Editorial

દેશમાં ડોમેસ્ટિક રૂટો પર ધંધો કરવામાં એર લાઇનોને મુશ્કેલીઓ નડી રહી છે

છેલ્લા કેટલાક દિવસથી ગો ફર્સ્ટ એર લાઇન ચર્ચામાં છે. આ સસ્તા ભાવે ડોમેસ્ટિક હવાઇ મુસાફરીની સેવા આપતી એર લાઇને નાદારી નોંધાવવા માટે અરજી કરી દીધી છે અને તેની ફ્લાઇટો રદ કરવા માંડી છે. તેણે પહેલા તો જાહેરાત કરી કે તે ૩થી પ મે સુધીની ફ્લાઇટો રદ કરી રહી છે અને આ ફ્લાઇટો માટે અગાઉથી બુક થઇ ગયેલી ટિકીટો માટે રિફંડ આપશે. બાદમાં તેણે ૧૨ તારીખ સુધીની ફ્લાઇટો રદ કરવાની જાહેરાત કરી. દેખીતી રીતે સ્પષ્ટ થઇ ગયું કે તે ફ્લાઇટો ઓપરેટ કરવામાં મુશ્કેલી અનુભવી રહી છે.

તેની ફ્લાઇટો રદ કરવાની જાહેરાતોથી ભારતીય હવાઇ મુસાફરીના ક્ષેત્ર હડકંપ મચી ગયો. અગાઉથી ટિકીટો બુક કરાવી ચુકેલા અને પોતાના પ્રવાસ કાર્યક્રમો ધરાવતા મુસાફરો ઘાંઘા થઇને બીજી એરલાઇનો તરફ દોડ્યા અને હવાઇ ભાડામાં પણ મોટો ઉછાળો આવી ગયો. આ બધી અંધાધૂંધી વચ્ચે ગો ફર્સ્ટની મુશ્કેલીઓ સતત વધી રહી છે. હવે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને ગો ફર્સ્ટને નોટિસ જારી કરી છે.

ઉડ્ડયન નિયમનકાર ડીજીસીએ એ સોમવારે ગંભીર નાણાકીય કટોકટીમાંથી પસાર થઈ રહેલી એરલાઇન ગો ફર્સ્ટને તેની ફ્લાઇટ્સ માટે ટિકિટ બુક કરવાનું તાત્કાલિક બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. ગો ફર્સ્ટને તાત્કાલિક અસરથી અને આગળના આદેશો ન આવે ત્યાં સુધી પ્રત્યક્ષ કે આડકતરી રીતે ટિકિટ બુકિંગ અને વેચાણ બંધ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. સ્વાભાવિક રીતે આ એરલાઇન નજીકના ભવિષ્યમાં હવે શરૂ થઇ શકે એમ નથી એનો આમાં સ્પષ્ટ સંકેત જણાય છે.

કોર્પોરેટ ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રક્રિયા શરૂ કરવાના હેતુથી ગો ફર્સ્ટ દ્વારા અરજી કરાયા બાદ ઉડ્ડયન નિયંત્રક ડીજીસીએએ એરક્રાફ્ટ નિયમો 1937 હેઠળ ગો ફર્સ્ટને કારણ બતાવો નોટિસ જારી કરી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ડીજીસીએનું માનવું છે કે એરલાઇન્સ વિશ્વસનીય સેવા પ્રદાતા તરીકે તેમની ભૂમિકા નિભાવવામાં નિષ્ફળ રહી છે.ગો ફર્સ્ટે 15 મે સુધી ટિકિટનું વેચાણ અટકાવી દીધું છે. આ સાથે એરલાઈને 12 મે સુધી પોતાની ફ્લાઈટ્સ કેન્સલ કરી દીધી છે.

