Vadodara

ગંદકીથી ખદબદતી 131 વર્ષ જૂની અમૃત વાવની આખરે સફાઈ કરાશે

વડોદરા: શહેરમા અનેક વડોદરાની વિરાસત સમી ઇમારતો આવેલી છે. પરંતુ માંડવી સિવાય ની ઇમારતો ની જાળવણી મા પાલિકા તંત્ર નિષ્ફ્ળ જોવા મળ્યું છે. ન્યાય મંદિર સહીત અનેક હેરિટેજ તેમજ વડોદરા ની ધરોહાર સમાન ઇમારતો નું રીપેરીંગ તેમજ રંગરોગાન કરવા મા આવતું નથી જેથી ગાયકવાડ સરકારે વડોદરા ને ભેટ મા આપેલ આવી ઇમારત નું મહત્વ અને સુંદરતા ઘટી જતી હોવાનું બહાર આવ્યું છે. શહેર મા કેટલીય ઐતિહાસિક પ્રતિમા આવેલી છે. આ પ્રતિમા ઓ ને માત્ર જન્મદિવસ કે પુણ્યતિથિ એ સાફ કરવામાં આવે છે નેતાઓ ફોટો સેશન માટે હાર પહેરાવ્યા પછી આખું વર્ષ આ પ્રતિમાઓ ને ભૂલી જાય છે વર્ષો થી અને ઇમારતો ને રંગરોગાન કરવામાં ન આવતા અનેક ઇમારતો ખડેર હાલત મા જ જોવા મળે છે.

શહેરમાં ગાયકવાડી શાસન વખતની ભવ્ય ધરોહર નિષ્કાળજીના પરિણામે દયનીય હાલતમાં મુકાઈ ગઈ છે, તેનો વધુ એક પુરાવો પ્રતાપ નગર વિસ્તારમાં આવેલી અમૃતવાવ છે. 131 વર્ષ પહેલાં બનાવેલી આ વાવ કચરા અને ગંદકીથી ભરાઈ જતા તેની દુર્દશા થઈ છે. વડોદરા કોર્પોરેશનની સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ આ વાવનું નિરીક્ષણ કરવા પહોંચ્યા ત્યારે ઐતિહાસિક વાવની હાલત જણાઈ આવી હતી.

તેમણે અહીં ખાળ કુવો મશીન મુકાવી બે દિવસ સુધી ગંદુ પાણી ઉલેચાવીને વાવમાંથી કચરો બહાર કઢાવી પાણી ચોખ્ખું રહે તે તેમજ નિયમિત સફાઈ માટે સૂચના આપી છે. આ ઉપરાંત હાલની જે સ્થિતિ છે તેમાં પણ સુધારો કરાવાશે. વધારાના જે કંઈ બાંધકામ થયા છે તે હટાવાશે. આ ઐતિહાસિક વાવ જોવા પ્રવાસીઓની અહીં અવરજવર રહે એવા પણ પ્રયાસ થશે. પ્રતાપનગર-નવગ્રહ મંદિર નજીક આ અમૃત વાવ આવેલી છે. પ્રવાસીઓ માટે ગોવિંદ ભોજન ગૃહ સયાજીરાવે 1892-93 માં બનાવેલું ત્યારે આ વાવ બનાવી હતી. આ વાવનું નામ ‘અમૃત વાવ’ પાડ્યું હતું. વાવ બાંધવાનો કુલ ખર્ચ રૂા.5755 થયો હતો.

સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેને વધુમાં કહ્યું હતું કે પ્રતાપનગર રેલવે ગોદી પાસે ગોવિંદ ભોજન ગૃહ બનાવેલું તે એ વખતના સિસ્ટમના એક ભાગરૂપ હતું. મુસાફરો આવતા ત્યારે અહીં મુસાફર ખાનામાં વિરામ કરવા માટે રોકાતા હતા. ગોવિંદ ભોજન ગૃહ ઉપર 1892-93 ના ઉલ્લેખ સાથે મૂકેલી તકતીમાં લખેલું છે કે સયાજીરાવ મહારાજ ત્રણ વખત યુરોપ ખંડમાં જઈને ત્યાંના દેશોની રચના, વિદ્યા, વેપાર, કળા, રાજ્ય કારભાર તપાસીને આવ્યા હતા. વળી, મહારાણી વિક્ટોરિયા તથા ઇંગ્લેન્ડનું બહુમાન પોતાની રાજ પત્ની સાથે મેળવી આવ્યા હતા.

Most Popular

To Top