સુરત : તાજેતરમાં ‘બાગેશ્વર સરકાર’ (Bageshwar Sarkar) વિવિધ રીતે ચર્ચાનું કેન્દ્ર બની ગયા છે. ત્યારે દેશના જુદા જુદા શહેરોમાં બાગેશ્વર સરકારના કાર્યક્રમો થયા બાદ હવે સુરતમાં (Surat) પણ બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો (Dhirendra Shashtri) કાર્યક્રમ થવા જઇ રહ્યો છે.
સુરતમાં આ કાર્યક્રમને ભવ્ય બનાવવા માટે આયોજન સમિતિ બનાવવામાં આવી છે. લિંબાયત ઝોનના નીલગિરી મેદાનમાં આગામી 26-27 મેના રોજ ભગવાન બાલાજી હનુમાનની આસ્થાના કેન્દ્ર એવા પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આવી રહ્યાં છે.
હમણા હમણા બહુ ચર્ચામાં આવેલા અને અધ્યાત્મિક આભાથી લોકોના જીવનની સમસ્યાની સમાધાન કરવાનો દાવો કરતા અને ભકતોમાં બાગેશ્વર સરકારથી ઓળખાતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ સનાતન ધર્મની પુનઃ સ્થાપના માટે સ્પષ્ટતાપૂર્વક જાહેરમંચો પરથી બોલી રહ્યાં છે તેથી યુવા પેઢીમાં પણ પકકડ બનાવી રહ્યાં હોય ત્યારે સુરતમાં આવી રહેલા બાબાના કાર્યક્રમ માટે બાગેશ્વર ધામ આયોજન સમિતિ બનાવાઇ છે જેની મીટીંગ યોજાઇ હતી.
આ સમિતિમાં શ્રીમતી કિરણબેનનો જેમને બાગેશ્વર ધામ પીઠાધીશ્વર ધર્મના માતૃશ્રી માને છે તેમને પણ સમાવાયા છે. શનિવારે નીલગીરી મેદાનમાં આ કાર્યક્રમ અંગેનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. આ આયોજનની સમિતિમાં સંગીતાબેન પાટીલ, સંદિપભાઈ દેસાઈ (ધારાસભ્ય), અમિતસિંહ રાજપૂત (શાસકપક્ષ નેતા), દિનેશ રાજપુરોહિત (મનપા સ્લમ કમીટી ચેરમેન) અને વિભિન્ન સમાજના અગ્રણીઓ જેમાં કૃષ્ણમુરી શર્મા, સાંવર પ્રસાદ બુધિયા, કૈલાશભાઈ હકીમ,કુ સુમબેન વર્મા, દિનેશભાઈ કટારીયા, પ્રતાપભાઈ જીરાવાલા અને હિરેનભાઈ કાકડિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સુરત પહેલાં 13-17 મે દરમિયાન પટનામાં બાગેશ્વર સરકારનો ધામ યોજાશે
સુરત અગાઉ બિહારમાં બાગેશ્વર ધામ બાબાનો દરબાર યોજાવા જઈ રહ્યો છે, જેને લઈને બિહારમાં રાજકારણ ગરમાયું છે. બિહારના મંત્રીઓએ ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંક્યો છે તો બીજી તરફ ભાજપે પણ સત્તાધારી પક્ષને ચેલેન્જ આપી છે. દરમિયાન તા. 13થી 17 મે દરમિયાન બાગેશ્વર ધામ સરકારનો દરબાર યોજવા માટે બિહારના નૌબતપુરના તરેત ગામમાં તડામાર તૈયારી શરૂ થઈ છે. અહીં 300 સુરક્ષા જવાનોના પહેરા વચ્ચે કાર્યક્રમ યોજાશે.