ગયા અઠવાડિયે, એરલાઇન્સે સમયસર એન્જિન ડિલિવરીના અભાવને કારણે ઊભી થયેલી નાણાકીય કટોકટીને ટાંકીને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ સમક્ષ સ્વૈચ્છિક નાદારી રિઝોલ્યુશન અરજી પણ દાખલ કરી હતી. આ અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી છે અને નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, ગો ફર્સ્ટમાં સંકટ ઘેરી બન્યા પછી, ડીજીસીએએ તેને આગામી આદેશો સુધી પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ટિકિટ બુક કરવાનું તાત્કાલિક બંધ કરવા કહ્યું છે. આ સિવાય જો વિમાન 15 દિવસમાં ઓપરેટ ન થઈ શકે તો જવાબ આપવા માટે પણ કહેવામાં આવ્યું છે.

સૂત્રોએ જણાવ્યું કે ગો ફર્સ્ટ તરફથી મળેલા પ્રતિસાદના આધારે જ ગો ફર્સ્ટને આપવામાં આવેલ એર ઓપરેટર્સ સર્ટિફિકેટ ચાલુ રાખવા અંગે નિર્ણય લેવામાં આવશે.બીજી બાજુ, આ એરલાઇનને વિમાનો ભાડાપટે આપનાર કંપનીઓએ આ કંપનીને પોતે ભાડાપટે આપેલા વિમાનો ડીરજીસ્ટર કરવા સત્તાવાળાઓ સમક્ષ માગણી કરી છે. અત્યાર સુધી ૩૬ વિમાનો ડીરજીસ્ટર કરવા લીઝરોએ માગ કરી છે. આ કંપનીને ધિરાણો આપનારાઓની સાથે તેને વિમાનો લીઝ પર આપનારી પેઢીઓ પણ ચિંતામાં મૂકાઇ ગઇ છે.

ગો ફર્સ્ટ ભારતની એવી પ્રથમ એરલાઇન નથી કે જે બંધ થઇ રહી છે. આ પહેલા છેલ્લા એક દાયકા જેટલા સમયમાં લગભગ અડધો ડઝન કરતા વધુ એરલાઇનો ભારતમાં બંધ થઇ ગઇ છે. કિંગફીશર, ઇન્ડિયન એરલાઇન્સ, એર એશિયા, જેટ એરવેઝ, એર મંત્રા, એર પેગાસસ જેવી અનેક એર લાઇનો બંધ પડી ગઇ છે. ભારતમાં નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર એક વિકસતું અને ધબકતું ક્ષેત્ર છે એમ કહેવાય છે અને છતાં ધડાધડ એરલાઇનો બંધ પડી છે અને બધી એરલાઇનોને મોટે ભાગે આર્થિક મુશ્કેલીઓને કારણે જ બંધ કરવી પડી છે.

ગો ફર્સ્ટના કિસ્સામાં એમ કહેવાય છે કે પ્રેટ એન્ડ વ્હીટની એન્જિનો તેના વિમાનો માટે સમયસર ઉપલબ્ધ થઇ શક્યા નહીં તેથી આ એરલાઇન મુશ્કેલીમાં આવી પડી પરંતુ અંદરખાને તે બીજી મુશ્કેલીઓનો સામનો પણ કરતી હશે જ. ભારતમાં મોંઘા વિમાની ભાડા ખર્ચી શકે તેવો વર્ગ મર્યાદિત છે અને ઘણા લોકો દૂરના અંતર માટે પણ હવાઇ મુસાફરીને બદલે સુપર ફાસ્ટ ટ્રેનો વધુ પસંદ કરે છે. બીજી બાજુ, ઇંધણના વધતા ભાવો તથા મેઇનટેનન્સના વધતા ખર્ચાઓ વગેરેને કારણે એરલાઇનોને ભારતમાં ડોમેસ્ટીક રૂટો પર ધંધો કરવાનું મુશ્કેલ જ બની રહ્યું છે તે એક કઠોર વાસ્તવિકતા છે.

Most Popular

To Top