SURAT

સુરતમાં આજે વર્ષનો સૌથી ગરમ દિવસ નોંધાયો, તાપમાન 43 ડિગ્રી નજીક પહોંચી ગયો

સુરત: (Surat) શહેરમાં છેલ્લા ચારેક દિવસથી તાપમાનમાં વધારો નોંધાયો છે. આજે એટલેકે ગુરુવારે સુરતનું મહત્તમ તાપમાન (Temperature) સીધું 6 ડિગ્રી વધીને 43 ડિગ્રી નજીક પહોંચતા લોકો ગરમીથી (Hot) ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. આ સાથે જ ગુરુવાર વર્ષનો સૌથી હોટ ડે નોંધાયો હતો.

  • ગરમીનો પારો 43 ડિગ્રી નજીક પહોંચતા સુરતીઓ ભઠ્ઠીમાં શેકાયા
  • મહત્તમ તાપમાનમાં સીધો 6 ડિગ્રીનો વધારો થતા આકાશમાંથી અગનગોળા વરસ્યા
  • બપોરે કામથી બહાર નીકળેલા લોકોતો પરેશાન હતા જ પણ ઘરમાં પણ લોકો ત્રાહિમામ
  • શહેરમાં આજે વર્ષનો સૌથી ગરમ દિવસ નોંધાયો

હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશન રચાવવાને કારણે છેલ્લા કેટલાક દિવસથી ગરમીમાં ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે. શહેરમાં છેલ્લા ચાર દિવસથી તાપમાનનો પારો સતત વધતાં શહેરીજનોની હાલત ઢીલીઢસ થઈ ગઈ છે. આજે તો ગરમીએ કહેર વર્તાવ્યો હતો. રસ્તા ઉપર લોકો જાણે ભઠ્ઠીમાં શેકાતા હોય તેવો અનુભવ કરતા હતા. શહેરમાં આજે મહત્તમ તાપમાન 5.8 ડિગ્રી વધીને સીધું 42.6 ડિગ્રીએ પહોંચ્યું હતું.

સુરત શહેરમાં આજે બપોરે રેકોર્ડબ્રેક તાપમાન નોંધાતા લોકો ઘરમાં પણ પરસેવે રેબઝેબ નજરે પડ્યા હતા. બીજી તરફ વહીવટી તંત્ર દ્વારા પણ હિટ સ્ટ્રોકની સંભાવનાને ધ્યાને રાખીને નાગરિકોને શક્ય હોય ત્યાં સુધી બપોરે બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. શહેરમાં સતત વધી રહેલી ગરમીને કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે. ગરમીથી બચવા લોકો ઝાડ, પતરાના શેડ, દુકાન, મકાન જ્યાં જગ્યા મળે ત્યાં આસરો શોધતા હતા. ઘરમાં પંખા નીચે પણ લોકોને રાહત મળી નહોતી. મહત્તમ તાપમાનની સાથે લઘુત્તમ તાપમાન પણ આંશિક વધીને 27.4 ડિગ્રી નોંધાયું હતું. હવામાં 52 ટકા ભેજની સાથે 5 કિલોમીટરની ઝડપે દક્ષિણ-પશ્ચિમનો પવન ફુંકાયો હતો.

હજી અઠવાડિયું લોકોની આકરી પરીક્ષા
હવામાન વિભાગ દ્વારા હજી આગામી પાંચ – સાત દિવસ સુધી ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવતાં મહાનગર પાલિકા દ્વારા હિટ સ્ટ્રોકથી બચવા માટે નાગરિકોને જરૂરી ગાઈડ લાઈનનું પાલન કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે. ત્યાં રાજ્ય સરકાર અને હવામાન વિભાગે લોકોને બપોરે કામ વગર ઘરની બહાર નહી નીકળવા માટે અપીલ કરી છે.

Most Popular

To Top