સુરત: સુરતમાંથી અંગદાનની વધુ એક ઘટના બની છે. લેઉવા પાટીદાર સમાજના 64 વર્ષિય બ્રેઈનડેડ શૈલેશભાઈ હસમુખભાઈ પાદરીયા પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી શૈલેશભાઈના લિવર, કિડની અને આંખોનું દાન કરી પાંચ વ્યકિતઓને નવજીવન બક્ષ્યું છે.
ડોનેટ લાઈફના નિલેશભાઈ માંડલેવાલાએ જણાવ્યું હતું કે મહિધરપુરામાં પદમાવતી એપાર્ટમેન્ટમાં રહેતા 64 વર્ષિય શૈલેશભાઈ હસમુકભાઈ પાદરિયાએ 5મી મેના રોજ માથામાં દુઃખાવાની ફરિયાદ કરી હતી. ત્યારબાદ ઉલ્ટીઓ થતા તેઓ બેભાન થઇ ગયા હતા. પરિવારજનોએ તેમને તાત્કાલિક વિનસ હોસ્પિટલમાં લઈ ગયા હતા. નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું.
6 મેના રોજ તેમને બ્રેઈનડેડ જાહેર કરાયા હતા. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી શૈલેશભાઈના પત્ની મમતાબેન, પુત્ર જીગર, પુત્રીઓ બીની અને ઉન્નતી, જમાઈ ચિરાગ સુરતી, સ્વાતીલ શાહ, દિલીપભાઈ શાહ અને પાદરીયા પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી. પરિવારજનોએ અંગદાનની સંમતિ આપતા SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા લિવર સુરતની કિરણ હોસ્પીટલને અને બંને કિડની અમદાવાદની હોસ્પિટલને ફાળવવામાં આવી. આંખોનું દાન દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકના ડો. પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું.
દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ વાપીના રહેવાસી ૪૫ વર્ષીય વ્યક્તિમાં સુરતની કિરણ હોસ્પીટલમાં ડૉ. ગૌરવ પટેલ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. દાનમાં મેળવવામાં આવેલી બંને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ બે જરૂરિયાતમંદ દર્દીમાં અમદાવાદની હોસ્પીટલમાં કરવામાં આવશે.
અંગદાન કરાવવાની સમગ્ર પ્રક્રિયા ડોનેટ લાઈફના સ્થાપક અને પ્રમુખ નિલેશ માંડલેવાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. જેમાં શૈલેશભાઈના પત્ની મમતાબેન, પુત્ર જીગર, પુત્રી બીની અને ઉન્નતી, જમાઈ ચિરાગ સુરતી, સ્વાતીલ શાહ, દિલીપભાઈ શાહ તેમજ પાદરીયા પરિવારના અન્ય સભ્યો, ન્યુરોફીઝીશયન ડૉ. ગૌરાંગ ઘીવાળા, ન્યુરોસર્જન ડૉ. ધવલ પટેલ, ફીઝીશયન ડૉ. નિખિલ જરીવાલા, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. પ્રેક્ષા ગોયલ, ડૉ. આકાશ બારડ, મેડિકલ ઓફિસર ડો. પાયલ પાટીલ, ડૉ. પાયલ મોરડિયા, RMO વિરેન પટેલ, શૈલેશ થીગડે, વિનસ હોસ્પીટલના સંચાલકો અને સ્ટાફ, ડોનેટ લાઈફના પ્રોગ્રામ ઓફિસર સુભાષ જોધાણી, નિહિર પ્રજાપતિ, નિકસન ભટ્ટ, રોહન સોલંકીનો સહકાર સાંપડ્યો હતો.
સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ ૧૧૨૨ અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે જેમાં ૪૬૬ કિડની, ૨૦૦ લિવર, ૪૫ હૃદય, ૩૪ ફેફસાં, ૮ પેન્ક્રીઆસ, ૪ હાથ, ૧ નાનું આતરડું અને ૩૬૪ ચક્ષુઓના દાનથી દેશ અને વિદેશના કુલ ૧૦૩૦ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.