વડોદરા: શહેરના સિટી વિસ્તારની માફક સયાજીગંજ વિસ્તારમાં પણ મોડી રાત સુધી ખાણીપીણીની લારીઓ અને હોટલો બિન્દાસ્ત રીતે ધમધમતી હોય છે છતાં તેમની સામે પોલીસ કેમ મુકપ્રેક્ષક બની તમાશો જોયા કરતી હોય છે. પરંતુ કોઇ દિવસ આ જગ્યા પર કોઇ ઘટિત ઘટના બનશે તો તેના માટે જવાબદાર કોણ ? તેમને આખી દુકાનો ચાલુ રાખવા માટેની મંજૂરી કોણ આપી રહ્યું છે. શહેરમાં સાંજથી ખાણીપીણીની લારીઓ અને હોટલો શરૂ થઇ જતી હોય છે. પરંતુ આ હોટલો અગિયાર વાગ્યા બાદ સ્થાનિક પોલીસની ટીમ બંધ કરાવવા માટે નીકળતી હોય છે અને ચાલુ હોય તો સંચાલકોને બંધ કરાવવાની માટેની કડક સૂચના આપી હોય છે.
પરંતુ સયાજીગંજ વિસ્તારમાં આવેલા નટરાજ ટોકીજ, ડેરીડેન સર્કલ અને રેલવે સ્ટેશન પાછળ આવેલા વિસ્તારમાં આખી રાત સુધી ખાણીપીણીના લારીઓ અને હોટલો ધમધમકી રહેતી હોય છે ત્યાં અગિયાર વાગ્યાનો નિયમ લાગુ પડતો નથી તેવા અનેક સવાલ લોકોમાં ચર્ચાઇ રહ્યા છે. સ્થાનિક વિસ્તારમાંથી મળતી માહિતી મુજબ રાત્રીના ચાલતી લારીઓ હોટલના સંચાલકો દ્વારા પોલીસ સ્ટેશનમાં મહિને હપ્તો ચૂકવતા હોવાના કારણે તેમની દુકાનો મોડી રાત સુધી ચાલુ રાખવા દેવામાં આવતી હોય છે. પરંતુ મોડી રાત સુધી ચાલતી લારીઓ પર રાતના રાજા માથાભારે તત્વો આવતા હોય છે જેથી અવાર નવાર બોલાચાલી ઝઘડા પણ થતા હોય છે. તો ક્યારે ઝઘડામાં કોઇને મોતને ઘાટ ઉતારી દેવામાં આવશે તો તેના માટે જવાબદાર કોણ? તેવા સવાલ ઉભી થઇ રહ્યા છે.
ખાણીપીણીની લારીઓ માટે સમયની પાબંધી અંગે કોઈ જાહેરનામુ નહી
પોલીસ કે સરકાર તરફથી મોડી રાત સુધી ખાણીપીણીની લારીઓ ચાલુ રાખવા માટેનું કોઇ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું નથી. ક્યારેક આવી લારીઓ પર અવાર નવાર ઝઘડા થતા હોય સ્થાનિક પોલીસ ઘટના સ્થળ પર જઇને દુકાનના સંચાલક સામે ગુનો દાખલ કરતી હોય છે. પરંતુ મોડી રાત સુધી લારી ચાલુ રાખવા માટે પોલીસમાંથી પરમિશન કે મંજૂરી લેવામાં આવતી નથી.
– આર.જી.જાડેજા, પીઆઇ, સયાજીગંજ પોલીસ સ્ટેશન