Gujarat Main

જંત્રીની માથાકૂટ વચ્ચે સરકારના આ નિર્ણયના લીધે કરોડોની મિલકત ખરીદનારા ભેરવાયા

સુરતઃ સુરત શહેર સહિત રાજયભરની સબરજિસ્ટ્રાર કચેરીઓમાં સરકાર ટોકન સંખ્યા ઘટાડી દેતા સેંકડો લોકો જૂની જંત્રી (Jantri) મુજબ સ્ટેમ્પ પેપર (Stamp Paper) લઇ ભેરવાઇ ગયા છે.

  • સરકારે ટોકન ઘટાડી દેતા રાજયભરમાં લોકો કરોડોના સ્ટેમ્પ પેપર લઇને ભેરવાયા
  • વઘારાના ટોકનનો સ્લોટ રાતોરાત ઘટાડી કચેરી પણ ઓછી કરી દેવતાં અનેક લોકોના વેકેશન બગડયા

સુરત શહેર સહિત સમસ્ત રાજયભરમાં વિતેલા ત્રણ મહિનાથી નવી જંત્રીની જંજાળને લઇને સમસ્ત જમીન મિલકત બજારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. રાજયભરમાં લોકોએ નવી જંત્રી પહેલા જૂના દરોમાં દસ્તાવેજ (Property Registration ) કરાવવામાં પડાપડી કરી હતી. જેની વચ્ચે સરકારે પંદરમી એપ્રિલ સુધીની મેહતલ આપી જૂની જંત્રી મુજબ દસ્તાવેજ નોંધાવવા અનુકુળતા કરી આપી હતી.

આ અનુકુળતા વચ્ચે લોકોએ જમીન મિલકતોના દસ્તાવેજ નોંધાવવા માટે રીતસર પડાપડી કરી હતી. જેને લઇને સુરત સહિત સમસ્ત રાજયભરમાં સબરજિસ્ટ્રાર કચેરીઓમાં અરજદારોનો મહેરામણ ઊમટી પડયો હતો. રાજયના સુપરિન્ટેડન્ટ ઓફ સ્ટેમ્પ કચેરીએ દૈનિક રૂટિનમાં અલોટ થતા 37 ટોકનની સંખ્યા સીધી ડબલ કરી 54 કરી આપી હતી.

ટોકનની સંખ્યામાં બેગણો વઘારો છતાં મિલકતદારોના ધસારો નહીં ઘટતા ફરી ટોકનની સંખ્યા વધારી સીધી 70 કરી આપી હતી. જેને લઇને મિલકતદારો સટાસટ દસ્તાવેજ કરાવી નીકળી જતા હતા. પરંતુ સરકારે ફરી ગત સત્તાવીસમી એપ્રિલથી ટોકનની સંખ્યા નોર્મલ કરી 37 કરી દીધી હતી. જેને પગલે ટોકન લેવા માટે એડવોકેટને રાતના ઉજાગરા કરવા પડે છે.

એડવોકેટોને રાતે બારથી સવારે પાંચ સુધી જાગવાની નોબત આવી છે. આ નોબત બાદ તેમને ટોકન મળતા થયા હતા. પરંતુ તે પણ વીસ પચ્ચીસ દિવસના વેઇટિંગ બાદ જેને લઇને મિલકદારોના વેકેશન શિડયુલ ખોરવાઇ ગયા છે. લોકોને બહારગામ કે વિદેશ ફરવા જવાના શિડયુલ બદલવા પડયા અગર તો રદ કરવા પડ્યાં છે. જેને લઇને લોકોમાં ભારે નારાજગી જોવા મળી છે.

કતારગામ, કામરેજ અને નાનપુરા કચેરીનો સ્ટાફ પણ ઘટાડી દેવાયો
પાટનગરથી સુપરિન્ટેડન્ટ ઓફ સ્ટેમ્પ કચેરીએ કતારગામ, કામરેજ અને નાનપુરા સબરજિસ્ટ્રાર કચેરીમાં સ્ટાફ વધારી આપ્યો હતો. જે રાતોરાત ફરી ઘટાડી કર્મચારી અને ટેબલ સંખ્યા ઘટાડી દેતા મિલકતદાર અટવાઇ રહ્યાં છે. આ કચેરીઓમાં દસ્તાવેજ નોંધાવવા લાઇન લાગતા સરકારે શરુઆતમાં ટેબલ અને સ્ટાફ વધારી આપ્યો હતો. જે ફરી ઓછો કરી દેવાયો છે. હવે અરજદારોને સીધા દસ પંદર જૂન પછીના ટોકન મળે છે. જેને કારણે વકેશન રજા પણ પૂરી થતી હોય સેંકડો અરજદારોને પોતાના બુકિંગ રદ કરી દીઘા છે.

કરોડો રૂપિયાના આગોતરા સ્ટેમ્પ લેનારાઓ પણ સલવાયા
રાજય સરકારે પંદર એપ્રિલથી નવી જંત્રીના દરો અમલી બનાવી દીધા હતા. પરંતુ તેમાં એક વચલો રસ્તો રાખ્યો હતો. જે લોકોએ બાનાખત કે લખાણો પહેલા કરી નાંખ્યા હોય તેમને જૂની જંત્રીનો લાભ મળવાપાત્ર હતો. જેથી અનેક લોકોએ જૂની જંત્રીના ભાવે કોરોડો રૂપિયાના સ્ટેમ્પ પેપર ખરીદી લીધા હતા .છતાં તેમને સમયસર ચાર મહિનામાં દસ્તાવેજ કરવા મળશે કે કેમ તે મોટો પ્રશ્ન છે.

દસ્તાવેજો સ્કેન કરતી એજન્સી વિલન
રાજય સરકારે દસ્તાવવેજો નોંધાયા બાદ તેને સ્કેન કરી બીજા દિવસે અરજદારોને આપી દેવાઇ તે માટે આઉટ સોર્સિંગ મારફત એજન્સીને કામ આપ્યુ હતું. પરંતુ આ એજન્સી વિલન સાબિત થઇ છે. તે સમયસર કામ કરી શકતી નથી જેને કારણે આખી કચેરીનો કારભાર કડડભૂસ થઇ ગયો છે. સરકારે બે જિલ્લામાંથી આ એજન્સીને દરવાજો બતાવી દેવામાં આવ્યો છે. હવે સુરતની કંપની કંઇ રીતે કામ કરે છે તેના ઉપર દારોમદાર રહેશે

નાનપુરા, કુંભારિયા અને હજીરામાં ટોકન વધારી સમય પણ અપાયો
લોકોને દસ્તાવેજ નોંધાવવા પડી રહેલી હાલાકીને લઇને વિતેલા સપ્તાહથી ભારે હંગામો મચેલો હતો. આ હંગામાને પગલે પાટનગરથી સુરતની નાનપુરા, કુંભારીયા અને હજીરામાં દસ્તાવેજ નોંધાવવા ટોકન વધારી દેવાયા છે. ટોકન વધારાવા સાથે સમય પણ વધારો કરી આપ્યો છે. જોકે આ કચેરીમાં હવે 54 ટોકન મળશે. જેનાથી ખરેખર કેટલા મિલકતધારકોને રાહત થશે તે તો સમય જ બતાવશે.

Most Popular

To Top