Gujarat

વિજાપુરમાં મરચાના પાઉડરમાં ભેળસેળનું કૌભાંડ: 10.45 લાખની કિંમતની 3900 કિલો મરચાભૂકી જપ્ત

ગાંધીનગર: મહેસાણામાં (Mehsana) મરચાના પાઉડરમાં (Chilli powder) થતી ભેળસેળનું કૌભાંડ (SCAM) ઝડપી લઈને ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ઈન્ટેલિજન્સ અધિકારીઓની ટીમે રૂપિયા ૧૦.૪૫ લાખની કિંમતનો આશરે ૩૯૦૦ કિલોગ્રામ જેટલો જથ્થો જપ્ત કરી લીધો છે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું કે રાજ્યના નાગરિકોની જીવનજરૂરી ખાદ્ય ચીજવસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્યમાં ખાદ્યચીજોના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે દરોડાની કાર્યવાહી કરીને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. જેના ભાગરૂપે મહેસાણા જિલ્લાની ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા મરચાં પાવડરમાં થતી ભેળસેળનું કૌભાંડ પકડી પાડવામાં આવ્યું છે, જયારે 10.45 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

પ્રાથમિક તપાસમાં વિજાપુર-હિંમતનગર હાઈવે મુ.તા- વિજાપુર, જી. મહેસાણા ખાતે ઉમીયા ગોડાઉન કૌભાંડ આચરનાર વેપારી મુકેશકુમાર પૂનમચંદ મહેશ્વરી દ્વારા ઉપરોક્ત સ્થળ ઉપર મરચાં પાવડરનું ઉત્પાદન ફૂડ સેફટી લાઈસન્સ વગર થતું હોવાનું જાણવા મળ્યું હતું. જે અંગે સઘન તપાસ હાથ ધરતા મરચા પાવડર સાથે લાલ કલરની હાજરી એટલે કે ભેળસેળ જોવા મળી હતી. આ લાલ કલરનો આશરે ૨ કિલોગ્રામ જેટલો જથ્થો સ્થળ પર મળી આવ્યો હતો.

ફૂડ સેફટી ઓન વ્હીલ્સ દ્વારા મેજિક બોક્સ મારફત ફૂડ ટેસ્ટીંગ કીટ દ્વારા સ્થળ પર જ મરચાં પાવડરના જથ્થાની ચકાસણી કરતાં મરચાં પાવડરમાં કલરની હાજરી જણાઈ હતી. કલર ઉપરાંત સ્થળ પરથી મરચાં પાવડર, આખુ લાલ મરચું અને લાલ કલર મળીને કુલ ૦૫ કાયદેસરના નમૂનાઓ લઇ પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. જયારે બાકીનો આશરે ૩૯૦૦ કિલોગ્રામ જેટલો જથ્થો જેની અંદાજીત કિંમત રૂ. ૧૦,૪૫,૦૦૦ છે તે જથ્થો કાયદા મુજબ જપ્ત કરવામાં આવ્યો છે.

કોશિયાએ જણાવ્યું હતું કે ભૂતકાળમાં પણ આ જ વેપારી મુકેશકુમાર પુનમચંદ મહેશ્વરી પાસેથી જ શંકાસ્પદ ભેળસેળ વાળા મસાલાઓના નમુનાઓ લેવામાં આવ્યા હતા, જે અનસેફ થતા તેમની સામે વિજાપુરની સ્પે કોર્ટ સમક્ષ ‘ધી ફૂડ સેફટી એક્ટ, ૨૦૦૬’ હેઠળના ૨ (બે) ફોજદારી કેસ ચાલી રહ્યા છે. આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે.

Most Popular

To Top