ખાનપુર : ખાનપુર તાલુકાના ખાતુ ડામોરની મુવાડીમાં જંગલ વિસ્તારમાં ભુંડનો શિકાર કરવા આવેલી ટોળકીએ ગોળી ફોડતા તે મહિલાને વાગી હતી. જેના કારણે તેને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ અંગે પોલીસે ત્રણ શખસો સામે ગુનો નોંધ્યો હતો. ખાનપુરના છાણી તાબે ખાતુડામોરની મુવાડીમાં રહેતા રાયસન મણીયાભાઈ રાવળ 7મી મેના રોજ સવારના સાડા સાતેક વાગ્યાના સુમારે ગામમાં કડિયા કામે ગયાં હતાં. ઘરેથી નિકળતા સમયે તેઓએ તેમના પત્ની મણિબહેનને આપણું છાપરૂ ખેતરમાં પડી ગયું છે, તેની નજીક વાડ સાફ સફાઇ કરવાની છે. જેથી જજે તેવી વાત કરી હતી.
જોકે, થોડા કલાકોમાં રાયસનને જાણ થઇ કે મણિબહેન છાપરાવાળા ખેતર નજીક જંગલમાં લાકડા વિણતાં હતાં તે વખતે તેઓને ગોળી વાગી છે અને ગંભીર રીતે ઘવાયાં છે. આથી, રાયસન તાત્કાલિક ઘરે પહોંચ્યો હતો. જ્યાં ઘાયલ મણિબહેનને લાવ્યાં હતાં. આ સમયે મણિબહેનને પુછતા તેમણે જણાવ્યું હતું કે, હું અને જગદીશ છાપરાવાળા ખેતરમાં ગયાં હતાં અને જંગલમાં લાકડા દાંતરડાથી કાપતા હતાં, તે વખતે એકદમ ડુંગર ઉપરથી કોઇએ બંધુકમાંથી ગોળી ભુંડને મારવા માટે છોડતા મને કમરના પાછળના ભાગે વાગી ગઇ છે.
આથી ગંભીર રીતે ઘવાયેલા મણિબહેનને 108માં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બીજી તરફ બનાવની ગંભીરતાના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જે સ્થળે બંધુકમાંથી ગોળી વાગી હતી તે સ્થળે આસપાસમાં તપાસ કરતાં થોડે દુર નજીકમાં તળાવના કિનારે એક જંગલમાં ફરતા મૃત ભુંડ પડેલો હતો અને તેને પણ બંધુકની ગોળી વાગી હતી. આ અંગે નજીકમાં રહેતા કોયાભાઈ રાવળની પુછપરછ કરતાં તેમણે જણાવ્યું હતું કે, હું ઢોર ચરાવતો હતો તે વખતે બંધુક ફુટવાનો અવાજ સાંભળ્યો હતો. બે – ત્રણ માણસો જંગલમાં ફરતા ભુંડ મારવા આવ્યાં હતાં. જેમને ભાગતા જોયેલા હતાં. આ અંગે બાકોર પોલીસે અજાણ્યા ત્રણ સામે ગુનો નોંધ્યો હતો.