગુનો નોંધતા કાચા કામના કેદી ચિરાગ પંડ્યા વિરુદ્ધ જાનથી મારી નાંખવાની ધમકી અને ફરજના કામમાં રૂકાવટ માટે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.