Columns

એણે પૂછ્યું મહત્ત્વનું શું?

આવતી કાલે રીવા અને રીતેશના લગ્નની ૩૫ મી એનીવર્સરી હતી.ઘરના લોકોમાં કોઈ છાનો પ્લાન ચાલી રહ્યો હતો તેવો અંદેશો બંનેને આવી ગયો હતો કે કોઈક કારણસર સરપ્રાઈઝ આવતી કાલે મળશે.રાતે રીવાએ બે ગ્લાસ તેમની ફેવરીટ કોલ્ડ કોફી બનાવી અને બંને ગેલેરીમાં કોલ્ડ કોફીના મગ લઈને પોતાના જીવનના આ પાંત્રીસથી પણ વધુ વર્ષોના સહવાસની વાતો મનમાં વાગોળી રહ્યા હતા. રીવા વિચારોમાં ખોવાયેલી જ બોલી, ‘આટલાં વર્ષોની લાંબી સફર આપણે એકમેકનો હાથ હાથમાં લઈને ખેડી …દરેક સારા સંજોગો માણ્યા..ખરાબ પરિસ્થિતિ સામે લડીને માર્ગ કાઢ્યો …

આપની પાંત્રીસ વર્ષની લાંબી પ્રેમ સફર અને હંમેશા એકબીજાને સુખ આપવાની મંઝિલ જ નજર સામે રાખી. રીતેશ તું કહે તારા માટે શું વધુ યાદગાર અને મહત્ત્વનું છે? આપણી પ્રેમ સફર કે આ પ્રેમની મંઝિલ?’ રીતેશ પણ આ પ્રેમના દિવસોની યાદોમાં ખોવાયેલો હતો. તે હસ્યો અને પોતાનો અને રીવાનો કોફી મગ એકબીજાની બાજુમાં મૂકી; રીવાનો હાથ હાથમાં લઈને બોલ્યો, ‘તારી સાથે પ્રેમ થયો …તારો પ્રેમ મળ્યો …

સફળ કેરિયર રહી ..તેં મને અને ઘર બાળકોને જાતને ભૂલીને સાચવ્યાં…બાળકો મોટાં થયાં અને આજે દીકરી પરણી ગઈ છે અને દીકરો ભણીને પરણવા લાયક છે…બસ હવે તો નાના નાની અને દાદા-દાદી બનવાનું જ બાકી રહ્યું છે..આ આપની ૩૫ વર્ષોની પ્રેમ સફર….અને હવે વાત કરું મંઝિલની તો પ્રેમ થયો ત્યારે તારો સાથ મેળવવો મંઝિલ હતી …તારો સાથ મળ્યો પછી તારાં સપનાં પૂરાં કરવા મંઝિલ હતી ..પછી કુટુંબ અને બાળકોના સપનાં પૂરાં કરવા એ આપણી મંઝિલ બની … આમ મંઝિલ તો સતત બદલાતી રહી અને બદલાતી રહેશે ..

સફર પણ આગળ વધતી રહી અને વધતી રહેશે..તો મારે મન તો મંઝિલ પણ નહિ અને સફર પણ નહિ કૈંક ત્રીજું જ મહત્ત્વનું છે..’આટલું બોલી રીતેશ અટક્યો. રીવા અધીરી થઇ પૂછવા લાગી, ‘કહો ને રીતેશ, તમારે મન આ પ્રેમની સફર કે પ્રેમની મંઝિલથી પણ વધારે શું મહત્ત્વનું છે?’રીતેશે એક શાયર પ્રેમીની અદાથી સરસ જવાબ આપ્યો, ‘એને પૂછ્યું કે કહો આપણા પ્રેમની સફર મહત્ત્વની ..કે મંઝિલ …મેં હાથ હાથમાં લઇ કહ્યું …મહત્ત્વનો છે બસ સાથ તારો …..’રિતેશનો જવાબ સાંભળી રીવા રોમ રોમથી હસી ઊઠી અને બોલી, ‘તું અને સાથ તારો.’

Most Popular

To Top